રમતા રમતા ટાંકામાં પડી જતા દોઢ વર્ષના બાળકનુ મોત : પરિવાર પર વજ્રઘાત

જામનગર તા. ૧૭ઃ કાલાવડ તાલુકાના નાની વાવડીમાં રહેતા એક આદિવાસી પરિવારનો દોઢ વર્ષનો પુત્ર પાણી ભરેલા ટાંકામાં પડી જતા આ બાળકનું વધુ પડતું પાણી પી જવાથી મૃત્યુ નિપજ્યું છે.

કાલાવડ તાલુકાના નાની વાવડી ગામના પાટીયા પાસે આવેલી રાધેક્રિષ્ના જીનીંગ મીલ નજીક રહેતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ઉમરખડ ગામના વતની સુરેશભાઈ દામજીભાઈ કનેશ નામના આદિવાસી યુવાન પોતાના પત્ની તથા દોઢ વર્ષના પુત્ર રસીક સાથે વતનમાંથી આવી મજુરીકામ કરી પેટીયુ રળતા હતાં. તે દરમ્યાન ગઈકાલે સાંજે સુરેશભાઈ તથા તેમના ૫ત્ની કામ પર હતાં ત્યારે તેમનો પુત્ર રસીક ખુલ્લામાં રમતો હતો. દોઢ વર્ષનો આ બાળક રમતા રમતા નજીકમાં આવેલા પાણીના ટાંકા પાસે પહોંચ્યા પછી તેમાં પડી જતા બૂમાબુમ થઈ હતી. આ બાળકને બહાર કાઢવા માટે પ્રયત્ન શરૃ કરવામાં આવ્યા હતાં પરંતુ જ્યારે તેને બહાર કાઢવામાં આવ્યો તે પહેલાં આ બાળક વધુ પડતું પાણી પી જતા મોતને શરણ થયો હતો. પોલીસને જાણ કરાતા કાલાવડના જમાદાર વી.વી. છૈયાએ સુરેશ દામજીભાઈનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

close
Nobat Subscription