કાલાવડના ભલસાણ બેરાજામાં ખેતરમાં કામ કરતા શ્રમિકનું સર્પ ડંખી જતા મૃત્યુ

જામનગર તા. ૧૫ઃ કાલાવડના ભલસાણ બેરાજા ગામમાં એક ખેતરમાં કામ કરતા શ્રમિકને બે સપ્તાહ પૂર્વે પરભવનો વેરી સર્પ કરડી જતા આ યુવાનનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું છે.

કાલાવડ તાલુકાના ભલસાણ બેરાજા ગામમાં આવેલા બાબુભાઈ પટેલના ખેતરમાં મજુરીકામ માટે આવીને રહેતા જુવાનસિંહ માલસિંહ ભીલાલા નામના ૨૬ વર્ષના આદિવાસી યુવાન ગઈ તા. ૨૯ના દિને ખેતરમાં કામ કરતા હતાં ત્યારે તેમના પગમાં ઝેરી સર્પ ડંસી જતા જુવાનસિંહ બેશુદ્ધ બની ગયા હતાં. આ વેળાએ ખેતરમાં હાજર અન્ય શ્રમિકો દોડી આવ્યા હતાં.

સારવાર માટે કાલાવડના દવાખાને ખસેડવામાં આવેલા જુવાનસિંહનું સારવાર દરમ્યાન ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. તેઓના નાનાભાઈ વિજય ભીલાલાએ પોલીસને જાણ કરી છે. કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના જમાદાર વી.ડી. ઝાપડીયાએ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી કરી છે.

close
Ank Bandh
close
PPE Kit