Advertisement
Author: નોબત સમાચાર

સરકારી તપાસ એજન્સીઓનો દુરૂપયોગ ? આરોપો લગાવાય, પણ સિદ્ધ કેમ થતા નથી ? ચોંકાવનારો ઘટસ્ફોટ

                                                                                                                                                                                                      

આઝાદી પછી આપણાં દેશમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો અંતર્ગત કેટલીક તપાસ એજન્સીઓ રચાઈ છે, જે મોટા કૌભાંડો, મોટા અપરાધો અને વિશેષ પ્રકારના રાષ્ટ્રીય સુરક્ષા, આર્થિક સુરક્ષા તથા જાહેર હિતના ચોક્કસ કિસ્સાઓમાં તપાસ કરીને અદાલતોમાં દોષીતોને રજૂ કરે છે.

છેલ્લા કેટલાક દાયકાઓથી કેન્દ્રીય તપાસ એજન્સીના દુરૂપયોગના આક્ષેપો વધ્યા છે. અને દોઢેક દાયકા પહેલા તો સુપ્રિમકોર્ટે સીબીઆઈને સરકારનો પઢાવેલો પોપટ કહીને  ટિપ્પણી કરી હતી, એટલું જ નહીં, તે પહેલા અને પછી ૫ણ આ પ્રકારની ટકોરો અદાલતો કરતી રહી છે. સત્તાપરિવર્તનો થાય છે, પરંતુ આ આક્ષેપ દોહરાવાતો રહે છે અને પોલિટિકલ પાર્ટીઓ જ્યારે વિપક્ષમાં હોય ત્યારે આ પ્રકારના આક્ષેપો કરે છે, પરંતુ જ્યારે તે સત્તા પર આવે, ત્યારે ભૂતકાળના શાસકપક્ષો આ જ પ્રકારના આક્ષેપો કરે છે, તેથી એવું કહી શકાય કે કાં તો આ માત્ર રાજકીય આક્ષેપબાજી જ છે, અને આ સરકારી તપાસ એજન્સીઓમાં બંધારણીય ઢબે પોતાની ફરજો બજાવે છે, અથવા તો જે પક્ષો સત્તામાં હોય, તેઓના દબાણ હેઠળ કામ કરે છે, અને સરકારી એજન્સીઓનો દુરૂપયોગ સત્તાધારી પક્ષો હંમેશાં કરતા જ રહે છે, તેવા આક્ષેપોમાં તથ્ય છે.

હમણાંથી એવા આક્ષેપો વધ્યા છે કે મોદી સરકાર સત્તામાં આવ્યા પછી સરકારી કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરૂપયોગ ઘણો જ વધી ગયો છે અને વિપક્ષોને હેરાન કરવા કે ખતમ કરવા માટે ઈડી-સીબીઆઈનો વ્યાપક દુરૂપયોગ થાય છે. આ સંદર્ભમાં જ મલ્લિકાર્જુન ખડગેએ અયોધ્યા રામમંદિરમાં ચંદાચોરી પ્રકરણના સંદર્ભે કટાક્ષ કર્યો હતો કે નાની-મોટી આર્થિક ગરબડીના કિસ્સામાં કાર્યવાહી માટે તલપાપડ રહેતી ઈડી, સીબીઆઈ જેવી એજન્સીઓ આ સંવેદનશીલ અને મોટા નાણાકીય કૌભાંડમાં તપાસ કેમ કરતી નથી ? ઈડી, સીબીઆઈ ક્યાં છે ?

વર્તમાન સમયના વિપક્ષોના આ ગંભીર આક્ષેપોને સમર્થન મળે, તે પ્રકારનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ખુલાસો પણ રાજ્યસભામાં સરકારે જ આપેલા એક પ્રશ્નના જવાબમાં થયો છે, જેના આજે દેશવ્યાપી પડઘા પડી રહ્યા છે અને હાલમાં બેકફૂટ પર જણાતી કેન્દ્ર સરકાર ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયેલી દેખાય છે. આ સનસનીખેજ ખુલાસા પછી તેના સંદર્ભે ટેલિવિઝન ચર્ચાઓમાં સરકાર પક્ષેથી આવેલા પ્રવક્તાઓ કોંગ્રેસ-યુપીએ શાસનકાળના આંકડાઓ દર્શાવીને બચાવ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ હાલની સ્થિતિ અંગે સ્પષ્ટ જવાબ આપવાની સ્થિતિમાં જણાતા હોતા નથી.

રાજયસભામાં સીપીઆઈ(એમ)ના સાંસદ શિવદાસને પુછેલા એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય, નાણા, રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું છે કે કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીએ છેલ્લા પાંચ વર્ષમાં ૪૬૨૨ કેસો નોંધ્યા છે, જેમાં માત્ર ૧૦૪ જ લોકોને સજા થઈ છે. તે ઉપરાંત આઈટી વિભાગે ૨૧૨૭ કેસ નોંધ્યા, પરંતુ ૮૫૪ આરોપીઓ તો નિર્દોષ છુટી ગયા છે. ઈડીએ કરેલા કેસોમાં આરોપીઓને સજા થઈ હોય, તેવા કેસોમાં કન્વીકશન રેટ- એક ટકાથી પણ ઓછો હોય તો એવો સવાલ ઉઠે કે બાકીના ૯૯ કેસો શું હજુ પેન્ડિંગ છે ? જો તમામ નોંધેલા કેસોમાંથી એક ટકાને જ અદાલતોમાં સજા સંભળાવાઈ હોય, તો શું ૯૯ ટકા કેસ બોગસ હતા ? હજુ સુનાવણી બાકી હોય તો પણ તેમાંથી કેટલા ને સજા થશે અને કેટલા નિર્દોષ છુટી જશે તેવા તીખા તમતમતા સવાલોના જવાબો કોઈ પાસે હોતા જ નથી.

એક એવો ચોંકાવનારો આંકડો પણ સામે આવ્યો છે, જેમાં ઈડી દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬માં નોંધાયેલ ૧૦૮૦ કેસો છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ છે. જો કે, વર્ષ ૨૦૨૧, ૨૦૨૨, ૨૦૨૩, ૨૦૨૪માં ઈડીના કેસોમાં ઘટાડો થયો હતો પરંતુ છેલ્લા બે વર્ષમાં તેમાં ફરીથી ઉછાળો આવ્યો છે.

ચાલુ વર્ષે જૂન મહિના સુધીમાં ઈડીએ ૨૪૪૪ કેસ પીએમએલએ હેઠળ સ્પેશિયલ કોર્ટમાં રજૂ કર્યા અને ૧૨૪૩ લોકોની ધરપકડ કરી છે, તે પૈકીના મહત્તમ કેસો જુદી જુદી સ્થિતિએ અદાલતોમાં પેન્ડિંગ છે.

છેલ્લા પાંચ વર્ષમાં આઈટી એકટ હેઠળ ઈન્કમટેકસ ડિપાર્ટમેન્ટ દ્વારા ૨૧૨૭ કેસો નોંધાયા હોય અને તેમાંથી માત્ર ૨૩૩ વ્યક્તિને જ દોષિત ગણાયા હોય, અને ૮૪૪ નિર્દોષ છુટયા હોય તો કહી શકાય કે ૧૦૦માંથી ૭૮ વ્યક્તિ કે પેઢીઓ સામેના આરોપો સિદ્ધ થઈ શક્યા નથી. જો આવું જ હોય તો એવું પૂરવાર થાય છે કે કાં તો આરોપો જ ખોટા હતા, અથવા તો અદાલતોમાં યોગ્ય રીતે કેસ રજૂ થયો નહોતો, અથવા તો પૂરતા આધાર-પુરાવા જ નહોતા.

સૌથી વધુ ચિંતાજનક વાત એ છે કે પીએમએલએ જેવા કડક કાયદાઓમાં જામીન મળવા ખૂબ જ મુશ્કેલ હોય, તેમાં વર્ષે ૧૦ થી પણ ઓછા કેસોનો નિકાલ થતો હોય અને સેંકડો કેસો નોંધાતા હોય, ત્યારે વર્ષો સુધી જેલમાં રહીને ટ્રાયલનો સામનો કર્યા પછી જે લોકો નિર્દોષ ઠરે, તેને વર્ષો સુધી વિના કારણે જેલમાં રહેવું પડે, તો તેનું જવાબદાર કોણ ?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh