જામનગરને સ્વચ્છ, સમતળ કરી સાર્વત્રિક સેનેટાઈઝ કરવાનો આફતે આપ્યો અવસર

જામનગર તા. ર૪ઃ કોરોનાને લઈને જામનગર અત્યારે બંધ છે, માર્ગો ખુલ્લા છે. લારી-ગલ્લા-પથારાવાળા નથી. કોરોનાને લઈને વાહનો અને લોકોની અવરજવર પણ નહીંવત છે. જામનગરની મહાનગરપાલિકા અને અન્ય તંત્રોએ આફતે આપેલા આ અવસરને ઝડપી લેવો જોઈએ. જામનગરમાં ખૂણે ખૂણેથી તમામ ગંદકી-કચરો, ભંગાર અને ટ્રાફિકને અવરોધરૃપ ચીજો હટાવીને સમગ્ર શહેરને તદ્ન સ્વચ્છ, સુઘડ કરીને તેને સેનેટાઈઝ કરવાથી કોરોના સામેના જંગને પણ મદદ મળશે અને શહેર પણ કાયમી ધોરણે સ્વચ્છ રાખવાની બુનિયાદ સ્થાપિત થશે. તમામ સર્કલો, ડિવાઈડરો, પ્રતિમાઓને સ્વચ્છ કરી શકાય છે.  માર્ગ-મકાન વિભાગ તૂટેલા-ફૂટેલા દિશાસૂચક બોર્ડ હટાવીને માર્ગો પર જે કાંઈ ચટ્ટાપટ્ટા કરવાના હોય, તે કરી શકે છે. ડિવાઈડરોની મરામત કરીને તેને રંગી શકાય છે. બિનજરૃરી સ્પીડબ્રેકરો હટાવીને અને માર્ગો પર પડેલા ખાડા-ખડબા અને ચીરોડા બૂરી શકાય છે. રેલવે તંત્ર રેલવે ફાટકો પર જરૃરી મરામત અને સાફસૂફી કરાવી શકે છે. એસ.ટી. તંત્ર પોતાની બસોની મરામત કરી શકે છે. એસ.ટી.ની બસો તો સેનેટાઈઝ કરવામાં આવી રહી છે, પરંતુ એસ.ટી. ડેપોના સેનીટેશન, પીવાના પાણી તથા બેઠક વ્યવસ્થાઓની મરામત કરીને બસડેપોને સ્વચ્છ અને સુઘડ કરી શકાય છે. આ જ રીતે અન્ય વિભાગો પણ પોતપોતાના વિભાગની જરૃરી મરામત અને આધુનિકરણની કામગીરી કરી શકે છે.બાગબગીચાઓને સાફસૂફ કરીને તેમાં સુધારા-વધારા થઈ શકે છે. એ જ રીતે સરકારી કચેરીઓની જરૃરી મરામત અને પ્રાથમિક સુવિધાઓમાં સુધારા-વધારા કરી શકે છે. માત્ર જામનગર જ નહીં, પરંતુ અન્ય શહેરોમાં પણ આવું થઈ શકે છે. આ માટે સામૂહિક રીતે મોટી સંખ્યામાં કામદારો કે કર્મચારીઓની જરૃર રહેવાની નથી. આવશ્યક સેવાઓ માટે ફરજ પર રહેલા સ્ટાફ, સફાઈ કામદારો અને કર્મચારીઓની મદદથી જ ઉપર જણાવેલા કામો પૈકી શક્ય તેટલા કામો કરી શકાય છે. સરકારે કોરોનાને લઈને આપેલી સૂચનાઓની મર્યાદામાં રહીને પણ શક્ય તેટલા કામો કરવાની આ તક ચૂકવી ન જોઈએ.

close
Nobat Subscription