જામનગર જિલ્લાને ૧૪ હજાર અને દ્વારકા જિલ્લાને ૪પ૦૦ ડોઝ

કોરોના વેક્સિન કોવિશિલ્ડના ૭૭ હજાર ડોઝ પહોંચ્યા રાજકોટઃ

જામનગર તા. ૧૩ઃ આખરે કોરોના સામે રક્ષણ આપતી વેક્સિન આજે રાજકોટ સુધી આવી પહોંચી છે. તેમાંથી હાલારને ૧૮,પ૦૦ ડોઝ ફાળવવામાં આવ્યા છે. જે સંભવતઃ આજે અથવા આવતીકાલે આવી પહોંચશે.

કોરોનાની મહામારીમાં માનવજાતે ઘણું ગુમાવ્યું છે, પરંતુ કોરોનાને હરાવીને કે જાકારો આપવાના તેનો જુસ્સો, હિંમત અને ધીરજ ગુમાવ્યા વગર કરેલા નિરંતર પ્રયત્નો થકી ભારતને કોરોના સામે અમોધ શસ્ત્ર સમાન વેક્સિન મળી છે તે ગર્વની વાત છે. સમગ્ર દુનિયાની જેના પર નજર હતી તેવી કોરોના વેક્સિનેશન ઝુંબેશ વિશાળ જનસમુદાય ધરાવતા ભારત દેશમાં તા. ૧૬-૧-ર૦ર૧ ના શરૃ થનાર છે. જેના ભાગરૃપે આજરોજ રાજકોટ એરપોર્ટ પર રાજકોટ રિજિયન માટે કુલ ૭૭,૦૦૦ ડોઝનો જથ્થો આવી પહોંચ્યો હતો જેનું કૃષિ મંત્રી આર.સી. ફળદુએ શ્રીફળ વધેરીને સ્વાગત કર્યું હતું. આ તકે સાંસદ મોહનભાઈ કુંડારિયાની ઉપસ્થિતિ રહી હતી.

આ પ્રસંગે કૃષિમંત્રી આર.સી. ફળદુએ જણાવ્યું હતું કે, સિરમ ઈન્સ્ટિયુટ ઓફ ઈન્ડિયા દ્વારા આ રસીની શોધ થઈ છે. દેશના પ્રધાનમંત્રીની ઉત્કૃષ્ટ ભાવના હતી કે દેશમાં જ કોરોનાની રસીનું સંશોધન થાય અને દેશવાસીઓ સંકટમાંથી બહાર આવે. દસ મહિનાના અંતે હિન્દુસ્તાનની ધરતી પર આ રસીની શોધ થઈ છે. જે ગર્વની બાબત છે. આ રસીના ઉપયોગ વડે રસીકરણથી દેશવાસીઓને કોરોના સામે સુરક્ષા કવચ આપી શકાશે.

આજે રાજકોટમાં આ રસીનો પહેલો જથ્થો આવી પહોંચ્યો છે. જેને કારણે રાજકોટ અને આસપાસના વિસ્તારોના લોકોમાં હર્ષ સાથે રાહતની લાગણી અનુભવી રહ્યા છે. દરેક લોકોને તબક્કાવાર વેક્સિનેશનનો લાભ મળે તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીના માર્ગદર્શનમાં સઘન અને સુચારૃ આયોજન કરાયું છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, કોવિડ વેક્સિન કોવિશિલ્ડના સિરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવી છે. આ વેક્સિનનું તાપમાન ૨ થી લઈને ૮ સે. જેટલું જાળવી રાખવામાં આવે છે. રાજકોટ રિજિનમાં આવી પહોંચેલા કુલ ૭૭,૦૦૦ ડોઝ પૈકી રાજકોટ જિલ્લા પંચાયતને કુલ ૯,૦૦૦ ડોઝ, રાજકોટ મહાનગરપાલિકાને કુલ ૧૬,પ૦૦ ડોઝ, જામનગર જિલ્લા પંચાયતને કુલ પ,૦૦૦ ડોઝ, જામનગર મહાનગરપાલિકાને કુલ ૯,૦૦૦ ડોઝ, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતને કુલ ૪,પ૦૦ ડોઝ, પોરબંદર જિલ્લા પંચાયતને કુલ ૪,૦૦૦ ડોઝ, મોરબી જિલ્લા પંચાયતને કુલ પ,૦૦૦ ડોઝ, કચ્છ જિલ્લા પંચાયતને ૧૬,૦૦૦ ડોઝની ફાળવણી કરવામાં આવશે. ઉપરોક્ત જિલ્લા અને મહાનગરપાલિકાના વેક્સિન સ્ટોર તેમજ કોલ્ડ ચેઈન પોઈન્ટ સુધી પહોંચાડવા માટે ખાસ વાન દ્વારા વેક્સિન સપ્લાય કરવા માટેનું આયોજન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

વેક્સિનેશનના પ્રથમ તબક્કામાં કોરોના સામે બાથ ભીડનાર અગ્રીમ હરોળના કોરોના વોરિયર્સ એવા આરોગ્ય કર્મીઓને વેક્સિન આપવામાં આવશે. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ સ્થળોએ તથા જામનગર ગ્રામ્ય વિસ્તારમાં ૩ સ્થળોએ વેક્સિન આપવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જેમાં જામનગર મહાનગરપાલિકા તેમજ જિલ્લા પંચાયતના કુલ પ૬ સ્ટોરેજ કેન્દ્રો સુનિશ્ચિત કરાયા છે. તમામ કેન્દ્રો પર ફ્રિઝરના ટેમ્પરેચર અને તમામ વેક્સિનના સ્ટોકનું મોનિટરીંગ ઈવીઆઈએન સોફ્ટવેર મારફત ઓનલાઈન જોઈ શકાય છે. વેક્સિન ટ્રાન્સપોર્ટેશન માટે જિલ્લા કક્ષાએ અને મહાનગરપાલિકા પાસે પણ વેક્સિન વાન ઉપલબ્ધ છે.

close
Ank Bandh 26 January
close
PPE Kit