જામનગરમાં અંગ્રેજી શરાબની રેલમછેલ: ત્રણ દરોડામાં ત્રણ ઝબ્બે, એક ફરાર

જામનગર તા. ૨૯ઃ જામનગરના મસીતીયા રોડ પર ભાડાના મકાનમાં રહેતા એક શખ્સના કબજામાંથી શરાબની ૩૩ બોટલ પકડાઈ છે. આરોપી નાસી ગયો છે ઉપરાંત શરાબની અન્ય ૧૨ બોટલ સાથે ત્રણની ધરપકડ કરાઈ છે.

જામનગર નજીકના દરેડથી મસીતીયા તરફ જવાના રોડ પર આવેલા શિવ પાર્કમાં એક મકાનમાં અંગ્રેજી શરાબનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી પંચકોશી બી ડિવિઝન પોલીસે શનિવારે બપોરે દરોડો પાડતા મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ધાણા છાપરી ગામના વતની અને હાલમાં શિવપાર્કમાં ભાડાના મકાનમાં રહેતા મજબુતસિંહ જીતુભા સરવૈયાના કબજામાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૩૩ બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ ઝબ્બે લીધી છે જ્યારે મજબુતસિંહ દરોડા પહેલાં નાસી ગયો હોય તેની શોધખોળ શરૃ કરાઈ છે.

નગરના નવાગામ ઘેડમાં ઈન્દિરા સોસાયટીમાંથી ગઈકાલે બપોરે પસાર થતા જીજે-૧૦સીએસ-૬૩૩૦ નંબરના મોટરસાયકલને પોલીસે રોકાવી તેના ચાલક પ્રશાંત અનિલભાઈ જેઠવા અને દિવ્યેશ મહેશભાઈ ચાવડાની અંગજડતી લેતા આ શખ્સોના કબજામાંથી શરાબની નવ બોટલ નીકળી પડી હતી. પોલીસે બાઈક તથા બોટલો કબજે કરી બન્નેની ધરપકડ કરી છે.

જામનગરના ગણપતિ નગરમાં રહેતા અમરસી માધાભાઈ ધયડાના મકાનમાંથી પોલીસને શરાબની ત્રણ બોટલ સાંપડી છે. પોલીસે અમરસી સામે ગુન્હો નોંધ્યો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit