ગુજરાત વિધાનસભામાં નાણામંત્રીએ રજૂ કર્યું રૃા. ર,ર૭,૦ર૯ કરોડનું બજેટ

પાંચ વર્ષમાં બોર્ડ કોર્પોરેશનમાં બે લાખ યુવાનોની ભરતીઃ ખેડૂતો, મહિલાઓ, બાળકો તથા માળખાકીય સગવડો માટે કરાઈ જોગવાઈ

ગાંધીનગર તા. ૩ઃ ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી નીતિનભાઈ પટેલે વર્ષ ર૦ર૧-રર નું બજેટ રજૂ કર્યું છે. જેમાં વિવિધ વર્ગો માટે કરેલી જોગવાઈઓ જાહેર કરી હતી. નાણામંત્રીએ કોરોના વોરિયર્સ અને આ લડતમાં સહયોગ આપનારને બિરદાવ્યા હતાં અને ગુજરાતની જનતાને કેટલીક કાવ્ય પંક્તિઓ પણ અર્પણ કરી છે.

આજે નવમી વખત રાજ્યનું બજેટ રજૂ કરતા નાણામંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે એક કાવ્યપંક્તિ રજૂ કરીને આત્મનિર્ભર બજેટનો ઉલ્લેખ કર્યો હતો અને ગઈકાલે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભવ્ય વિજય બદલ આ પંક્તિઓ ગુજરાતની જનતાને અર્પણ કરીને તેમણે વર્ષ ર૦ર૧-રર ના બજેટનું વાચન શરૃ કર્યું હતું.

નીતિનભાઈ પટેલે કોરોનાનો ઉલ્લેખ કરીને સૌએ સાથે મળીને લડત આપી તેને બિરદાવી આરોગ્ય વિભાગ તથા કોરોના વોરિયર્સને બિરદાવ્યા હતાં, અને રાજ્યમાં કોરોના સામે લડવા કરેલી કામગીરીનો ઉલ્લેખ કરીને કોરોનાની રસી વડાપ્રધાન તથા અન્ય મહાનુભાવોએ મૂકાવી તેને આવકારી લોકોને તબક્કાવાર કોરોનાની રસી મૂકવા કરાયેલી વ્યવસ્થાઓ વર્ણવી હતી, અને તમામ ધારાસભ્યોના સહયોગને બિરદાવ્યો હતો.

કોરોનાની કામગીરી દરમિયાન પ્રાથમિક-સામૂહિક આરોગ્ય કેન્દ્રો, સરકારી દવાખાના-હોસ્પિટલો, અને ખાસ કરીને ધન્વન્તરિ રથની સક્રિય કામગીરીને બીરદાવી સંલગ્ન કર્મચારીઓને અભિનંદન આપ્યા હતાં.

નીતિનભાઈ પટેલે બજેટ રજૂ કરતા જણાવ્યું હતું કે, બજેટમાં બે લાખ જેટલા બેરોજગારોને નોકરી અને આત્મનિર્ભર ગુજરાત માટે જોગવાઈઓ કરવામાં આવી છે.

