રાજકોટમાં આજથી નાઈટ કર્ફયુનો અમલ થતાં રાત્રિના માર્ગો થશે સુમસામ

રંગીલાનગરમાં રાત્રિના જમા થતાં ટોળાઓ થશે ગાયબઃ

રાજકોટ તા. ર૧ઃ કોરોનાએ ફરી ફૂંફાડો મારતા રાજ્ય સરકારે જાહેર કરેલા નાઈટ કર્ફયુના કારણે આજે રંગીલા રાજકોટમાં રાત્રિ દરમિયાન માર્ગો સુમસામ થઈ જશે.

કોરોનાએ ફરી ફૂંડાફો મારતા ચિંતિત રાજ્ય સરકારે વડોદરા, સુરતની સાથે રંગીલા રાજકોટમાં પણ આજે રાતથી અનિશ્ચિત મુદ્ત માટે કર્ફયુ લાદવાનું એલાન કર્યું છે. આજથી રાજકોટમાં રાત્રે ૯ થી સવારે ૬ વાગ્યા સુધી કર્ફયુ રહેશે. લોકોને આ ગાળા દરમિયાન વ્યાજબી કારણ વગર ઘરમાંથી બહાર નીકળવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પોલીસ તંત્ર કર્ફયુના કડક પાલન માટે સજ્જ છે અને વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે.

જીવલેણ કોરોના વાઈરસના કહેરને નાથવા રાજ્ય સરકારે કરેલી જાહેરાત અનુસાર બીજો હુકમ ન થાય ત્યાં સુધી અનિશ્ચિત મુદ્ત માટે રાજકોટમાં રાત્રિ કર્ફયુ ચાલુ રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે વિવિધ કલમો હેઠળ પગલાં લેવામાં આવશે તેવું પણ જાહેર કરવામાં આવ્યું છે. આજે રાત્રે ૯ વાગ્યાથી કર્ફયુનો અમલ શરૃ થાય એટલે શહેરીજનોને વ્યાજબી કારણ વગર ઘરની બહાર નહિં નીકળવા તંત્રએ જણાવ્યું છે. તંત્રએ કહ્યું છે કે કર્ફયુનો ચૂસ્તપણે પાલન કરાવાશે. ખાણીપીણીની રેંકડીઓ અને બજારો આ ગાળા દરમિયાન બંધ રહેશે. વ્યાજબી કારણ વગર બહાર નીકળેલા લોકોના વાહનોને ડીટેઈન કરવા સહિતના પગલાંઓ લેવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે.

અમદાવાદમાં સોમવાર સવાર સુધી કર્ફયુ લાદવામાં આવ્યો છે. શિયાળો શરૃ થતાં જ કોરોનાનો ગ્રાફ ઊંચે જતા તંત્રને આ પગલું લેવું પડ્યું છે. રાજકોટમાં પણ કેસ વધવાની ભીતિ હોવાથી નાઈટ કર્ફયુનો અમલ શરૃ થઈ રહ્યો છે. આજે રાતથી શહેર સુમસામ થઈ જશે. આજે રાત્રિ દરમિયાન બસો પણ નહિં ઉપડે.

માસ્ક વગર નીકળનાર સામે પગલાં લેવાનું પણ પોલીસ અને મ્યુનિસિપલ તંત્રએ શરૃ કર્યું છે. ટોળાશાહી ન થાય તેની પણ ટકોર કરવામાં આવી રહી છે. સોશ્યલ ડિસ્ટન્સનો ચૂસ્ત અમલ પણ કરાવવામાં આવશે. રાજ્ય સરકારે નાઈટ કર્ફયુ જાહેર કરતા આજે રાતથી કોર્પોરેશનની ટીમો પોલીસને સાથે રાખીને ખાણીપીણીની લારીઓ, રેસ્ટોરન્ટો, દુકાનો વગેરે બંધ કરાવવા નીકળશે. તે ઉપરાંત દિવસ દરમિયાન કોરોનાની ગાઈડલાઈન અંગે જાગૃતિ લાવવામાં આવે તેવો પ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે.

આજે રાતથી કર્ફયુનો અમલ શરૃ થશે એટલે રાજકોટની નાઈટ લાઈફને ફરી બ્રેક લાગી જશે. રાત્રિના જમા થતા ટોળાઓ પણ હવે જોવા નહીં મળે. રાત્રે પણ ધમધમતા વિવિધ રાજમાર્ગો સુમસામ જણાશે. રાત્રિના ચા-ગાંઠિયા અને નાસ્તા માટે લોકોને મુશ્કેલી પડશે. તેઓના પોતાના શોખ ઉપર થોડા દિવસ કાબૂ પણ રાખવો પડશે, તેવી સ્થિતિ કર્ફયુના કારણે ઊભી થવા જઈ રહી છે.

close
Ank Bandh
close
PPE Kit