| | |

વિવિધ રાજ્યોમાંથી મજૂરો માટે બે હજારથી વધુ ટ્રેનો દોડાવાઈઃ હજુ ૭૦ ટકાને ઈન્તેજાર

નવી દિલ્હી તા. રરઃ વિવિધ રાજ્યોમાંથી મજૂરો પોતાના વતન તરફ જવા તલપાપડ હોવાથી રેલવેએ બે હજારથી વધુ ટ્રેનો દોડાવી છતાં હજુ ૭૦ ટકા ફસાયેલા છે. દેશના વિભાજન સમયે આવા દૃશ્યો સર્જાયા હતાં. આઝાદી પછીનું આ પહેલું સૌથી મોટું પલાયન છે.

કોરોના મહામારીને કારણે દેશના વિભાજન સમયે સર્જાયેલા દૃશ્યો તાજા થયા છે, અને ભારત આઝાદી પછીના પ્રથમ મોટા પલાયનનો સામનો કરી રહ્યું છે. દેશના વિવિધ રાજ્યોમાં ફસાયેલા મજૂરો માટે રેલવેએ અત્યાર સુધીમાં ર૦પ૦ ટ્રેનો ચલાવી છે છતાં હજુ પણ ૭૦ ટકા લોકો પોતાના ઘરે જવાની રાહ જોઈ રહ્યા છે.

અત્રે એ નોંધનિય છે કે દેશમાં લોકડાઉન-૪ ચાલુ છે, જો કે આ ચરણમાં રાજ્યોએ અનેક છૂટછાટ આપી છે પણ જ્યાં સુધી પ્રવાસીઓની વાત છે તો તેમની મુશ્કેલી હજુ ઊભી જ છે. રેલવેએ ર૦પ૦ શ્રમિક સ્પે. ટ્રેનો ચલાવી લોકડાઉનને કારણે ફસાયેલા ૩૦ લાખથી વધુ પ્રવાસી મજૂરો, છાત્રો અને પર્યટકોને પોતાના ઘર સુધી પહોંચાડ્યા છે, પણ વિવિધ રાજ્યોમાંથી મળતા આંકડા મુજબ હજુ પણ મોટી સંખ્યામાં લોકો ઘરે પાછા ફરવા ટ્રેનો કે બસની રાહ જોવે છે.

મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટક, હરિયાણા અને પંજાબથી ફક્ત ૩૦ ટકા જ પ્રવાસી ઘર પાછા ફરવા સફળ થયા છે. રેલવેએ ૩૦ લાખ પ્રવાસી શ્રમિકોને ઘરે પહોંચાડવા યોજના બનાવી હતી પણ હવે લાગે છે કે, આ સંખ્યા ઘણી વધારે છે. આ જ કારણ છે કે રેલવે હવે માંગ રહેવા સુધી રોજ ૩૦૦ થી ૩પ૦ ટ્રેનો દોડાવવા તૈયાર છે. ગુજરાતથી શ્રમિકો માટે ૩૬૩ ટ્રેનો ચાલી હતી. મહારાષ્ટ્રમાં ફસાયેલા ર૦ લાખ શ્રમિકોએ ઘરવાપસી માટે નોંધ કરાવી હતી, પણ માત્ર પ લાખ જ ઘરે પહોંચી શક્યા છે.

દિલ્હીમાં ફસાયેલા ૪ લાખ પ્રવાસીઓએ ઘરવાપસી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે, પણ ગઈકાલ સુધી માત્ર ૬પ,૦૦૦ લોકો જ ઘરે રવાના થઈ ચૂક્યા છે. કર્ણાટકમાં ૭.૮૮ લાખે નોંધણી કરાવી તેમાંથી માત્ર ૧.૬ લાખ લોકો જ જઈ શક્યા છે. હરિયાણામાં ૧૦.૯૩ લાખ શ્રમિકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું તેમાંથી ર.૦૮ લાખ લોકો જ ઘરે જઈ શક્યા છે. પંજાબમાં ૧૭.૧૯ લાખમાંથી ર.૭ લાખ, કેરળમાં રપ લાખમાંથી ૬પ,૦૦૦ પોતાના ઘર જઈ શક્યા છે. રાજસ્થાનથી ૧ લાખ પ્રવાસી ૭૮ ટ્રેન થકી ઘરે રવાના થયા છે. હવે ૪પ,૦૦૦ બાકી રહી ગયા છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit