સિવિલ કોર્ટમાં વર્ષોથી પેન્ડીંગ કેસનો ગુજરાત લેન્ડ ગ્રેબીંગ ઓર્ડીનન્સ હેઠળ નિકાલ કરવા માંગ

જામનગર તા. ૧૭ઃ જામનગરમાં નગરસીમ વિસ્તારમાં જી.એસ.એફ.સી. કંપનીની જગ્યા આવેલી છે. કંપનીની જગ્યાની બાજુમાં જ આવેલ અન્ય આસામીની જગ્યા પર કંપનીએ કથિત દબાણ કર્યા અંગેનો કેસ કોર્ટમાં પેન્ડીંગ છે. આ કેસના ગુજરાત લેન્ડ ગ્રેબીંગ  ઓર્ડિનન્સ ર૦ર૦ હેઠળ સ્પેશ્યલ કોર્ટમાં નિકાલ કરવા ફરિયાદી દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.

જામનગરના નગરસીમ વિસ્તારમાં ભરતભાઈ મગનલાલ શાહ, ભાનુબેન સ્નેહકાન્ત શાહ, દિપેનભાઈ સ્નેહકાન્ત શાહ, દર્શીત સ્નેહકાન્ત શાહની સર્વે નં. ૧૪૧૦/૧ તથા ૧૪૧૦/પ હેઠળ જમીન આવેલ છે. આ જમીનની બાજુમાં જ ગુજરાત સ્ટેટ ફર્ટીલાઈઝર કંપની (જી.એસ.એફ.સી.) ની સર્વે નં. ૧૪૧૦/૪ હેઠળ જમીન આવેલી છે. સરકાર દ્વારા તા. રપ-૪-૧૯૮૭ ના દિને જી.એસ.એફ.સી.ને સ્ટાફના ક્વાર્ટર બનાવવાના હેતુથી જગ્યા ફાળવવામાં આવી હતી, પરંતુ કંપનીએ આ જગ્યામાં કોઈ ક્વાટર બનાવ્યા નથી તથા અન્ય આસામીઓની જમીન પર દબાણ કર્યા અંગેના આક્ષેપો થયા છે.

કંપનીએ અન્ય આસામીઓની જમીન પર દબાણ કરી ફેન્સીંગ કરી હોવા અંગે ભરતભાઈ શાહ સહિતના પીડિતોએ પોલીસ ફરિયાદ પણ કરી હતી. ડી.ઈ.એલ.આર.ના નક્શા મુજબ પણ જી.એસ.એફ.સી.એ દબાણ કર્યું હોવાના આધારો સાથે ફરિયાદીઓએ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતાં. ત્યારપછી ૧૧ વર્ષ વીતી ગયા છતાં આ કેસનો નિકાલ આવ્યો નથી.

દરમિયાન ગુજરાત લેન્ડ ગ્રેબીંગ ઓર્ડીનન્સ ર૦ર૦ અમલમાં આવતા ફરિયાદી દ્વારા તેમના કેસનો ઉપરોક્ત ઓર્ડીનન્સ હેઠળ અરજી લઈ નિકાલ કરવા ૧૬-૯-ર૦ર૦ ના મામલતદારને અરજી કરી હતી. આ અરજીના જવાબમાં અરજદારોનો રે.દિ.મુ. ૬૩/ર૦૦૯ થી જામનગર સિવિલ કોર્ટમાં દાખલ થયેલ કેસ પેન્ડીંગ હોવાથી દાવાનો નિર્ણય ન આવે ત્યાં સુધી ગુજરાત લેન્ડ ગ્રેબીંગ ઓર્ડીનન્સ હેઠળ કોઈ કાર્યવાહી ન થઈ શકે તેમ જણાવતો પત્ર રર-૯-ર૦ર૦ ના અરજદારને પાઠવવામાં આવ્યો હતો. ત્યાપછી અરજદારોએ સિવિલ કોર્ટમાં ૧૧ વર્ષથી પેન્ડીંગ કેસનો કોઈ નિકાલ ન આવતા ગુજરાત લેન્ડ ગ્રેબીંગ ઓર્ડીનન્સ ર૦ર૦ હેઠળ તેમની અરજી સ્વીકારી સ્પેશ્યલ કોર્ટમાં કેસ દાખલ કરવા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.

close
Ank Bandh
close
PPE Kit