નગરમાં સુભાષબ્રિજથી સાત રસ્તા સુધી મેગા ફલાય ઓવરબ્રીજ બનશે

જામનગર તા. ૧૭ઃ જામનગરના અતિ વ્યસ્ત ટ્રાફિકવાળા ઈંદિરા માર્ગ પર સુભાષબ્રીજથી સાતરસ્તા સુધીના માર્ગ ૫ર ફ્લાયઓવર બ્રીજ બનાવવાની ચેમ્બર સહિત અન્ય સંસ્થાઓની માંગણી સંતોષાઈ છે અને સરકાર દ્વારા આંશિકરૃપે નહીં પણ પૂરા માર્ગ પર ફલાયઓવર બ્રીજ બનાવવા સહમત થઈ હોય, ટૂંક સમયમાં તેની સત્તાવાર જાહેરાત થાય તેવી શક્યતા છે.

જામનગરના ઈન્દિરા માર્ગ તરીકે ઓળખાતા અને ર૪ કલાક નાના-મોટા, ભારે વાહનોના ટ્રાફિકથી અતિવ્યસ્ત માર્ગ પર ફલાયઓવર બનાવવાની રજૂઆતો પછી થોડા સમય પહેલા આ માર્ગ પર જૂના રેલવે સ્ટેશનથી ગુરૃદ્વારા ચોકડી સુધીના માર્ગ પર જ ફલાયઓવર બ્રીજ બનાવવાની જાહેરાત થઈ હતી.

આ માર્ગ પર માત્ર થોડા કટકા પર જ ફલાયઓવરની જાહેરાતના પગલે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડ. સહિતની સંસ્થાઓએ વિકોટોરીયા પુલ (સુભાષબ્રીજ) થી લઈને છેક સાત રસ્તા સુધીના માર્ગ પર ફલાયઓવર બ્રીજ બનાવવાની માંગણી / રજૂઆતો કરી હતી. ચેમ્બરના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા તથા અન્ય સૌ રજૂઆતકર્તાઓએ આવા આંશિક ફલાયઓવરથી ટ્રાફિક સમસ્યાનો ઉકેલ નહીં આવે અને લોકોને કોઈ મોટી રાહત નહીં થાય તેમ જણાવ્યું હતું. જો અગાઉ જે રીતે વિકટોરીયા પુલથી સાતરસ્તા સુધીનો ફલાયઓવર બ્રીજ બનાવવાની દરખાસ્ત હતી તે પ્રમાણે જ મંજૂર કરવામાં આવે તો જ શહેરીજનોને મહદ્અંશે મોટી રાહત થાય તેમ છે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહના જણાવ્યા પ્રમાણે ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ જામનગરના મંત્રીઓ અને સંસદસભ્ય સહિતના નેતાઓએ તેમની રજૂઆતો વિસ્તૃત રૃપે રજૂ કરતા સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો પ્રમાણે મુખ્યમંત્રીએ જૂના રેલવે સ્ટેશનથી ગુરૃદ્વારા ચોકડી સુધીના આંશિક ફલાયઓવરના બદલે જુની દરખાસ્ત મુજબ સુભાષબ્રીજથી સાતરસ્તા સુધીના માર્ગ પર પૂરેપૂરા માર્ગ પર ફલાયઓવર બનાવવા માટે હકારાત્મક અભિગમ દર્શાવ્યો છે, અને સૂત્રોએ તો ત્યાં સુધી જણાવ્યું છે કે, રાજય સરકાર દ્વારા ટૂંક સમયમાં જ આ અંગે સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવશે. આમ જામનગરમાં કદાચ સૌપ્રથમ મેગા ફલાય ઓવરબ્રીજનું નિર્માણ શક્ય બનવા જઈ રહ્યું છે અને અંબર ચોકડી, ગુરૃદ્વારા ચોકડી જેવા શહેરની મધ્યના ટ્રાફિક સર્કલ પર શહેરના આંતરિક વાહન - વ્યવહારને તેમજ સાત રસ્તા સુધીના અન્ય વાહન-વ્યવહારને ભારે સાનુકૂળતા સાથે રાહતરૃપ બની રહેશે.

જોઈએ... રાજ્ય સરકાર દ્વારા જામનગરની જનતાને રાહતરૃપ આ મહત્ત્વપૂર્ણ વિકાસ કામની સત્તાવાર જાહેરાત ક્યારે થાય છે ?

close
Nobat Subscription