આજે આપણા સ્વતંત્ર લોકશાહી પ્રણાલીને વરેલા ભારત દેશનું પ્રજાસત્તાક પર્વ અને આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં પણ સરકારી તંત્ર-પોલીસ તંત્ર દ્વારા દેશભક્તિના નારા અને તિરંગા ઝંડા સાથે રેલી-યાત્રાને અટકાવી દેવામાં આવે ત્યારે લોકશાહી અને પ્રજાસત્તાકના સંદર્ભો અંગે ચિંતા જાગી રહી છે. આજે જામનગર શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વારા સવારે કોંગ્રેસના સ્થાનિક નેતાઓ-કાર્યકર્તાઓ દ્વારા હાથમાં રાષ્ટ્રધ્વજ તિરંગા લઈને પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવા પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા દેશભક્તિના સંદેશ સાથે નીકળેલી આ યાત્રામાં માત્ર ને માત્ર ભારત માતા કી જય, જય જવાન જય કિસાન, વંદે માતરમ્, ઈન્ક્લાબ ઝીંદાબાદના દેશભક્તિના નારા લગાડવામાં આવ્યા હતાં. આ રેલી સરકાર, પોલીસ, મનપા કે અન્ય કોઈ તંત્રનો વિરોધ કરવા માટે ન હતી, એમ કરી બેડીગેઈટ પાસે પોલીસ કાફલો દોડી ગયો હતો અને કોંગ્રેસની આ સંપૂર્ણ શાંતિ, સંપૂર્ણપણે દેશભક્તિના સંદેશ સાથે, કોઈના વિરોધના ઈરાદા વગર નીકળેલી યાત્રાને અટકાવી દીધી હતી. પોલીસ અધિકારીએ આ યાત્રા માટે તંત્ર પાસે મંજુરી લીધી નથી. આ પદયાત્રા અટકાવી દેવામાં આવી હતી. જામનગર જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં ધારાસભ્ય વિક્રમભાઈ માડમના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ પૂર્ણ થયા પછી ત્યાંથી આ રેલીનો આરંભ થયો હતો. આ રેલી જ્યારે બેડીગેઈટ પાસે પહોંચી ત્યારે પોલીસે તેને અટકાવી હતી અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઈ કુંભારવાડિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, પૂર્વ કાર્યકારી પ્રમુખ કરણદેવસિંહ જાડેજા, પ્રદેશ પ્રતિનિધિ યુસુફભાઈ ખફી, મહિલા પ્રતિનિધિ સહારાબેન મકવાણા, શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ રંજનબેન ગજેરા, પૂર્વ કોર્પોરેટરો દેવશીભાઈ આહિર, આનંદ ગોહિલ, જેનમબેન ખફી, યુવા અગ્રણીઓ ડો. તૌસીફખાન પઠાણ, મહિપાલસિંહ જાડેજા, શક્તિસિંહ જેઠવા વગેરેની પોલીસે અટકાયત કરી લીધી હતી. આઝાદ અને લોકતાંત્રિક ભારત દેશમાં દેશભક્તિના સંદેશ સાથેના કાર્યક્રમોને પણ વેરવિખેર કરી નાંખવાનું માત્ર મંજુરીના બહાના હેઠળ કેટલે અંશે વયાજબી છે?