મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન નિવારવા સરકાર રચવાના પ્રયાસો તેજઃ ઘેરૃ સસ્પેન્સ

મુંબઈ તા. ૧રઃ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન આવતું અટકાવવા એનસીપી, કોંગ્રેસ અને શિવસેના વચ્ચે વાતચીત ચાલી રહી છે અને સત્તાની ભાગીદારી અંગે ફોર્મ્યુલા સતત બદલાતી હોવાથી સસ્પેન્સ ઘેરૃ બન્યું છે. કોંગ્રેસના ત્રણ વરિષ્ઠ નેતાઓ આજે સાંજે શરદ પવારને મળવાના છે, તે પછી જ સ્થિતિ સ્પષ્ટ થશે, તેમ જણાય છે.

મહારાષ્ટ્રમાં સરકાર રચવા ગઈકાલે રાજ્યપાલે  એનસીપીને આજે રાત્રે ૮.૩૦ સુધીની મુદ્ત સાથે આમંત્રિત કર્યા પછી રાષ્ટ્રપતિ શાસન આવતું નિવારવા ગતિવિધિ તેજ બની છે, અને એનસીપી, શિવસેના અને કોંગ્રેસ વચ્ચે સત્તાની ભાગીદારી માટે નવી-નવી ફોર્મ્યુલા આવી રહી છે. આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ, મલ્લિકાર્જુન ખડગે અને વેણુગોપાલ શરદ પવારને મળવાના છે, તેના પર નવી સરકાર રચવાનો મદાર રહેશે, તેમ જણાય છે.

એનસીપી નેતા અજિત પવારે કહ્યું અમે કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી છે, તેથી સરકાર બનાવવાનો નિર્ણય એકલા ન લઈ શકીયે. ગઈકાલે સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા સુધી અમે તેમના સમર્થન પત્રની રાહ જોતા રહ્યા, પરંતુ સાંજ સુધી તે ન મળ્યો. અમારે એકલાએ પત્ર આપવો યોગ્ય નહતો. અમારી પાસે કુલ ૯૮ ધારાસભ્યો છે. આ દરમિયાન આજે એનસીપી પ્રમુખ શરદ પવાર લીલાવતી હોસ્પિટલમાં દાખલ શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતની ખબર કાઢવા પહોંચ્યા હતાં.

આ પહેલા શરદ પવારે તેમના ધારાસભ્યો સાથે મિટિંગ કરી હતી. અજીત પવારે કહ્યું, પવારને અહેમદ પટેલે ફોન કરીને દિલ્હી બોલાવ્યા હતાં, પરંતુ અમારા ધારાસભ્યો ત્યાંથી અને પવાર સાહેબનું દિલ્હી આવવું મુશ્કેલ છે. તેથી અમે અહીં ચર્ચા કરી લેવાનું નક્કી કર્યું છે. કોંગ્રેસ અને એનસીપીએ સાથે ચૂંટણી લડી છે તેથી અમે એકબીજા પર આરોપ ન લગાવી શકીયે. કોંગ્રેસે અમને મેસેજ આપ્યો હતો કે અમે અહીં મહારાષ્ટ્રના કોંગ્રેસ ધારાસભ્યો સાથે બેઠક કરીને તેમને જાણ કરીયે. આજે સાંજે એનસીપી અને કોંગ્રેસ નેતાઓની મુંબઈમાં બેઠક થવાની છે.

રાષ્ટ્રપતિ શાસન વિશે અજિતે કહ્યું કે, અમે આજે એક સાથે ચર્ચા કરી લઈએ તો આગળ કોઈ વાતનો સવાલ જ ઊભો નથી થતો. આ દરમિયાન શરદ પવારે મંગળવારે લીલાવતી હોસ્પિટલમાં દાખલ નેતા શિવસેના નેતા સંજય રાઉત સાથે મુલાકાત કરી હતી. પવારે એનસીપી અને કોંગ્રેસ સાથેની મુલાકાત વિશે કહ્યું હતું કે, મને આનાથી કોઈ ફેર નથી પડતો.

