કેટલાક વેપારી સંગઠનોએ દુકાનો ચાલુ રાખીને વિરોધ દર્શાવવા જણાવતા વેપારીઓ અવઢવમાં
અમદાવાદ તા. ર૩ઃ જીએસટી સામે વિરોધના મુદ્દે તા. ર૬ ફેબ્રુઆરીના ભારત બંધનું એલાન વ્યાપારી સંગઠનોએ આપ્યું છે. પરંતુ કેટલાક સંગઠનોએ દુકાનો યથાવત ખૂલી રાખીને વિરોધ પ્રદર્શન કરવા, જણાવતા વેપારીઓ દ્વિધામાં મૂકાયા છે.
જીએસટીના અમલને ત્રણ વર્ષ કરતા વધુ સમય થઈ ગયો છે તેમ છતાં જીએસટીના પોર્ટલની ક્ષતિઓને કારણે વેપારીઓ પરેશાન થઈ રહ્યાં છે. જીએસટીનો કાયદો બદલવો, પોર્ટલ ક્ષતિ રહિત બનાવવું તથા વેપારીઓના પડતર પ્રશ્નોના નિકાલની માંગણી સાથે કન્ફેડરેશન ઓફ ઈન્ડિયા ટ્રેડર્સ (સીએઆઈટી) દ્વારા તા. ર૬મી ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ બંધના એલાનમાં દેશભરના વેપારી સંગઠનો અને વેપારીઓ જોડાયા હોવાના કન્ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા દાવા થઈ રહ્યાં છે.
ફેડરેશન ઓફ ઓફ ઈન્ડિયા વેપારી મહામંડળે જીએસટીનો વિરોધ કરવાનો પરંતુ દુકાનો કે વેપાર, ધંધા ચાલુ રાખીને તેમ જણાવ્યું છે, એટલે કે ભારત બંધમાં દુકાનો ખૂલ્લી રાખવાનો પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. તેથી સામાન્ય દુકાનદારો દ્વિધામાં છે કે, ર૬મી ફેબ્રુઆરીએ દુકાનો ખુલ્લી રાખવી કે બંધ. કન્ફેડરેશન ઓફ ઈન્ડિયા ટ્રેડર્સના પ્રમુખ મહેન્દ્ર શાહે જણાવ્યું હતું કે, જીએસટીનો અમલ શરૃ થયો ત્યારથી વેપારીઓની પરેશાની વધી છે. અત્યાર સુધીમાં જીએસટીના કાયદામાં ૯૦૦ થી વધુ ફેરફાર કરવામાં આવ્યા છે. તેમ છતાં કાયદો સરળ બન્યો નથી.
કાયદો સરળ અને વેપારીઓને તકલીફ પડે નહીં તેવો બનાવવાની માંગણી સાથે સીએઆઈટી દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ એલાનમાં દેશભરના ૮ કરોડથી વધુ નાના-મોટા વેપારીઓ અને ટ્રેડર્સ જોડાશે. બીજી તરફ ફેડરેશન ઓફ ઈન્ડિયા વેપારી મહામંડળના જયેન્દ્ર તન્નાએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે બજેટમાં ખુદ નાણામંત્રીએ જીએસટીની ક્ષતિઓ સ્વીકારી હતી અને તેને સુધારવાની વાત કરી છે, ત્યારે દુકાનો અને બજાર બંધ રાખી વેપારીઓને નુકસાન કરાવવાના બદલે દુકાનો ચાલુ રાખીને જીએસટીનો વિરોધ કરવો જોઈએ અને જીએસટીનો નવો કાયદો બનાવવામાં વેપારી સંગઠનોએ અધિકારીઓને સરકારનો સહયોગ કરવો જોઈએ.