દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકડાઉન માટે જનસહયોગ જરૃરીઃ ૩૦૦ ટીમો દ્વારા સર્વે

ખંભાળિયા તા. રપઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકડાઉન અંગે વિસ્તૃત માહિતી કલેક્ટર, એસ.પી. અને ડીડીઓની સહિયારી પ્રેસ કોન્ફરન્સમાં અપાઈ હતી.

દેવભૂમિ જિલ્લામાં હાલ કોરોના રોગના સંદર્ભમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા તથા જિલ્લા વિકાસ અધિકારી તથા જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા સંયુક્ત પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મીનાએ જાહેરનામાના સંદર્ભમાં મહત્ત્વની બાબતો, સરકારની કામગીરી, હોમ ક્વોરેન્ટાઈન થયેલા લોકો અંગે વિગતો આપી હતી તથા અનાવશ્યક રીતે ભાગદોડ ના કરવા તથા ૧૪૪ ની કલમનો ભંગ ના થાય તેવી રીતે આવશ્યક સેવાના સ્થળો દુકાનોએ લોકોને ભેગા ન થવા જણાવ્યું હતું તથા જો આવું ભંગ થશે તો દુકાનદારની જવાબદારી ગણી પગલાં લેવાશે. જિલ્લામાં રિલાયન્સ કંપની, એન.જી.ઓ. સંગઠનો દ્વારા લોકોને ભોજન તથા નાસ્તાની સવલતો પૂરી પાડવાની ઓફરો આવી છે જે અંગે યોગ્ય કરાશે તેમ જણાવ્યું હતું.

આરોગ્ય અધિકારી પટેલ જિલ્લામાં ૩૦ ટીમો દ્વારા થતાં ડોર ટુ ડોર સર્વેની વિગતો આપી હતી તથા તેની મદદથી પછીફોલોઅપ થશે તથા હોમ ક્વોરેન્ટાઈન લોકો બાબતે તંત્રના પગલાં અંગે જાણકારી આપી હતી તથા બહારથી યાત્રામાંથી આવેલા લોકોના સ્ક્રીનીંગ તપાસની જાણકારી આપી હતી તથા હોમ ક્વોરેન્ટાઈન થયેલાના ઘેર ના જવા તથા આવા હાથ પર નિશાનવાળા વ્યક્તિઓ બહાર હેરફેર તો તેના માટે પોલીસને જાણ કરવા જણાવેલ.

ખંભાળિયાની સરકારી હોસ્પિટલ મેઈનમાં હાલ કોરોના સંદર્ભે વોર્ડ બનાવાયો હોય તથા અહીં દર્દીઓની બહુ ભીડ થતી હોય, ખંભાળિયાની સરકારી જુની હોસ્પિટલ જે નગરનાકે છે તેમાં રોજ સવાર-સાંજ તબીબો દ્વારા ઓ.પી.ડી. શરૃ કરવામાં આવેલ છે. વધુ પરેશાનીવાળા દર્દીઓએ જ મુખ્ય સરકારી હોસ્પિટલનો સંપર્ક સાધવા જણાવાયું છે.

બે હોસ્પિટલમાં વ્યવસ્થા

ખંભાળિયાની સરકારની હોસ્પિટલમાં પ૦ બેડની વ્યવસ્થા સાથે પ્ખાસ વોર્ડ બનાવાયો છે તો આ ઉપરાંત જરૃર પડ્યે ખંભાળિયાની સાકેત હોસ્પિટલમાં પણ વ્યવસ્થા કરાઈ છે તથા વેન્ટીલેટરની પણ વ્યવસ્થા કરાઈ છે.

જિલ્લા કલેક્ટર ડો. મીનાના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી પટેલ દ્વારા ખંભાળિયાની સાકેત હોસ્પિટલમાં મોકડ્રીલ યોજવામાં આવી હતી તથા ઈમરજન્સીમાં કોરોનાનો દર્દી આવે તો શું થાય તેનું નિદર્શન કરાયું હતું.

જિ.પો. વડા રોહન આનંદે કામ વગર બહાર ના નીકળવા તથા માલ લેવાનો હોય તો દુકાનદારોને ચિઠ્ઠી આપીને અગાઉથી દઈને દૂર રહેવા અનુરોધ કર્યો હતો.

નવી વ્યવસ્થા

અનાજ કરિયાણાની કે કોઈ દુકાને ખરીદી કરવા જનાર માટે ૧-૧ મીટરના કુંડાળા કરીને જે ૧-૧ મીટર દૂર હશે ત્યાં દુધાને ખરીદી કરનારે ઊભીને એક પછી એક દુકાનમાં માલ લેવા જવાનું રહેશે.

જિલ્લા કલેક્ટર મીનાએ જીવનજરૃરી ચીજો પૂરેપૂરી મળે તે માટે વ્યવસ્થા ગોઠવવાનું જણાવ્યું હતું તથા પશુઓના ખોરાક માટે પણ ગાડીઓ નહીં અટકાવાય તેમ જણાવ્યું હતું.

close
Nobat Subscription