યુ.કે.માં ઉદ્યોગકાર તરીકે સફળતા-પ્રતિષ્ઠા મેળવનાર ખોડીદાસભાઈ ધામેચાનું વતનમાં નિધન

જામનગર તા. ૧૪ઃ જામનગરના વતની અને આપબળે લંડનમાં સ્થાયી થઈ ધામેચા કેશ એન્ડ કેરી ડિપાર્ટમેન્ટલ મોલની ચેઈન શરૃ કરનાર ખોડીદાસભાઈ ધામેચાનું આજે વતન જામનગરમાં દુઃખદ અવસાન થયું છે. તેમની સ્મશાન યાત્રા આજે સાંજે પાંચ કલાકે તેમના નિવાસસ્થાન તુલસી એપાર્ટમેન્ટ, પાર્ક કોલોની મેઈન રોડ, જામનગરથી નીકળશે. સદ્દગતનું ઉઠમણું તા. ૧૫-૦૨-૨૦૨૦ન. શનિવારે સાંજે ૪ થી ૪-૩૦ દરમ્યાન આણદાબાવા આશ્રમ, લીમડાલેન, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

ખોડીદાસભાઈએ નાની વયમાં જ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. સંઘર્ષના સહારે કેન્યા અને પછી લંડનમાં સ્થાયી થયા હતાં. તેમણે ધામેચા કેશ એન્ડ કેરી ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સનો આરંભ કર્યો હતો જે આજે યુ.કે.માં મોલની શ્રુંખલારૃપે ૯ શાખાઓ ધરાવે છે. આ ઉપરાંત અનેક વ્યવસાયિક એકમોમાં તેમણે સફળતા મેળવી હતી. હાલ તેમના પુત્ર પ્રદીપભાઈ અને પૌત્ર આનંદભાઈ તેમના વ્યવસાયોનું સફળ સંચાલન કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ખોડીદાસભાઈએ જામનગરની લોહાણા મહાજનવાડી ઉપરાંત શહેર તથા જિલ્લાની અનેક સામાજિક-ધાર્મિક સંસ્થાઓમાં માતબર દાન આપ્યું છે. ભૂકંપ પછી જોડીયા હુન્નર શાળા ઉપરાંત અનેક સંસ્થાઓને પુનઃ ચેતનવંતી કરવામાં પણ તેમનો આર્થિક ફાળો નોંધનીય રહ્યો છે. સખાવતી પ્રવૃત્તિઓને કારણે ખોડીદાસભાઈ ભામાશાનું બિરૃદ પામ્યા હતાં. તેમની ચિરવિદાયથી સમગ્ર સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit