Advertisement
Author: નોબત સમાચાર

નવાગામ-શાપર તથા જાલીયા-માનસરમાં બે વ્યક્તિને વીજ આંચકોઃ શેઠવડાળામા યુવાનનું મૃત્યુઃ અપમૃત્યુના પાંચ બનાવ

નશાની હાલતમાં ઘરેથી નીકળી ગયા પછી નગરના યુવકે ખાઈ લીધો ગળાફાંસોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામજોધપુરના શેઠવડાળા ગામમાં મજૂરીકામ કરતા એક પરપ્રાંતિય શ્રમિક બીમાર પડ્યા પછી સારવારમાં મોતને શરણ થયા છે. ચેલામાં કારખાનામાં કામ કરતા એક પરપ્રાંતીય શ્રમિકનો હાથ મશીનમાં આવી ગયા પછી કપાઈ ગયો હતો. આ શ્રમિકનું પણ મૃત્યુ નિપજ્યું છે. નવાગામ-શાપરમાં ઈલેકટ્રીક મોટર ચાલુ કરવા ગયેલા યુવાનને વીજ આંચકો ભરખી ગયો છે. જ્યારે ધ્રોલના જાલીયા-માનસર ગામમાં પણ એક વૃદ્ધને ઈલેકટ્રીક સ્ટાર્ટરમાંથી શોર્ટ લાગતા તેઓનું મૃત્યુ થયું છે. નશાની હાલતમાં ઘરે આવી પરત નીકળી ગયેલા નગરના એક યુવાને માઠું લાગી આવતા ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.

જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામમાં ભાડાના મકાનમાં વસવાટ કરતા મૂળ બુલંદ શહેરના વતની આકાશકુમાર તેજસીંઘ કશ્યપ (ઉ.વ.ર૭) નામના યુવાન પાંચેક દિવસથી બીમાર પડી જતાં સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગઈકાલે આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. તેમના નાનાભાઈ દીપકકુમાર કશ્યપે પોલીસને જાણ કરી છે.

મૂળ બિહાર રાજ્યના પરીયારી ગામના વતની અને હાલમાં જામનગર-લાલપુર રોડ પર ચેલા ગામ નજીક વિઝન ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં ઈન્ડિયન બ્રાસ નામના કારખાનામાં વસવાટ કરતા રહીશકુમાર સંતોષ પાલ (ઉ.વ.ર૦) નામના શ્રમિક ગઈકાલે સવારે કારખાનામાં મશીનમાં સળીયા નાખી રહ્યા હતા ત્યારે તેઓનો શર્ટ મશીનમાં ફસાતા હાથ મશીનમાં ખેંચાઈ ગયો હતો અને ડાબો હાથ ખભ્ભાથી છાતી સુધી કપાઈ જતા ગંભીર હાલતમાં આ યુવાનને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મૃત્યુ થયાનું સોનુકુમાર બ્રહ્મદેવે પોલીસમાં જાહેર કર્યું છે.

મધ્યપ્રદેશના દેવાડા ગામના વતની અને હાલમાં લાલપુર તાલુકાના નવાગામ શાપર ગામમાં પિયુષભાઈ નામના ખેડૂતના ખેતરમાં રહી મજૂરીકામ કરતા બારકુભાઈ મહેશભાઈ ચૌહાણ (ઉ.વ.૨૯) નામના શ્રમિક ગઈ તા.રપના દિવસે પાણીની મોટર ચાલુ કરવા ગયા ત્યારે તેઓને જોરદાર વીજ આંચકો લાગ્યો હતો.

સારવારમાં ખસેડાયેલા બારકુભાઈનું સારવાર દરમિયાન ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. તેમના પિતા મહેશભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણે પોલીસને જાણ કરી છે.

ધ્રોલ તાલુકાના જાલીયા માનસર ગામમાં વસવાટ કરતા હરસુખભાઈ કરમશીભાઈ રામોલીયા (ઉ.વ.૬પ) નામના વૃદ્ધ તેમની ખીજડીયા ગામની સીમમાં આવેલી વાડીએ ગઈકાલે સાંજે ઈલેકટ્રીક મોટરનો નીકળી ગયેલો વાયર સ્ટાર્ટરમાં લગાડતા હતા ત્યારે તેઓને હથેળીમાં વીજ આંચકો લાગ્યો હતો. ફેંકાઈ ગયેલા આ વૃદ્ધને ૧૦૮ મારફતે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. તેમના પુત્ર પ્રકાશભાઈ રામોલીયાએ પોલીસને જાણ કરી છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી હર્ષદમીલની ચાલી નજીક મહાવીરનગર વાલ્મિકીવાસમાં વસવાટ કરતા આકાશ બાબુભાઈ ઝાલા (ઉ.વ.ર૮) નામના યુવાન ગઈકાલે વહેલી સવારે સાડા પાંચેક વાગ્યે પોતાના ઘરે નશાની હાલતમાં આવ્યા હતા. જ્યાં થોડીવાર તેઓએ બકવાસ કર્યા પછી ઘરેથી ચાલ્યા ગયા હતા. આ યુવાને ઘર નજીક આવેલા રામદેવપીરના મંદિર પાસે જઈ તેની દીવાલમાં દુપટ્ટો બાંધી ગાળીયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો જેની સાડા છએક વાગ્યે તેમના પિતા બાબુભાઈ જીવાભાઈ ઝાલાને જાણ થઈ હતી. તેઓએ પોલીસને વાકેફ કરતા દોડી આવેલા સિટી એ ડિવિઝનના જમાદાર વાય.એન. સોઢાએ આ યુવાનને ચકાસતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી બાબુભાઈનું નિવેદન નોંધ્યું છે.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh