જામનગર જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો રહેશે ખુલ્લીઃ ભીડ ન કરવીઃ કલેક્ટર

જામનગર તા. રપઃ લોકડાઉન જાહેર થયા પછી આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે, પરંતુ દુકાનો પર ભીડ નહીં કરવા અને શેરી-મહોલ્લામાં પણ એકઠા નહીં થવા કલેક્ટરે અનુરોધ કર્યો છે

આજથી સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે, ત્યારે લોકોને ગભરાટમાં નહીં, પરંતુ સતર્ક રહેવા કલેક્ટર જામનગરએ અનુરોધ કરતા કહ્યું છે કે લોકોની જીવન જરૃરિયાતની વસ્તુ જેવી કે કરિયાણાની દુકાન, શાકભાજીની દુકાન, દૂધની દુકાન અને દવાઓના સ્ટોર બધું ચાલુ રહેશે. એમાં લોકોને કોઈપણ જાતની અગવડ ન પડે તે માટે વહીવટી તંત્ર કટિબદ્ધ છે. આ માટે આવશ્યક્તા ઉત્પન્ન થશે તો તંત્ર દ્વારા ર૪ કલાક આ દુકાનો ચાલુ રાખવાની પરવાનગી આપવામાં આવશે એટલે કોઈપણ રીતે દુકાન પર ભીડ ના કરવી જે રીતે એટીએમમાં ગુપ્તતા જાળવવા માટે ઓછામાં ઓછા એક મીટરના અંતરે એકબીજાથી ઊભા રહેતા હોઈએ છીએ તેમ જ કરિયાણાની દુકાન, દવાની દુકાન પર પણ જાઓ ત્યારે એક મીટરનું અંતર રાખવા કલેક્ટરશ્રીએ અનુરોધ કર્યો હતો.

જે ર૪ કલાક દુકાનો ચાલુ રાખવાની છે તે સ્થળો પર હેન્ડ સેનીટાઈઝર અને સોડિયમ હાઈપો ક્લોરાઈડના સોલ્યુશનથી પોતાની દુકાનને, ડેશબોર્ડને કે જે જગ્યાઓ પર લોકો હાથ અડાડતા હોય તે જગ્યાઓ પર સેનીટાઈઝેશનથી વ્યવસ્થા રાખે. સાથે સાથે લોકોને પણ અપીલ કરી હતી કે જ્યારે પણ બહાર જાઓ અને જ્યારે પણ લિફ્ટ કે ગેટ કે અડકો છો તો શક્ય છે કે તે બીજા લોકોએ પણ અડક્યા હોય તેથી વારંવાર સમાહર્તાએ વિનંતી કરી હતી કે શક્ય હોય ત્યાં લોકો રોકડા રૃપિયાથી વ્યવહાર કરવાનું ટાળો અને ક્રેડિટ કાર્ડ/ડેબિટ કાર્ડ, ભીમ એપ કે અન્ય ડિજિટલ પે પ્લેટફોર્મનો ઉપયોગ કરો.

જામનગરમાં લોકો શેરીના નાકે આવીને બેસવા માટે ટેવાયેલા છે, લોકો આવે અને રોડની બાજુમાં ચાર-પાંચ લોકો એકઠા થઈ બેસતા જોવા મળે છે, જે જોખમી છે અને ઘણાં લોકો નાના બાળકોને પણ સાથે લઈને બેઠા જોવા મળેલ છે જે અતિ જોખમી છે. આ પ્રકારની સામાજિક બેઠકો ટાળી તંત્રને સહકાર આપો. ઘણાં જાહેર પ્લોટ કે સોસાયટીના કોમન પ્લોટમાં પણ બહુ લોકો  એકઠા થાય છે. લોકો ઘણાં મિટિંગ પણ યોજે છે જે હાલના સમયમાં ખૂબ જોખમી છે. લોકડાઉનનો અર્થ લોકોએ ઘરમાં જ રહેવું અને બહાર આવીને બીજા કોઈપણ સાથે કોઈપણ પ્રકારના સ્પર્શ કે શેરિંગથી દૂર રહેવાનું છે. બાળકો અને જે ૬૦ વર્ષથી ઉપરના નાગરિકોના આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું શક્ય હોય ત્યાં સુધી બિલકુલ ગરમ ભોજન જ કરો અને વાહનોમાં પણ બિનજરૃરી શહેરમાં નીકળવું નહીં અન્યથા તંત્ર દ્વારા હજુ વધારે કડકાઈથી કાયદાનું અમલીકરણ કરાવવામાં આવશે. જે લોકો માટે પણ યોગ્ય નથી અને અમારા માટે પણ યોગ્ય નથી. કારણ કે હાલ તંત્ર દ્વારા કોરોનાની બીમારીને ફેલાતી અટકાવવાની કામગીરી પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અત્યારે લગભગ ૭૦૦ થી ૮૦૦ લોકો હોમ કોરન્ટાઈન છે જેમને પૂરતી સારવાર મળે અને તેઓ અન્ય લોકોના સંપર્કમાં ન આવે તે માટેના ભગીરથ પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે, ત્યારે લોકોનો સહયોગ અને સહકાર સૌથી અગત્યનો છે. એટલે કૃપા કરીને જે કાયદો લાગુ કરવામાં આવેલ છે એ કાયદાના સંપૂર્ણ રીતે માનસિક રીતે અને શારીરિક રીતે પાલન કરી લોકો એમાં સહયોગ આપે તેમ ઉમેર્યું હતું. કલેક્ટરએ લોકોને ઘરમાં જ રહેવા ભારપૂર્વક અનુરોધ કર્યો છે.

close
Nobat Subscription