Advertisement
Author: નોબત સમાચાર

જામનગર એરપોર્ટ પર હુમલો કરનાર ૪ આતંકીઓ ઠારઃ બંધકોને ચેતક કમાન્ડોએ છોડાવ્યા

જિલ્લા વહીવટી તંત્ર સાથે યોજાયેલી સંયુકત મોકડ્રીલમાં તંત્રની સજ્જતા કસોટીએ ચડીઃ ડોગ સ્કવોડની મહત્ત્વની ભૂમિકા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: જામનગર શહેરના અતિ સંવેદનશીલ એવા જામનગર એરપોર્ટમાં આતંકવાદ વિરોધી 'મોકડ્રીલ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ કવાયત દ્વારા સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક વહીવટી તંત્રએ સંભવિત કટોકટી સામે પોતાની સજ્જતા અને ત્વરિત પ્રતિસાદનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.

આ ઓપરેશનમાં જામનગર એરપોર્ટ પરિસરમાં ૪ આતંકવાદીઓ દ્વારા હુમલો કરી નાગરિકોને બાન પકડવાની સ્થિતિનો ડમી સિનારીયો ઊભો કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ચેતક કમાન્ડો, પોલીસ તંત્ર અને ક્વિક રિસ્પોન્સ ટીમ દ્વારા સમગ્ર એરપોર્ટ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. જાનમાલને કોઈ જ નુકસાન ન થાય તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક બુલેટ પ્રૂફ વાહનો, ફાયર ફાઇટર અને એમ્બ્યુલન્સ સહિતના અદ્યતન સાધનો તૈનાત કરી દેવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા આતંકી ઘટના અંગેનો મેસેજ મળતાની સાથે જ ગણતરીની મિનિટોમાં તમામ સંબંધિત વિભાગોના કાફલાઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

વ્યૂહાત્મક રીતે હાથ ધરવામાં આવેલા આ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળો તથા કમાન્ડો દ્વારા અત્યંત કુશળતાપૂર્વક આતંકી કાવતરું નિષ્ફળ બનાવી તમામ ૪ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા અને તમામ બંધકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.

જિલ્લા કલેક્ટર પી. બી. પંડ્યા તથા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીના સીધા માર્ગદર્શન હેઠળ ઓપરેશન કમાન્ડર કીર્તિદેવસિંહ ઝાલા, નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલા તથા પંડ્યા, એલ.સી.બી. પોલીસ ઇન્સપેક્ટર ચૌધરી વગેરે દ્વારા પોલીસ, આરોગ્ય, ફાયર, પી.જી.વી.સી.એલ., સિવિલ ડિફેન્સ, મરીન કમાન્ડો, બોમ્બ ડિસપોઝલ સ્ક્વોડ સહિતના તમામ વિભાગો વચ્ચે ગણતરીની ઘડીઓમાં સંકલન સાધવામાં આવ્યું હતું. એરપોર્ટમાં યોજાયેલી આ મોકડ્રીલ થકી સુરક્ષા વ્યવસ્થાની ગહન ચકાસણી કરાઈ હતી અને વિવિધ એજન્સીઓ વચ્ચેના તાલમેલને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરાયો હતો. આ સફળ તાલીમ દ્વારા જામનગર જિલ્લા વહીવટી તંત્રએ સાબિત કર્યું કે તેઓ કોઈપણ પ્રકારની આપત્તિજનક પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે.

આંતકી હૂમલો નિષ્ફળઃ કમાન્ડો ઓપરેશન સફળ

આતંકવાદીઓએ બંધકોને સહી સલામત મુક્ત કરવાના બદલે પોતાના દેશ જવા માટે પ્લેનની સુવિધા, જેલમાં બંધ તેમના ત્રણ સાથીઓને મુક્ત કરવાની અને રોકડ રકમની માંગણી મૂકી હતી. જોકે, ચેતક કમાન્ડો, સ્થાનિક પોલીસ અને તંત્રના સંયુક્ત તથા કુશળ વ્યુહાત્મક ઓપરેશનના પરિણામે આ તમામ આતંકવાદીઓને સ્થળ પર જ ઠાર કરવામાં સફળતા મળી હતી. એરપોર્ટ પરિસરમાં કારમાં આવી પહોંચેલા આતંકવાદીઓએ બોમ્બ ધડાકાનો મારો ચલાવ્યો હતો. આતંકીઓ જે વાહનમાં આવ્યા હતા તેમાં બોમ્બ બનાવવાની મોટી માત્રામાં સામગ્રી પણ છુપાવેલી હતી. જોકે, ઘટનાસ્થળે તૈનાત ડોગ સ્ક્વોડની તીક્ષ્ણ સતર્કતા અને સઘન ચેકિંગના પરિણામે સમયસર તે કારમાંથી વિસ્ફોટક સામગ્રી ઝડપાઈ ગઈ હતી, જેનાથી એક મોટી દુર્ઘટના અટકી શકી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh