બસ સ્ટેન્ડમાં વૃદ્ધા પર દુષ્કર્મ તથા હત્યાનો પ્રયાસ કરનાર આરોપીની ત્વરીત અટકાયત

જામનગર તા. ૧૫ઃ ઓખામંડળના સુરજકરાડીના બસ સ્ટેન્ડમાં રવિવારની રાત્રે એકલા રહેલા ૮૦ વર્ષીય વૃદ્ધા પર માણસમાંથી હેવાન બનેલા શખ્સે દુષ્કર્મનો પ્રયાસ કરી તેઓની હત્યા નિપજાવવાની કોશિષ કરી હતી. આ શખ્સને પોલીસે ગણતરીની કલાકોમાં પકડી પાડ્યો છે. તેને પૂરતા બંદોબસ્ત સાથે તબીબી ચકાસણી માટે ખસેડવામાં આવ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા સુરજકરાડીના બસ સ્ટેન્ડમાં રવિવારની રાત્રે એક વૃદ્ધા એકલા હતાં ત્યારે ત્યાં ધસી આવેલા દ્વારકા તાલુકાના શામળાસર ગામના જશરાજભા માણેક નામના શખ્સે ૮૦ વર્ષના તે વૃદ્ધાની એકલતાનો લાભ લઈ દુષ્કર્મ ગુજારવા બળજબરી કરી હતી. તે વૃદ્ધાએ પ્રતિકાર કરતા ઉશ્કેરાયેલા જશરાજભાએ તે વૃદ્ધાને ગળા તથા મ્હોંના ભાગે ચોરણી વીટી મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો હતો.

જેમ-તેમ કરીને તે શખ્સના સકંજામાંથી છટકી ઘરે પહોંચેલા વૃદ્ધાએ પોતાના પરિવારને જાણ કર્યા પછી વહેલી સવારે તેણીના પુત્ર મીઠાપુર પોલીસ સ્ટેશનમાં ધસી ગયા હતાં. તેઓએ પોલીસ સમક્ષ ઉપરોક્ત બનાવ વર્ણવ્યા પછી પોલીસે આઈપીસી ૩૫૪, ૩૭૬, ૫૧૧, ૩૦૭ હેઠળ ગુન્હો નોંધી આરોપીના સગડ દબાવ્યા હતાં.

આરોપીના સંભવિત આશ્રય સ્થાનોની ચકાસણી કરાતા આખરે આરોપી જશરાજભા પોલીસની ગીરફતમાં આવી ગયો છે. તેને તબીબી ચકાસણી માટે ખસેડી પોલીસે વિધિવત ધરપકડ કરવાની કામગીરી હાથ ધરી છે. સમગ્ર દ્વારકા જિલ્લામાં આ બનાવે ફીટકારની લાગણી જન્માવી છે. પીઆઈ એસ.ડી. ડાંગરે વધુ તપાસ યથાવત રાખી છે.

close
Ank Bandh
close
PPE Kit