| | |

દ્વારકા જિલ્લાના કોંગ્રેસ અગ્રણી તથા કિસાન કોંગ્રેસના પ્રમુખ પર પોલીસ અત્યાચારના વિરોધમાં આવેદનપત્ર

ખંભાળિયા તા. રરઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોંગ્રેસ અગ્રણી તેમજ ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલિયાને રાજકોટમાં પોલીસે માર મારતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ અત્યાચારની આ ઘટનાને શખત શબ્દોમાં વખોડીને જવાબદારો સામે કડક પગલાં ભરવાની માંગણી સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

સમગ્ર જિલ્લા તથા રાજ્યભરના ખેડૂતોના ટેકાના ભાવ, વીજળીના પ્રશ્નો અંગે સતત લડત ચલાવતા કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલિયાએ રાજકોટમાં ખેડૂતોની જણસોના ભાવ અત્યંત નીચા મળતા, આ જણસો વેંચીને જે રકમ મળે તે રકમ પીએમ કેર્સ ફંડમાં આપવાની રજૂઆત રાજકોટ જિલ્લા કલેક્ટરને કરવા જતા પોલીસે તેમને અટકાવી ઢોર માર માર્યો છે.

આથી તેઓ હાલ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યાં એમ.એલ.સી. કરીને ફરિયાદ નોંધી સરકારી તંત્ર દ્વારા ન્યાય નહીં મળે તો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછી પોલીસ કમિશનરની કચેરી સમક્ષ લડત શરૃ કરવામાં આવશે તેમ પાલભાઈએ ટેલિફોનિક મુલાકાતમાં જણાવ્યું છે.

રાજકોટમાં આહિર એક્તા મંચે રાજકોટના જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને પોલીસ વિભાગના જવાબદાર અધિકારી-સ્ટાફ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોંગ્રેસના બે આગેવાનોએ હાલના લોકડાઉનના નિયમોનુસાર સોશ્યલ ડિસ્ટન્સીંગ જળવાય તે રીતે જિલ્લા કલેક્ટર કચેરીએ જઈને આવેદનપત્ર સુપરત કર્યું હતું. ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખને પોલીસે ઢોર માર માર્યાની ઘટનાના સમગ્ર રાજ્યના ખેડૂત આલમમાં ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit