કોરોના વાયરસનો ચેપ અખબારો દ્વારા ફેલાતો નથીઃ વિશ્વ આરોગ્ય સંસ્થા

નવી દિલ્હી તા. રપઃ અખબારોને કારણે કોરોના ફેલાવાની કોઈ શક્યતા નથી અને કોરોના વાયરસનો ચેપ અખબારો દ્વારા ફેલાઈ શકતો નથી, તેવી સ્પષ્ટતા થઈ છે. મોદી સરકારે પણ રાજ્યોને અખબારો નિરંતર પ્રસિદ્ધ થતા રહે તે જોવા પરિપત્ર પાઠવ્યો હોવાનું જાણવા મળે છે.

કોરોના વાયરસને નાથવા માટે આખો દેશ લોકડાઉન હેઠળ છે ત્યારે સરકારે એક મહત્ત્વનો ખૂલાસો કરતાં એવું જણાવ્યું કે, અખબારો સલામત છે અને લોકોને કોરોના વાયરસની સાચી અને અપટડેટ માહિતી મળતી રહે તે માટે અખબારો પ્રસિદ્ધ થતા રહે તે અત્યંત જરૃરી છે. અખબારો દ્વારા લોકો મહત્ત્વની માહિતી મેળવી શકે છે. જોકે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ગાઈડ લાઈન્સ મુજબ અખબારો અને પાર્સલના કાર્ડબોર્ડ પર કોરોના વાયરસ જીવંત રહી શકતો નથી અને તેથી અખબારો જેવી ચીજોને સ્પર્શ કરવું સુરક્ષિત છે. ન્યુઝપેપરો છાપવા માટેના મોર્ડન પ્રિન્ટિંગ પ્રેસ ઓટોમેટેડ છે.

પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા સતત ચાલતું રહે તેના મહત્ત્વને હાઈલાઈટ કરવા માટે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને એક પરિપત્ર જારી કરીને એવું જણાવ્યું કે, અખબારો નિરંતર પ્રસિદ્ધ થતાં તે સુનિશ્ચિત કરવા માટે પગલાં ભરવામાં આવે. વિશ્વના ટોચના વૈજ્ઞાનિકો અને સંશોધકોએ એવું જણાવ્યું છે કે, અખબારોથી કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોય તેવો એક પણ કેસ અત્યાર સુધી સામે આવ્યો નથી. અત્યંત નાજુક અને પાતળી સપાટી પર આ વાયરસ જીવી શકતો નથી તે સંશોધનમાં પુરવાર થયું છે. ન્યુ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રસિદ્ધ રિપોર્ટ અનુસાર વિવિધ સપાટી પર કોરોના વાયરસની જીવીત રહેવાની સંભાવના પર એવું માલુમ પડ્યું છે કે, સૌથી ઓછું ટ્રાન્સમિશન કોપર દ્વારા થાય છે.

close
Nobat Subscription