ચોટીલા પાસે ગમખ્વાર અકસ્માતમાં ડે. કલેક્ટર સહિત ત્રણનો લેવાયો ભોગઃ પૌત્રી અને અન્ય એકને થઈ ઈજા

ખંભાળીયા તા. ૧૭ઃ ખંભાળીયા સ્થિત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં અધિક કલેક્ટરની ફરજ બજાવતા એક અધિકારી રવિવારે સવારે પત્ની તથા પૌત્રી તેમજ કચેરીના કારકૂન, પટ્ટાવાળા સાથે વતન આણંદમાં પહોંચવા રવાના થયા હતાં. અધિકારીની આ મોટરને ચોટીલા પાસે અકસ્માત નડતા તે અધિકારી, તેમના પત્ની, કારકૂનના મૃત્યુ નિપજ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (ડીઆરડીએ)માં નિયામક-ડે. કલેક્ટર તરીકે મૂળ કપડવંજના વતની, હાલ આણંદમાં રહેતા અનિલભાઈ પ્રેમચંદ વાઘેલા (ઉ.વ. ૫૭) ફરજ બજાવતા હતાં. આ અધિકારી શનિવારે ખંભાળીયામાં યોજાયેલી 'દિશા'ની બેઠકમાં સવારના સાડા દસ વાગ્યાથી રાત્રિના સાડા નવ વાગ્યાથી ઉપસ્થિત હતાં. તેઓ દ્વારકાના જિલ્લા કલેક્ટર નરેન્દ્રકુમાર મીના અને સાંસદ સાથે બેઠકમાં હતા. તે બેઠક પૂર્ણ થયા પછી આ અધિકારી ખંભાળીયામાં પોતાના રહેણાકના સ્થળે પહોંચ્યા હતાં. અધિક કલેક્ટરની ફરજ બજાવતા અનિલ વાઘેલા આગામી તા. ૨૯ના વયમર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહ્યા હતાં. તે દરમ્યાન ગઈ તા. ૧૧ના દિને તેઓનો જન્મદિવસ હોય આણંદમાં રહેતા તેમના પત્ની કરૃણાબેન, પૌત્રી રીહાના (ઉ.વ. ૫) ઉજવણી માટે ખંભાળીયા આવ્યા હતાં. નિવૃત્ત થતા પહેલાં અનિલભાઈ રજા ભોગવી લેવા માટે નક્કી કરી મોડીરાત્રે ઘેર પહોંચ્યા પછી રવિવારે વહેલી સવારે જીજે-૧૦-બીજી-૩૫૧ નંબરની નિશાન કંપનીની સન્ની મોટરમાં ખંભાળીયાથી આણંદ જવા માટે રવાના થયા હતાં. તેઓ સાથે ડીઆરડીએ કચેરીમાં આઉટસોર્સીંગથી ક્લાર્કની ફરજ બજાવતા દીપભાઈ ભીખુભાઈ સાતા (ઉ.વ. ૨૨), પટ્ટાવાળા રવિભાઈ ભાયાભાઈ વારંગીયા નીકળ્યા હતાં. ઉપરોક્ત પાંચેય વ્યક્તિઓ રવિવારે સવારે પાંચેક વાગ્યે ખંભાળીયાથી રવાના થયા પછી દસેક વાગ્યે અમદાવાદ ધોરીમાર્ગ પર ચોટીલાથી સાયલા તરફ આગળ ધપી રહ્યા હતાં. ત્યારે રવિભાઈ મોટર ચલાવી રહ્યા હતાં. ચોટીલાથી ચારેક કિમી દૂર સાયલા તરફ આવેલા સાંગાણી ગામના પાટીયા પાસેના પુલીયામાં આ મોટર ધડાકાભેર અથડાઈ પડી હતી. જેથી આ ધોરીમાર્ગ માનવચીસોથી ગાજ્યો હતો. પલકવારમાં પડીકું વળી ગયેલી મોટરમાં આગળ બેસેલા દીપભાઈ સાતા તેમજ ડ્રાયવર રવિભાઈની પાછળ બેસેલા અનિલભાઈ વાઘેલા અને તેઓના પત્ની કરૃણાબેનના ઘટનાસ્થળે જ  ગંભીર ઈજા થવાથી મૃત્યુ પામ્યા હતાં જ્યારે રવિભાઈ તથા રીહાના વાઘેલા ગંભીર રીતે ઘવાયા હતાં. ત્યાંથી પસાર થતા અન્ય વાહનચાલકો થંભી ગયા હતાં. કોઈએ પોલીસને જાણ કરતા ચોટીલા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો. ઈજાગ્રસ્તે આપેલી કેફીયતના આધારે આણંદ સ્થિત અનિલભાઈના પરિવારને ઉપરોક્ત દુર્ઘટનાથી વાકેફ કરવામાં આવતા અન્ય પરિવારજનો પણ દોડી આવ્યા હતાં. પોલીસે ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મોટાભાગે પોતાના વતનમાં જવા માટે બસમાં મુસાફરી કરતા અનિલભાઈ ગઈકાલે પોતાના પત્ની તથા પૌત્રી આવ્યા હોય ખાનગી મોટરમાં રવાના થયા અને માર્ગમાં કાળનો ભેટો થયો. ફરજમાંથી નિવૃત્ત થાય તે પહેલાં આ અધિકારી કાળનો કોળીયો બની જતા અરેરાટી પ્રસરી ગઈ છે. અકસ્માતમાં આ અધિકારી સાથે ભોગ બનેલા દીપભાઈ સાતા ખંભાળીયામાં લકવાગ્રસ્ત પિતા ભીખુભાઈ (ગિતેશભાઈ) સહિતના પરિવાર સાથે વસવાટ કરે છે. મૃતક દીપભાઈના એક બહેન છે જેઓને જામનગર પરણાવવામાં આવ્યા છે જ્યારે દીપભાઈ અપરિણીત હતાં. ઘરમાં એકમાત્ર કમાનાર પુત્ર દીપભાઈનો અકસ્માતમાં ભોગ લેવાતા તેમનો પરિવાર આધારવિહોણો બની ગયો છે. ક્લાર્ક દીપભાઈ તથા પટ્ટાવાળા રવિભાઈ પોતાના સાહેબને મોટરમાં આણંદ મૂકવા જતા હતાં ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આગલી રાત્રે જ જિલ્લા કલેક્ટર સાથે બેઠકમાં હાજર રહેનાર અનિલ વાઘેલા સવારે અકસ્માતમાં ભોગ બની ગયાના અહેવાલ ખંભાળીયા પહોંચતા અધિકારીગણમાં અરેરાટી પ્રસરી ગઈ હતી.

close
Nobat Subscription