રિક્ષાચાલકના બંધ પડેલા મકાનમાં તસ્કરો ત્રાટક્યા : રોકડ, દાગીના મળી પાંસઠ હજારની મત્તા ગઈ

જામનગર તા. ૧૭ઃ જામનગરના રણજીતસાગર રોડ પર આવેલી એક સોસાયટીમાં શનિવારની રાત્રે ત્રાટકેલા તસ્કરોએ નકુચા તોડી પ્રવેશ મેળવ્યા પછી અંદર તિજોરીમાંથી સોનાના દાગીના, રોકડ મળી રૃા. પાંસઠ હજારની મત્તા ચોરી કરતા પોલીસે તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી કીર્તિ પાન નામની દુકાન પાછળની વ્રજ સોસાયટી-૨માં બ્લોક નં. એ/૬૬માં વસવાટ કરતા હરદેવસિંહ ઘનશ્યામસિંહ જાડેજા નામના રિક્ષાચાલકનો પરિવાર શનિવારે બહારગામ ગયો હતો. તે દરમ્યાન શનિવારની સાંજથી રવિવારની સવારના સાત વાગ્યા દરમ્યાન કોઈ તસ્કરોના ધ્યાનમાં આ મકાન આવી જતા તેના મુખ્ય દરવાજાના નકુચા તોડી ચોરી કરી લેવામાં આવી હતી. જેની ગઈકાલે સવારે ઘેર આવેલા હરદેવસિંહને જાણ થઈ હતી.

તેઓએ મકાનમાં તપાસ કરતા બેડરૃમ સુધી પહોંચી ગયેલા તસ્કરોએ તેમાં રાખવામાં આવેલી તિજોરી ખોલી લઈ રૃા. ૧૨,૦૦૦ની તેમાં રાખવામાં આવેલી રોકડ અને રૃા. ૫૩,૦૦૦ની કિંમતના સોનાના દોઢ તોલાના દાગીના તફડાવી લીધાનું જણાઈ આવ્યું હતું. મકાનમાલિકે પોલીસને જાણ કરતા ખંભાળીયા નાકા પોલીસચોકીના પીએસઆઈ એસ.પી. સોઢા તથા સ્ટાફ દોડી ગયા હતાં. પોલીસે કુલ રૃા. ૬૫,૦૦૦ની મત્તા ચોરી જવા અંગે અજાણ્યા તસ્કરો સામે આઈપીસી ૩૮૦, ૪૫૪, ૪૫૭ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

close
Nobat Subscription