કૃષિ-ખેડૂત કલ્યાણ વિભાગ

નીતિનભાઈએ રજૂ કરેલા બજેટમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ૭ર૩ર કરોડની જોગવાઈ કરાઈ છે, તે મુજબ રાજ્યના ૪ લાખ ખેડૂતોને બિયારણ અને અનાજ સંગ્રહ માટે એક ડ્રમ અને પ્લાસ્ટિકના બે ટબ વિનામૂલ્યે આપવા ૮૭ કરોડ, ફૂડ પ્રોસેસિંગ માટે એકમ દીઠ ૧૦ લાખ રૃપિયાની સહાય માટે ૮ર કરોડ, બીજ ઉત્પાદક ખેડૂતો માટે ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા ફાઉન્ડેશન તેમજ સર્ટીફાઈડ બીજ ઉત્પાદન માટે સહાય આપવા પપ કરોડ, બીજ ઉત્પાદક ખેડૂતો માટુ ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા ફાઉન્ડેશન તેમજ સર્ટીફાઈટ બીજ ઉત્પાદન માટે સહાય આપવા પપ કરોડ, ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણ મુક્ત ખેતી કરતો જિલ્લો બનાવવા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા પ્રથમ વર્ષે ૧૦ હજાર તથા બીજા વર્ષે ૬ હજાર રૃપિયાની નાણાકીય સહાયની યોજના માટે ૩ર કરોડ, ઓર્ગેનિક તેમજ પ્રાકૃતિક ખેતી આધારીત ફળો અને શાકભાજીના ઉત્પાદનોનું સીધું વેંચાણ રાજ્યના ખેડૂતો દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના શહેરી વિસ્તાર માટેની ઓર્ગેનિક એગ્રિકલ્ચર માર્કેટ યોજના માટે ર૦ કરોડ, ખેડૂતોને હવામાન આધારીત માર્ગદર્શન સમયસર મળે તે હેતુથી ૧૮૦૦ ઓટોમેટિક વેધર સ્ટેશનની સ્થાપના માટે ૧ર કરોડ અને રોગ-જીવાતના સમયસર સર્વે થકી ઉપદ્રવની જાણકારી મેળવી તેના અસરકારક નિયંત્રણ માટે પ્રાયોગિક ધોરણે રાજ્યના ૧૦ જિલ્લામાં મોબાઈલ ક્રોપ ક્લિનિક માટે ર કરોડ રૃપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

બાગાયત

બાગાયત ખેતીની યોજનાઓ માટે ૪૪ર કરોડની જોગવાઈ કરવામાં આવી છે, તે મુજબ બિનઉપજાઉ સરકારી પડતર જમીનને બાગાયતી અને ઔષધિય પાકોની ખેતી માટે બાગાયત વિકાસ મિશનની જાહેરાત, પ્રથમ તબક્કામાં કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠાની પ૦ હજાર એકર ખરાબાની બિનઉપજાઉ જમીન ઉપજાઉ બનાવવા ભાડાપટ્ટે આપવામાં આવશે. જેનાથી બે લાખ ટન બાગાયતી પાકોનું ઉત્પાદન અને પ્રોસેસિંગની તકો ઊભી થશે. આ યોજના માટે ૧૦૦ કરોડ રૃપિયાની જોગવાઈ અને નર્સરીઓ અને સેન્ટર ફોર એક્સલેન્સના સદ્દઢિકરણ તેમજ અર્બન હોર્ટિકલ્ચર ડેવલોપમેન્ટ કેન્દ્રોમાં તાલીમ આપવા માટે ર કરોડની જોગવાઈ કરાઈ છે.

પશુપાલન ક્ષેત્રે ડેરી ફાર્મની સ્થાપના, બકરા એકમની સ્થાપના માટે ૮૧ કરોડ, ૧૦ ગામ દીઠ ૧ ફરતા પશુ દવાખાનાની સેવાઓ માટે ૪૩ કરોડ, ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ માટે રપ કરોડ, મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના માટે ર૦ કરોડ, પશુઓ માટે દાણ ખરીદીની સહાય માટે ર૦ કરોડ, કરૃણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૮ર માટે ૭ કરોડ, દૂધાળા ગીર-કાંકરેજ ગાયોના પશુના ફાર્મની સ્થાપના અને દૂધ અને દૂધની બનાવટોનું વેંચાણ દ્વારા સ્વરોજગારી ઊભી કરવાની યોજના માટે ૩ કરોડ રૃપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

કૃષિ સંશોધન અને શિક્ષણ-રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ

રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ હસ્તક કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવા માટે ૬૯૮ કરોડ રૃપિયાની જોગવાઈ અને કામધેનુ યુનિવર્સિટી હસ્તક સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવા માટે ૧૩૭ કરોડની જોગવાઈ કરાઈ છે.

