ઓખામંડળના ભુંગા વિસ્તારમાંથી ૨૨૦૦ લીટર ડિઝલનો જથ્થો કબજે

બીલ વગરનો જથ્થો આવ્યો ક્યાંથી?

જામનગર તા. ૧૭ઃ ઓખામંડળના ભુંગા વિસ્તારમાં એક મકાનમાં ગઈકાલે દેવભૂમિ દ્વારકા એલસીબીએ પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી ગેરકાયદેસર મનાતો બાવીસ લીટર ડિઝલનો જથ્થો કબજે કર્યો છે. આ જથ્થો માછીમારોને ફાળવવાનો થતો સબસીડીવાળો હોવાનું મનાઈ રહ્યું છે.

દેવભૂમિ દ્વારકાના ઓખામંડળમાં ભુંગા વિસ્તારમાં એક મકાનમાં ડિઝલનો ગેરકાયદે જથ્થો સંગ્રહ કરીને રાખવામાં આવ્યો હોવાની બાતમી દ્વારકા એલસીબીના એએસઆઈ અજીત બારોટ, અરજણભાઈ મારૃ, બલભદ્રસિંહને મળતા પીઆઈ જે.એમ. ચાવડાની સૂચનાથી પીએસઆઈ વી.એમ. ઝાલા તથા સ્ટાફે ગઈકાલે દરોડો પાડ્યો હતો.

ઓખાભુંગામાં આવેલા મુસ્તાક ઈસાભાઈ સોઢાના મકાનમાં એલસીબીએ તલાસી લેતા ત્યાંથી ૧૧ બેરલમાં ભરેલો ૨૨૦૦ લીટર ડિઝલનો જથ્થો મળી આવ્યો હતો. તે જથ્થા અંગે બીલની ખરાઈ કરાતા તેના કોઈ આધાર ન હોવાનું બહાર આવ્યું છે. એલસીબીએ રૃા. ૧,૫૮,૪૦૦નો મુદ્દામાલ કબજે કરી મુસ્તાક સોઢાની અટકાયત કરી છે. સ્થાનિક પોલીસને સંપૂર્ણ રીતે અંધારામાં રાખી એલસીબીએ પાડેલો જથ્થો સફળ રહ્યો છે. આ ડિઝલ માછીમારોને ફાળવાયેલું સબસીડીવાળુ હોવાનું મનાઈ રહ્યું છે ત્યારે જિલ્લા પોલીસ વડા અને એલસીબીની ટુકડી અભિનંદનને પાત્ર બની છે. પખવાડીયા પહેલાં આવી જ રીતે ડિઝલનો કેટલોક જથ્થો પોલીસના હાથમાં આવ્યો હતો પરંતુ તોડ કરી તે જથ્થો જવા દેવામાં આવ્યો હોવાની ઉઠેલી ચર્ચાને આડકતરૃ સમર્થન મળી રહ્યું છે. આ જથ્થો કોનો છે, ક્યાંથી આવ્યો તે બાબતની તપાસ શરૃ કરાઈ છે ત્યારે એક્સપ્લોઝીવ એક્ટ હેઠળ આ પ્રકારનું સ્ફોટક પ્રવાહી કે જથ્થો સંગ્રહ કરવો કે હેરાફેરી કરવી ગુન્હાહીત પ્રવૃત્તિ ગણી શકાય ત્યારે આવી કાર્યવાહી એટલે કે સંગ્રહ કેટલા સમયથી કરાતો હતો તે બાબતમાં જો ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે તો મોટું રેકેટ બહાર આવે તેવી શક્યતા છે.

close
Ank Bandh
close
PPE Kit