સલાયા તા. ૧૩ઃ સલાયાના માછીમારો લોકડાઉન પછી બેકારીના ચક્કરમાં ફસાઈ ગયા છે.
લોકડાઉન પહેલા પાયલેટ માછલીની ચીન તથા અન્ય દેશોમાં મોટા પાઠે નિકાસ થતી હતી, ત્યારે પાપલેટ માછલીનો એક કિલોનો ભાવ રૃા. ૧૪૦૦ જેવો હતો. હાલ નિકાસ બંધ હોય, પાપલેટનો ભાવ ગગડીને રૃા. ૬૦૦ જેવો થઈ ગયો છે. આ ભાવે માછીમારી કરવી પોસાય તેમ નહીં હોવાથી મોટાભાગની બોટો બંદર પર લાંગરેલી પડી છે.
આ ઉપરાંત ફીશરીઝ ડિપાર્ટમેન્ટ ર૦૧૦ થી બોટોની માપણીની ફેર નોંધ કરતું નથી. જેથી માછીમારોની બોટ પર કેસ થાય છે અને બોટ સીલ કરી દેવાય છે. જો ખાતું સમયસર ફેર માપણીની નોંધણી કરતું હોય તો માછીમારો પોલીસ કેસમાંથી બચી શકે. માછીમાર એસો.ના પ્રમુખ સીદીક જસરાયાએ જણાવ્યું છે કે, આ પ્રકારના કેસ માત્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જ થાય છે. જો આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો આંદોલન કરવામાં આવશે.