મત્સ્યોદ્યોગ

દરિયાઈ વિસ્તારના ૧૦ હજાર માછીમારોને હાઈસ્પીડ ડીઝલ ઓઈલ પરની વેટ માફી યોજનાનો લાભ આપવા માટે ૧પ૦ કરોડની જોગવાઈ, નવાબંદર, માઢવાડ, વેરાવળ, પોરબંદર અને સુત્રાપાડા મત્સ્ય બંદરોનો વિકાસ તથા કુદરતી આફતો સામે બોટ પાર્કિંગ સુવિધાઓ, મસ્ત્ય પકડાશના સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન માટે જરૃરી માળખાકીય સુવિધાઓ માટે ૯૭ કરોડ, માછીમારોને ઓ.બી.એમ. મશીનની ખરીદી પર સહાય મો ૧પ કરોડ, ચોરવાડ અને ઉમરસાડી વિસ્તારમાં ઉતરાણ માટે ફ્લોટીંગ જેટી બનાવવા પ કરોડ, માછીમારોને જમ્બો પ્લાસ્ટિક ક્રેટ તથા મેન્યુઅલ મટિરિયલ હેન્ડલિંગ સ્ટેકર ખરીદી પર સહાય માટે ૩ કરોડ, જળાશયોમાં કેજ કલ્ચરથી મત્સ્ય ઉત્પાદનમાં વધારો કરવા સહાય માટેની યોજના હેઠળ ર કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

કૃષિ બજાર વ્યવસ્થા

ખરીદ-વેંચાણ અને સંગ્રહ વ્યવસ્થા યોજના હેઠળ ૭૮ કરોડની જોગવાઈ તથા તાલુકા અને જિલ્લાની સહકારી ખરીદ વેંચાણ સંઘોના વિવિધ પ્રોજેક્ટ માટે પ૦ ટકા કેપિટલ સહાયની યોજના હેઠળ ૬ કરોડની જોગવાઈ કરાઈ છે.

વિવિધ ક્ષેત્રો માટે માતબર જોગવાઈઓ

તે ઉપરાંત પ્રવાસન વિભાગ માટે રૃપિયા ૪૮૮ કરોડ, હેરિટેજ સ્થળ, સ્મારકો માટે રૃપિયા ૩ કરોડ, યાત્રાધામ વિકાસ માટે રૃપિયા ૧પ૪ કરોડ, બંદરો અને વાહન વ્યવહાર માટે રૃપિયા ૧૪૭૮ કરોડ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે રૃપિયા ૪૩પ૩ કરોડ, સામાજિક શ્રમિક કલ્યાણ રોજગાર વિભાગ માટે રૃપિયા ૧પ૦ર કરોડ, આરોગ્ય વિભાગ માટે રૃપિયા ૧ક્ષ,૩ર૩ કરોડ, મા યોજના હેઠળ રૃપિયા ૧૧૦૬ કરોડ, બાલસખા યોજના-૩ માટે રૃપિયા ૧૪પ કરોડ, અમદાવાદની નવી સિવિલ માટે રૃપિયા ૮૭ કરોડ, ગોધરા, મોરબી મેડિકલ હોસ્પિટલ માટે રૃપિયા પ૦ કરોડ, પીએમ માતૃવંદના યોજના હેઠળ રૃપિયા ૬૬ કરોડ, શિક્ષણ વિભાગ માટે રૃપિયા ૩ર,૭૧૯ કરોડ, ૩૪૦૦ શાળાના વિકાસ માટે રૃપિયા ૧ર૦૭ કરોડ, ૪પ લાખ બાળકોને મધ્યાહન ભોજન માટે રૃપિયા ૧૦૪૪ કરોડ, આરટીઈ હેઠળ પ્રવેશ લેનાર બાળકો માટે રૃપિયા પ૬૭ કરોડ, યુવા સ્વાવલંબન યોજનામાં સહાય માટે રૃપિયા ર૮૭ કરોડ, ૧૧ લાખ વિદ્યાર્થીને મફત એસટી પાસ માટે રૃપિયા ર૦પ કરોડ, કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ટેબ્લેટ માટે રૃપિયા ર૦૦ કરોડ, ર૦૦૦ પ્રાથમિક શાળામાં પાણી-વીજળી માટે રૃપિયા ૭ર કરોડ, ૧૯ લાખ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પુસ્તક માટે રૃપિયા ૬૦ કરોડ, હેરિટેજ સ્કૂલ નવીનિકરણ માટે રૃપિયા રપ કરોડ, કૃષિ વિભાગ માટે રૃપિયા ૭ર૩ર કરોડની જોગવાઈ, ૪ લાખ ખેડૂતોને એક ડ્રમ, પ્લાસ્ટિકના બે ટબ અપાશે. ફૂડ પ્રોસેસિંગ એકમ દીઠ રૃપિયા ૧૦ લાખ સહાયની યોજના, બીજ ઉત્પાદન સહાય માટે રૃપિયા પપ કરોડની જોગવાઈ અને એગ્રી અને ફૂડ પ્રોસેસિંગ કલસ્ટર માટે રૃપિયા પ૦ કરોડ તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે રૃપિયા ૬પર કરોડની જોગવાઈ તથા આદિજાતિ વિસ્તાર વિકાસ માટ ૧૩૪૯ કરોડની જોગવાઈ કરાઈ છે.

બજેટની સાથે-સાથે....

બજેટ રજુ કરતા પહેલા નાણામંત્રી નિતીનભાઈ પટેલ ખુશખુશાલ જણાતા હતા. નાયબ મુખ્યમંત્રીએ કેટલીક હળવી ટકોરો પણ કરી હતી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વિજયનો આનંદ ઝળકી રહ્યો હતો. વડાપ્રધાને કોરોનાની રસી લઈને લોકોને રસી મૂકવવાનો અનુરોધ પણ તેમણે કર્યો હતો.

ગૃહ શરૃ થયું ત્યારે કોંગ્રેસના નેતાઓ ઓછા જોવા મળ્યા, પણ વિપક્ષના નેતાઓ પરેશ ધાનાણી થોડા મોડેથી પહોંચ્યા હતા.

નિતીન પટેલે ચાલુ પ્રવચને ટકોર કરી કે અમે જે કાંઈ કરીએ છીએ, તે અમારા માટે નહીં, તમારા માટે નહીં પણ સમગ્ર ગુજરાતનું કામ કરીએ છીએ.

નાણામંત્રીએ વચ્ચે-વચ્ચે ટકોર કરતા વિપક્ષના સભ્યોને શાંતિ રાખવા જણાવી કેટલીક બાબતે ચેલેન્જ કરી હતી. રાજકોટમાં નવા બસ સ્ટેશન અને રાજ્ય એસટી નિગમને નવી ઈલેક્ટ્રીક બસોની જાહેરાત પણ નાણામંત્રીએ કરી હતી. નાણામંત્રીએ બજેટને લોકલક્ષી અને સર્વગ્રાહી ગણાવીને કેટલીકે મહત્ત્વની જાહેરાતો પણ કરી હતી.

જામનગર, રાજકોટ, વડોદરા અને ભાવનગરમાં મેટ્રોલાઈટ-મેટ્રોનિયો જેવી સેવાઓની જાહેરાત પણ નાણામંત્રીએ કરી હતી.

આ ઉપરાંત પચાસ હજાર એકર ખરાબાની જમીનને ફળદ્રુપ બનાવવા સંસ્કૃત શિક્ષણને પ્રોત્સાહિત કરાશે. કિશોરીઓ માટે પૂર્ણા યોજના માટે ૨૨૦ કરોડની ફાળવણી કરાવા સ્માર્ટ સિટી હેઠળ ૭૦૦ કરોડ અને માછીમારો માટે ૧૫૦ કરોડ ફાળવવા અને જળાશયો ઉંડા ઉતારવા માટે ૨૦ના બદલે ૮૦ ટકા સહાય આપવાની જાહેરાત પણ થઈ હતી.

