ચીનનું નામ લેતા મોદી-શાહ ગભરાય છે...? મનકી બાતમાં મૌન કેમ...?

જવાનોની જવાંમર્દી વખાણી, ચીનને ચીમકી આપી પણ નામ લીધા વગર...!

નવી દિલ્હી તા. ર૯ઃ ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનકી બાત'માં વિવિધ વિષયોને આવરી લીધા. કોરોનાનું સંકટ, ભૂકંપ અને વાવાઝોડા જેવી કુદરતી આફતો અને કેટલાક નાગરિકોની અસામાન્ય સિદ્ધિઓને બીરદાવી. પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવની જન્મ શતાબ્દિના સંદર્ભે તેઓને યાદ કર્યા અને તેઓની કેટલીક વિશેષતાઓ પણ વર્ણવી. વડાપ્રધાને ફરીથી આત્મનિર્ભર થવાને મંત્ર દોહરાવ્યો અને ચીની વસ્તુઓ તથા ચીન વિરૃદ્ધ દેશમાં ઊભા થયેલા આક્રોશ તરફ પણ ઈશારો કર્યો. આ દરમિયાન વડાપ્રધાને કહ્યું કે ભારત મિત્રતા નિભાવી જાણે છે, પરંતુ કોઈ આપણી ભૂમિ પર આંખ ઉઠાવે તો તેને જડબાતોડ જવાબ આપતા પણ આવડે છે.

વડાપ્રધાને તાજેતરમાં લડાખ સરહદે શહીદ થનાર ભારતીય જવાનોની બહાદુરીને બીરદાવીને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, ભારત મિત્રતા નિભાવી જાણેછે, તો આંખોમાં આંખો નાંખીને યોગ્ય જવાબ આપવાનું પણ જાણે છે. લડાખ સરહદે શહીદ થયેલા ર૦ જવાનોએ દુનિયાને બતાવી દીધું છે કે, તેઓ માતૃભૂમિ પર નજર માંડનારા દુશ્મનોને નહીં છોડે. લડાખમાં શહીદ થયેલા જવાનોને આખો દેશ નમન કરી રહ્યો છે. આજે આખી દુનિયાએ ભારતની સાર્વભૌમત્વ અને સરહદોના રક્ષણ માટે સેનાની તાકાત અને દેશની પ્રતિબદ્ધતા જોઈ છે.

વડાપ્રધાને આ આખી વાત દરમિયાન ચીનને ચાર વખત પરોક્ષ રીતે ચીમકી આપી પરંતુ દેશ પડોશીઓના પ્રપંચો સામે ઝઝુમી રહ્યો છે, તેવા શબ્દ પ્રયોગ કરીને ચીનનું નામ લેવાનું ટાળ્યું આ પહેલા પણ ચીન સરહદે વિવાદ, તંગદિલી  કે સેનાની ઉપ્લબ્ધિઓની જ્યારે જ્યારે વાત કરી ત્યારે ત્યારે વડાપ્રધાને ચીનનું સ્પષ્ટ નામ લેવાનું ટાળ્યું હતું, પરંતુ એવા શબ્દ પ્રયોગો કર્યા હતા. જેથી લોકોને અને સાંભળનારા પડોશી દેશોને સમજાય શકે કે કોની વાત થઈ રહી છે, જોકે ચીનને નામ લઈને પડકારતા વડાપ્રધાન આટલા બધા કેમ ડરે છે? તેવા સવાલો સામે વિપક્ષના અનેક નેતાઓએ વડાપ્રધાન મોદી પર ટીકાની ઝડી વરસાવી દીધી હતી. કોંગ્રસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ 'મન કી બાત' કાર્યક્રમ પહેલા જ એક ટ્વીટ કર્યું હતું 'મન કી બાત' પર મનકી બાતમાં 'રાષ્ટ્ર રક્ષા અને સુરક્ષાની વાત ક્યારે થશે?' આ પહેલા પણ શ્રેણીબદ્ધ ટ્વીટસ કરીને રાહુલ ગાંધીએ ચીનના મુદ્દે સત્ય હકીકતો દેશની જનતાને જણાવવાની માંગણી સાથે અનેક સવાલો કર્યા હતા, એટલું જ નહીં પેટ્રોલ-ડિઝલના વધી રહેલા ભાવો, કોરોના અને અન્ય રાષ્ટ્રીય મુદ્દાઓ અંગે પણ સરકારને ઘેરી હતી.

કોરોના અંગેના એક ઈન્ટરવ્યૂ દરમિયાન ચીન અંગે પ્રશ્ન પૂછવામાં આવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ આ અંગે વધુ કાંઈ કહેવું યોગ્ય નથી, અને અત્યારે કોરોનાના વિષય પર ઈન્ટરવ્યૂ ચાલી રહ્યો છે' તેમ જણાવીને ચીનનું સ્પષ્ટપણે નામ લેવાનું ટાળ્યું હતું.

આ પછી રાજધાની દિલ્હીમાં એ ચર્ચા જોરશોરથી થઈ રહી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સ્પષ્ટ રીતે ચીનનું નામ લઈને કેમ પડકાર કરતા નથી? શું શી જીનપિંગનો ડર લાગે છે?

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit