કોરોના સામેનો જંગ જીતવા માટે એક માત્ર ઉપાયઃ ઘરમાં જ રહો

જામનગર તા. રપઃ સમગ્ર દેશમાં ગઈકાલે મધ્યરાત્રિથી ર૧ દિવસ માટે લોકડાઉનની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જાહેરાતના સંદર્ભમાં જામનગરના સંસદસભ્ય પૂનમબેન માડમે નોબતની ટીમ સાથેની ખાસ મુલાકાતમાં કોરોના સામેની લડાઈ, લોકડાઉન તથા સરકાર - તંત્રની વ્યવસ્થા અંગે તેમના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતાં.

સંસદસભ્ય પૂનમબેન માડમે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકોની તાકાત અંગે ખૂબ જ ભાવપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે જ્યારે આપણાં પર કોઈપણ આપત્તિ આવી છે ત્યારે-ત્યારે આપણે સૌએ એક પરિવારની જેમ એકજૂટ થઈને, તમામ વાદ-વિવાદ - વિખવાદથી દૂર રહીને દૃઢ મનોબળ સાથે તે આપત્તિઓનો સામનો સફળતાપૂર્વક કર્યો છે, ત્યારે મને સંપૂર્ણ ખાત્રી છે કે, કોરોનાની મહામારીનો સામનો પણ સૌ મજબુત મનોબળ સાથે એક પરિવારની જેમ સાથે મળીને કરશે. કોરોનાને સૌના સાથ સહકારથી હરાવશું. આ લાંબી અને મોટી લડાઈ છે. તેમાં સહનશિલતા, સંકલ્પ-સંયમ અને સહકારની ભાવનાને વધુ દૃઢ બનાવીશું તો અવશ્ય સફળતા મળશે અને હાલારવાસીઓએ દર વખતે દરેક મુશ્કેલી સમયે ફાયટીંગ સ્પીરીટ અને અદ્ભૂત સ્ટ્રેન્થના દર્શન-અનુભવ કરાવ્યા છે.

આપણા હાલારવાસીઓના આતિથ્યભાવની જે રીતે પ્રસંશા થાય છે તેવી જ રીતે પરોપકારી ગુણ પણ એટલો જ ઉમદા રહ્યો છે. માત્ર મારી સુરક્ષા માટે જ નહીં, મારા પરિવારની સુરક્ષા માટે, સમાજની સુરક્ષા માટે હકારાત્મક પ્રતિભાવ સાથે કોરોના સામેની લડાઈ લડવા માટે સંયમ રાખવો પડે, થોડી ઘણી મુશ્કેલી સહન કરવી પડે, ઘરમાં જ રહેવું પડે તો તમામને અનુસરીને પણ હાલારવાસીઓ આ આપત્તિમાંથી પણ હેમખેમ ઉગરી જશે.

આપણા સૌની હકારાત્મક ભાવના, એકબીજાને મદદરૃપ થવાની ભાવનાના કારણે જ વિજય સંભવ બનશે, તેવો વિશ્વાસ પૂનમબેને વ્યક્ત કર્યો હતો.

કેન્દ્ર સરકાર, વડાપ્રધાન, રાજ્ય સરકાર, સ્થાનિક વહીવટી તંત્ર દેશના નાગરિકોને તમામ પ્રાથમિક સુવિધાઓ, અનિવાર્ય જીવન જરૃરી ચીજવસ્તુઓ સરળતાથી મળી રહે તે માટે વ્યવસ્થા ગોઠવી રહ્યું છે અને આ કપરાં સંજોગોમાં આપણને થોડી ઘણી તકલીફો પડશે તે પણ નિશ્ચિત છે ત્યારે સરકાર આપણાં સૌ પાસે એક નાગરિક તરીકેની જવાબદારી નિભાવીએ તેવી અપેક્ષા રાખી રહી છે. અત્યારે આપણે માત્રને માત્ર એક જ કાર્ય કરવાનું છે, માત્રને માત્ર એક જ બાબતમાં વડાપ્રધાનની અપીલને સન્માન આપવાનું છે તે છે ર૧ દિવસ સુધી ઘરમાં જ રહો. ઘરની બહાર ન નિકળો, આપણે તેમાં જરા પણ સંયમ ન ગુમાવવો. કારણ કે, આપણી એક ભૂલ પણ ઈન્ફેકશન ફેલાવવામાં નિમિત્ત બની શકે છે. ઈન્ફેકેશન-વાયરસનો ફેલાવો અટકાવવા માટે આ એક માત્ર શ્રેષ્ઠ અને અંતિમ ઉપાય છે. કારણ કે ખૂબ જ દુઃખ અને ચિંતા સાથે જણાવવું પડે છે કે, કોરોનાની કોઈ દવા, વેકસીન હજી સુધી શોધાયા નથી ત્યારે આ મહામારીને ફેલાતી અટકાવવા સૌએ ઘરમાં ફરજીયાત રહેવું જ પડશે.

પૂનમબેને ખૂબ જ ભાવપૂર્વક જણાવ્યું હતું કે, આજે આપણને સૌને પરિવાર સાથે રહેવાનો અવસર મળ્યો છે ત્યારે પરિવાર સાથે રહીને પૂરેપૂરો આનંદ માણવાની સાથે ઘરમાં જ રહો, ઘરના નાના-મોટા કામ પૂરા કરો. મને ખાત્રી છે કે, ર૧ દિવસના લોકઆઉટ પછી તમારામાં એક અલગ જ વ્યક્તિત્વ ઉજાગર થશે.

તેઓ હાલના સંજોગોમાં સ્થાનિક વહીવટી તંત્ર, આરોગ્ય તંત્ર, મહાનગરપાલિકા સહિતની સાથે સતત સંપર્કમાં છે અને ખાસ કરીને હોસ્પિટલમાં તમામ અને પુરતી સુવિધાઓ જાણકારી મેળવી છે જિલ્લા કલેક્ટર અને આરોગ્ય તંત્ર જામનગરમાં સંપૂર્ણ રીતે સજ્જ છે તેથી કોઈએ ડરવાની જરૃર નથી.

જિલ્લાનું વહીવટી તંત્ર, આરોગ્ય તંત્ર, સફાઈ કર્મચારીઓ, પોલીસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ દિવસ-રાત જોયા વગર દર્દીઓની સારવાર, બંદોબસ્ત, લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે માટે ફરજ બજાવી રહ્યાં છે તે સૌને પૂનમબેન માડમે બિરદાવી અભિનંદન આપ્યા હતાં.

તેમણે એક ખૂબ જ મહત્ત્વની વાત કરી કે, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ કોર્પોરેટ કંપનીઓ જેમ કે રિલાયન્સ, નયારા, આરએસપીએલ (ઘડી), ટાટા કેમિકલ્સને પત્ર લખીને તેમના કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબીલિટી (સીએસઆર) ભંડોળમાંથી તાત્કાલિક મોટું ભંડોળ ફાળવે, અને તેમાંય ખાસ કરીને બન્ને જિલ્લામાં આરોગ્યને ટોચની પ્રાથમિકતા આપી તે અંગેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવે.

આ ઉપરાંત સંસદસભ્યની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સ, વેન્ટીલેટર, માસ્ક, ઓકસિજન સહિતની જરૃરિયાતો જેમ બને તેમ જલદી મળે તે માટે પણ તેઓ આજથી કાર્યરત થયા છે અને આ મહામારી સામેની લડાઈમાં એક જનપ્રતિનિધિ તરીકે જે કાંઈ ફરજ બજાવવાની થશે તે માટે હંમેશાં કાર્યરત રહીશ તેવી ખાત્રી પણ તેમણે આપી હતી.

આપણે ભૂકંપ, વાવાઝોડું, પૂર, દુષ્કાળ જેવી અનેક કુદરતી આપત્તિઓનો સામનો કરીને બહાર આવ્યા છીએ ત્યારે આ મહામારીમાંથી પણ આપણે સૌ હેમખેમ બહાર આવીએ તેવી પ્રાર્થના કરૃં છું.

તેમણે મુલાકાતના અંતે ખૂબ જ ભાવિભોર બનીને અપીલ કરી હતી કે, સૌ ઘરમાં જ રહો, સ્વસ્થ અને સુરક્ષિત રહો.

પૂનમબેન માડમ સાથેની મુલાકાતના અંતે નોબત વતી વાર્તાલાપ કરનાર વિરલ રાચ્છે જણાવ્યું હતું કે, આ લડાઈનો સામનો આપણે કેવી રીતે કર્યો અને સફળતા પ્રાપ્ત કરી તેનો ઈતિહાસ સુવર્ણ અક્ષરે લખાશે.

સંસદસભ્ય પૂનમબેન માડમના નિવાસસ્થાને આ ખાસ મુલાકાત પ્રસંગે નોબત પરિવારના ચેતનભાઈ માધવાણી, નોબતના વરિષ્ઠ પત્રકાર પી.ડી. ત્રિવેદી, નોબત વેબ ચેનલના દર્પણભાઈ માધવાણી, ધવલ લાખાણી, હર્ષલ કનખરા વિગેરે જોડાયા હતાં.

(આલેખનઃ પી.ડી. ત્રિવેદી)

close
Nobat Subscription