સૌથી મોટી ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવવાનો ઈન્કાર કરી દીધો છે અને ત્યારપછી રાજ્યપાલ દ્વારા પહેલા શિવસેના અને પછી એનસીપીને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું છે. શિવસેનાએ ધારાસભ્યોનું સમર્થન દર્શાવવા માટે ર૪ કલાકનો સમય હતો, પરંતુ તેમણે થોડો વધુ સમય માંગતા રાજ્યપાલે એનસીપીને સમર્થન આપ્યું છે.

મહારાષ્ટ્રના કોંગ્રેસના ૪૦ ધારાસભ્યો છેલ્લા ચાર દિવસથી જયપુરના રિસોર્ટમાં રોકાયા હતાં. આ ધારાસભ્યોએ શિવસેનાને સત્તામાં ફેરામાં ફસાવી દીધા છે. કારણકે અમૂક ધારાસભ્યો ઈચ્છે છે કે તેઓ સરકારમાં સામેલ થાય. જ્યારે અમૂક ધારાસભ્યોનું કહેવું છે કે, આ નિર્ણય માટે પાર્ટીએ થોડો સમય લેવો જોઈએ. આ દરમિયાન સોમવારે સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીની બે વાર ધારાસભ્યો સાથે ફોન પર વાત પણ થઈ હતી પરંતુ તે બધા વચ્ચે સહમતી થઈ શકી નથી. આ જ કારણ છે કે, કોંગ્રેસે શિવસેનાને સોમવારે સાંજે ૭ઃ૩૦ વાગ્યા સુધી સમર્થન પત્ર ન સોંપ્યો અને તેથી રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ  એનસીપીને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું હતું.

છેલ્લાં બે દિવસથી કોંગ્રેસના ધારાસભ્યો સાથે મહારાષ્ટ્રના તમામ સિનિયર નેતાઓ પણ જયપુરના રિસોર્ટમાં છે. સોમવારે સવારે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં સામેલ થવા માટે મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી મલ્લિકાર્જુન ખડગે, પ્રદેશ અધ્યક્ષ બાલા સાહેબ થોરાટ, પૃથ્વીરાજ ચૌહાણ, સુશીલ કુમાર શિંદેને ખાસ પ્લેનથી દિલ્હી લાવવામાં આવ્યા હતા. જ્યારે પૂર્વ સીએમ અશોક ચૌહાણ ફ્લાઈટથી દિલ્હી પહોંચ્યા હતા.

દિલ્હીમાં સોનિયા ગાંધીના ઘરે થયેલી બેઠકમાં એકે એંટનીએ કહ્યું, ડાબેરીઓની છબી વાળી શિવસેનાને સમર્થનથી નુકસાન થશે. તેથી પહેલાં થોડી શરતો રાખવી પડશે. એવું પહેલાં પણ કહેવામાં આવ્યું છે કે, ઘણાં નેતા નથી ઈચ્છતા કે પાર્ટી હિન્દુત્વના ચહેરાવાળી શિવસેના પાર્ટીથી સીધા જોડાય. તેથી તેઓ એનસીપીને વચ્ચે રાખવા માંગે છે. તેમનું માનવું છે કે, આ સમર્થનના કારણે કોંગ્રેસને અન્ય રાજ્યોમાં વધારે નુકસાન થઈ શકે છે.

રાષ્ટ્રપતિ શાસન લગાવાશે તો શિવસેના સુપ્રિમ કોર્ટમાં પડકારશે

મુંબઈ તા. ૧રઃ રાજ્યપાલ જો મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવશે તો શિવસેના સુપ્રિમ કોર્ટના દ્વાર ખખડાવશે. શિવસેનાએ વરિષ્ઠ વકીલ અને કપિલ સિબ્બલનો આ સંદર્ભે સંપર્ક સાધ્યો હોવાનું સૂત્રો જણાવે છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit