ઓક્સિજન પછી હવે વેક્સિનની તંગી... પહેલા કરી લ્હાણી... હવે સરકાર ફસાણી...

આજે ગુજરાત હાઈકોર્ટમાં ઓક્સિજન, રેમડેસિવિરના કાળબજારની સુનાવણી થઈ રહી છે. તો બીજી તરફ દેશભરમાં ઓક્સિજનની તંગી પડી જતા હાહાકાર મચ્યો છે. પૂર્વ આયોજનનો અભાવ, અણઘડ વહીવટ અને આડેધડ લેવાતા અવિચારી નિર્ણયોએ મુસીબતને વધુ ઘેરી બનાવી દીધી છે. જેના સ્વજનો તરફડી-તરફડીને જીવ ગુમાવી રહ્યાં છે, તેનો પરિવાર કોને કોષતો હશે, તો કહેવું પડે તેમ નથી. આ સ્થિતિ મહદ્અંશે નિવારી શકાઈ હોત, પરંતુ ચૂંટણીઓ, પ્રસંગો અને મેળાવડાઓના કારણે બીજી લહેર વધુ ઘાતક બની હોવાના તો આક્ષેપો થઈ જ રહ્યાં છે, તેમાં હવે વેક્સિનની તંગી ઊભી થતા બળતામાં ઘી હોમાયું છે.

ગઈકાલે અમદાવાદમાં અચાનક ૪પ વર્ષથી વધુ વયજૂથના લોકોને કોરોનાની વેક્સિન નહીં આપી શકાય તેવી જાહેરાત થઈ ગઈ અને તે પછી એવી જાહેરાત પણ થઈ કે ૧૮ થી ૪પ વર્ષની વયજૂથના જે લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, તેને જ કોરોનાની રસી મૂકાશે, અને ૪પ વર્ષથી વધુ ઉંમરના લોકો, ફ્રન્ટ લાઈન અને હેલ્થ વર્કસને વેક્સિનનો નવો જથ્થો મળ્યા પછી જ આપી શકાશે જો કે, આ જાહેરાત એપીએમસીએ અમદાવાદ શહેરના અર્બન હેલ્થ સેન્ટર, કોમ્યુનિટી સેન્ટર અને મ્યુનિસિપાલિટી સંચાલિત હોસ્પિટલો માટે જ કરાઈ હતી, પરંતુ આવી જાહેરાતના કારણે વેક્સિનની પણ તંગી પડી રહી હોવાનું સત્ય પણ બહાર આવી ગયું છે, અને હવે તેની ચર્ચા થઈ રહી છે તેમ જ કારણો યા ઉપાયોની માથાપચ્ચી કરવામાં આવી રહી છે. આ સ્થિતિ નિર્માણ થઈ તેમાં "ટોપ-ટુ-બોટમ" સિસ્ટમ અને નેતાગીરીની નપાવટ નિર્ણય શક્તિનો જ સિંહફાળો હોવાનો આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે.

બીજી તરફ હાલમાં લંડન પહોંચી ગયેલા સીરમ ઈન્સ્ટિટયુટના સીઈઓ અદાર પૂનાવાલાએ તેમના એક ઈન્ટરવ્યૂ પછી ઊભી થયેલી વ્યાપક ચર્ચા અને હોબાળા અંગે સ્પષ્ટતાઓ કરી છે, તેમાંથી પણ વેક્સિનની તંગીની જ મૂળભૂત સમસ્યાનો જ અહેસાસ થઈ રહ્યો છે.

ગયા અઠવાડિયે પૂનાવાલાએ એક અંગ્રેજી અખબાર સાથે વાતચીત દરમિયાન પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, ભારતમાં ઘણાં "પ્રભાવશાળી" લોકોનું કોવિડ વેક્સિનનું ઉત્પાદન વધારવા માટે તેમના પર દબાણ વધી રહ્યું છે, અને તાબડતોડ સંદેશાઓ મળી રહ્યાં છે.

આ નિવેદને જબરદસ્ત ચર્ચા જગાવી અને "પ્રભાવશાળી" લોકો વિષે પણ સવાલો ઉઠવા લાગ્યા, તે પછી પૂનાવાલાએ જે સ્પષ્ટતાઓ કરતા ટ્વીટ કર્યા, તેમાં પણ વેક્સિનની તંગી જ મૂળમાં રહેલી છે. તેમણે કહ્યું કે તેમણે ગયા અઠવાડિયે એક પ્રશ્નના જવાબમાં જે કાંઈ કહ્યું તેનો ખોટો અર્થ કાઢવામાં આવી રહ્યો છે.

પૂનાવાલાએ કહ્યું કે કોવિડ વેક્સિનની ઉત્પાદન ક્ષમતા કાંઈ રાતોરાત વધી ન શકે. ભારતની વિશાળ વસ્તીને ધ્યાને લેતા બધા માટે તત્કાળ મળી શકે તેટલી વેક્સિનનું ઉત્પાદન વધારવું મુશ્કેલ છે જો કે, સીરમ બીજી લહેરની અસર જોતા ઉત્પાદન વધારવાના શકય તેટલા તમામ પ્રયાસો કરી રહી છે, આગામી સમયમાં ૧૧ કરોડ વેક્સિન કેન્દ્ર સરકારને અપાશે. શ્રીમંત અને સાધન સંપન્ન દેશો પણ અને તેની કંપનીઓ પણ વેક્સિનનું પ્રોડકશન વધારવમાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. પૂનાવાલાએ કહ્યું કે ગયા એપ્રિલથી સીરમ કંપની સરકાર સાથે સંકલનથી કાર્યરત છે. કંપનીને મળેલા ૨૬ કરોડ વેક્સિનના ડોઝના ઓર્ડરમાંથી ૧૫ કરોડ ડોઝ પૂરા પાડી દેવાયા છે હવે પછીના સમયમાં ૧૧ કરોડ ડોઝ રાજ્યો અને ખાનગી હોસ્પિટલોને પણ અપાશે.

કેન્દ્ર સરકારને નેશનલ કમિટીએ બીજી એપ્રિલે જ ચેતવી હતી કે મે મહિનાના મધ્યમાં કોરોના કેસ ટોચ પર પહોંચ્યા. તેમ છતાં કેન્દ્ર અને રાજય સરકારોએ સાથે મળીને ન તો ઓક્સિજનની કોઈ વ્યવસ્થા તત્કાળ કરી કે ન વેક્સિન માટે યોગ્ય પ્લાનીંગ કર્યું. વિવિધ રાજ્યોની હાઈકોર્ટો અને સુપ્રિમ કોર્ટના ડફણાં ખાધા પછી કેન્દ્ર-રાજય સરકારોના તંત્રો ઓક્સિજન માટે હડિયાપટ્ટી કરવા લાગ્યા, પરંતુ આગોતરું આયોજન જ નહીં હોવાથી અંધાધૂંધી ફેલાઈ ગઈ. ગયા વર્ષે કોરોનાની રસીનું ઉત્પાદન શરૃ થયુ, ત્યારથી જ દેશવાસીઓને પ્રાયોરિટી આપવી જોઈતી હતી, પ્રારંભમાં જયારે ફ્રન્ટલાઈન વર્કર્સ - હેલ્થ વર્કર્સ-કોરોના વોરિયર્સને વેક્સિન મુકાતી હતી, ત્યારથી જ જો વિદેશોને લ્હાણી કરવાના બદલે જુદાજુદા વયજૂથમાં દેશમાં વેક્સિનેશન શરૃ કરી દેવાયું હોત, તો ઘણાં લોકો સુરક્ષિત થઈ ગયા હોત, અને સંભવતઃ સંખ્યાબંધ જિંદગીઓ પણ બચી ગઈ હોત, ટીકાઓ તો એવી પણ થઈ રહી છે કે વિશ્વભરમાં 'વાહવાહી' થાય, તેવા મોહના કારણે આ અવદશા બેઠી છે. જો કે, પહેલા લ્હાણી કરીને હવે સરકાર બરાબરની ફસાણી છે.

આપણો દેશ 'વસુ ધૈવ કુટુમ્બકમ્'ના મંત્રને વરેલો છે અને દુનિયાભરના જરૃરતમંદ દેશોને વેક્સિન પહોંચાડવાનું કદમ આ મંત્રને અનુરૃપ જ ગણાયું પરંતુ દેશવાસીઓના ભોગે આવું કદમ ઉઠાવાય, તો તેની પાઠળની મનસા (મહેચ્છા) કાંઈક અલગ જ હોવી જોઈએ, દેશને સુરક્ષિત કર્યા પછી જો આ કદમ ઉઠાવાયુ હોત તો પણ પ્રશંસા તો થાત પરંતુ કદાચ અત્યારે થાય, તેટલી ન થઈ હોત, પરંતુ ઘણા જીવ બચી ગયા હોત તે ચર્ચાય છે.અન્ય સમાચારો

close
Ank Bandh 29 March
close
PPE Kit