જમીન પચાવી ખાડનારાઓના દિવસો હવે પૂરા થયા અમે ખેડૂતોની જમીન પણ બચાવશુંઃ નાણામંત્રી.

કોઈએ ભલે સામિયાણા બંધ કર્યાઃ અમે રજવાડાઓ માટે ભવ્ય સ્મારક બનાવીશુંઃ નાણામંત્રી.

વિધાનસભામાં ભવ્ય સંગ્રહાલયની જાહેરાત કરાઈ.

ધારાસભ્યોની ગ્રાન્ટ નવા વર્ષથી શરૃ થશે.

આપણે આપવાવાળા છીએ, લેવાવાળા નથીઃ નાણામંત્રી.

કોરોનાના કારણે કરકસરના મુદ્દે નાણામંત્રી અને વિપક્ષના સભ્યો વચ્ચે થોડી નોકઝોક થઈ.

જામનગરમાં મેટ્રો, દ્વારકામાં હેલીપોર્ટ, શેખપાટ જીઆઈડીસી સહિત

હાલાર માટે બજેટમાં કરાયેલી મહત્ત્વની જાહેરાતો

ગાંધીનગર તા. ૩ઃ બજેટ દરમિયાન હાલાર માટે નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નિતીનભાઈ પટેલે મહત્ત્વની જાહેરાતો પણ કરી હતી.

નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નિતીનભાઈ પટેલે બજેટ પ્રવચન દરમિયાન જાહેર કર્યું કે જામનગરમાં મીની મેટ્રો શરૃ કરાશે, આ ઉપરાંત વડોદરા, રાજકોટ, ભાવનગરમાં પણ મેટ્રો ટ્રેન શરૃ કરાશે. જેના પ્રથમ તબક્કા માટે ૫૦ કરોડ રૃપિયાની ફાળવણી કરવામાં આવી છે. સચાણામાં નવું શીપ બ્રેકીંગ યાર્ડ બનાવાશે.

દ્વારકામાં હેલીપોર્ટ વિકસાવાશે. જામનગરના શેખપાટ પાસે જીઆઈડીસી બનાવાશે. દ્વારકા સહિત પાંચ જિલ્લામાં આયુર્વેદિક ઔષધિના આયોજન માટે ૯ કરોડ રૃપિયાની જોગવાઈ કરાઈ હોવાનું પણ જાહેર કર્યું છે.

ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણમુક્ત ખેતી કરતો જિલ્લો બનાવાશે

ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણમુક્ત ખેતી કરતો જિલ્લો બનાવવા અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા પ્રથમ વર્ષે રૃા. ૧૦ હજાર અને બીજા વર્ષે ૬ હજાર રૃપિયા અપાશે. આ માટે બજેટમાં રૃા. ૩ર કરોડની જોગવાઈ કરાઈ છે.

મહત્ત્વની જાહેરાતઃ કોઈ નવા વેરા નહીં

બજેટ દરમિયાન કરાયેલી જાહેરાત મુજબ કોરોનાને લઈને કોઈ નવા કરવેરા લાદવામાં આવશે નહીં. કરવેરાના માળખામાં કોઈ ફેરફાર કરાયો નહીં હોવાનું જાણવા મળે છે.

તહેવારો પર રિફાઈન કપાસિયા તેલ  રાહતદરે ૭૧ લાખ પરિવારોનેે અપાશે

નીતિનભાઈ પટેલે ચાલુ પ્રવચને જાહેરાત કરી હતી કે દિવાળી-જન્માષ્ટમી જેવા તહેવારોમાં દીનદયાળ ઉપાધ્યાય વાજબી ભાવની દુકાનો પરથી અપાતા રિફાઈન કપાસિયા તેલનો લાભ ૩૬ લાખ બીપીએલ રાશન કાર્ડ ધારકોને રાહતદરે મળતો હતો, જે હવે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા હેઠળ અપાયેલા કાર્ડ ધારકોને પણ મળશે. જેથી હવે કુલ ૭૧ લાખ પરિવારોને આ લાભ મળશે.

close
Ank Bandh 29 March
close
PPE Kit