દ્વારકાની સરકારી હોસ્પિટલમાં હાલની ગંભીર સ્થિતિમાં પણ તબીબોની જગ્યા ખાલી

દ્વારકા તા. ૧પઃ દ્વારકા તાલુકાના ૪ર ગામો વચ્ચે માત્ર એક જ સબ-ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ હોવાથી આજુબાજુના ગામડાઓના દર્દીઓનો ખૂબ જ ધસારો રહે છે. આ કેન્દ્રમાં લાંબા સમયથી ડોક્ટરોની જગ્યાઓ ખાલી છે. જેના કારણે દર્દીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આરોગ્ય કેન્દ્રના વર્ગ ૧, ર, ૩ ની જગ્યાઓ વહેલીતકે ભરવા દ્વારકા નગરપાલિકાના પ્રમુખ જ્યોતિબેન સામાણીએ રાજ્યના આરોગ્યમંત્રી, સાંસદ, પૂર્વ ધારાસભ્ય, રાજ્યના આરોગ્ય વિભાગના સંબંધિત અધિકારીઓ, જિલ્લા કલેક્ટર સહિતનાને લેખિત રજૂઆત કરી છે.

આ રજૂઆતમાં જણાવેલ છે કે, યાત્રાધામ દ્વારકાને ખાનગી દાતાના ડોનેશન તથા રાજ્ય સરકારના સહયોગથી અદ્યતન 'સબ-ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ'ની સુવિધા મળી છે. આ ઉપરાંત સરકાર દ્વારા કાર્યરત કેન્દ્રને જનરલ હોસ્પિટલનો દરજ્જો આપી પ૦ બેડની અદ્યતન હોસ્પિટલનું નવું યુનિટ ફાળવેલ છે. આમ તમામ વિભાગો સાથેનું આધુનિક સુવિધાવાળું તદ્ન નવું આરોગ્ય કેન્દ્ર તૈયાર થતા આરોગ્ય સંબંધી સુવિધામાં વધારો થયો છે.

કેન્દ્ર અપગ્રેડ થવાના કારણે સેટઅપમાં પણ ફેરફાર થયો છે. અધિક્ષક, જનરલ સર્જન તથા વર્ગ-૧ ની ચાર જગ્યા મળીને કુલ ૬ જગ્યાઓ પૈકી માત્ર એક જ ડોક્ટર છે. વર્ગ-ર ની કુલ ૪ જગ્યાઓ પૈકી માત્ર એક જ ડોક્ટરની નિમણૂક થઈ છે. ઉપરાંત વર્ગ-૩ માં એક્સ-રે ટેકનિશ્યન, લેબોરેટરી ટેકનિશ્યન, ફાર્માસીસ્ટ વગેરે પૈકી એક જગ્યા (જે આઉટસોર્સથી) ભરાયેલી છે અને બાકીની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે.

આ જગ્યાઓ મંજુર થયા હોવા છતાં તેનો લાભ આ કેન્દ્રને અને પ્રજાજનોને મળતો નથી. જેના કારણે આરોગ્ય સેવા ઉપર પણ અસર થાય છે. ડોક્ટરો તથા સ્ટાફ અપૂરતો હોવાથી દર્દીઓને સારવાર માટે દ્વારકાથી ૯૦ કિ.મી. દૂર જવું પડે છે. વધુમાં તેમણે જણાવેલ કે કેન્દ્રમાં પ્રતિદિન ૩૦૦ જેટલા ઓ.પી.ડી.ના કેસ, મોટી સંખ્યામાં એક્સ-રે ના દર્દીઓ ઉપરાંત હાલમાં કોરોનાની મહામારીને કારણે દ્વારકા વિસ્તારમાં કોરોનાના કેસ વધતા ડોક્ટરોની ખાલી પડેલી જગ્યાઓને કારણે દર્દીઓને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ બાબતે તાલુકાના આગેવાનો દ્વારા અનેક વખત રજૂઆતો થઈ છે, પરંતુ ખાલી પડેલી જગ્યાઓ ઉપર હજુ સુધી ડોક્ટરોની નિમણૂક થઈ નથી. આ કેન્દ્રમાં દર્દીઓની સંખ્યાઓને ધ્યાનમાં લઈ તથા ડોક્ટરોના કાર્યબોજને લક્ષમાં રાખી ખાલી રહેલી વર્ગ ૧, ર, ૩ ની જગ્યાઓ તાત્કાલિક ભરવા તેમણે માંગણી કરી છે.

close
Ank Bandh
close
PPE Kit