બનેવીના દુષ્કૃત્યથી યુવતી બની ગઈ ગર્ભવતીઃ
જામનગર તા. ૭ઃ જામનગરના મોહનનગર વિસ્તારમાં રહેતાં પોતાના બેન-બનેવીના ઘેર ગયા વર્ષે રોકાવા આવેલી એક યુવતી પર બનેવીએ ત્રણ વખત દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી દેતા આ યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બહેન બીમાર હોવાથી મદદ કરવા આવેલી સાળી પર બનેવીએ નજર બગાડી ઉપરોકત કૃત્ય આચર્યાનું બહાર આવ્યું છે.
જામનગરના ગુલાબનગર વિસ્તાર સામે આવેલા મોહનનગરના છેવાડે આવાસમાં રહેતા એક મહિલા ગયા વર્ષે બીમાર પડી જતાં તેઓને મદદ માટે આ મહિલાના બહેન રોકાવા આવ્યા હતાં. તે દરમ્યાન બનેવી મનોજ વાલજીભાઈ રાઠોડે પોતાની સગી સાળી પર નજર બગાડી હતી.
અંદાજે આઠેક મહિના પહેલાં બનેલા આ બનાવમાં બનેવી મનોજે સાળીને દુષ્કર્મનો ભોગ બનાવ્યા પછી વધુ બે વખત દુષ્કર્મ ગુજારતા આ યુવતી ગર્ભવતી બની ગઈ હતી. બનેવી મનોજે તેણીને ચૂપ રહેવા માટે ધમકી આપી હોય. ડરી ગયેલી તે યુવતીએ કોઈને વાત કરી ન હતી. તે દરમ્યાન પેટમાં દુખાવો ઉપડતા તેણીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવતા તબીબોએ તેણીની ચકાસણી કર્યા પછી ગર્ભવતી હોવાનું જાહેર કરતા આ યુવતીના માતા-પિતા હેબતાઈ ગયા હતાં.
ત્યારપછી તે યુવતીને સાંત્વના આપી પૂછપરછ કરાતા તેણીએ બનેવીના દુષ્કૃત્યની વાત કરતા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આરોપીની અટકાયત કરી તેનો કોવિડ ટેસ્ટ કરાવ્યા પછી દુષ્કર્મના ગુન્હા હેઠળ ધરપકડ કરી છે.