| | |

જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીનો આજે સ્થાપના દિવસ

જામનગર તા. રરઃ આઝાદી પહેલાં વર્ષ ૧૯૩૩ માં ભારતના પશ્ચિમ ક્ષેત્રમાં નવાનગર શહેરના રાજવી જામસાહેબની દિગ્વિજયસિંહજીએ નવાનગર ચેમ્બર ઓફ કોમર્સની સ્થાપના કરી હતી. જેના પ્રથમ પ્રમુખ તરીકે દેશ-વિદેશમાં સુવિખ્યાત વેપારી અલીભાઈ અબાભાઈ ઝવેરીની વરણી કરવામાં આવી હતી.

નવાનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની સ્થાપના પછી જામનગરના અગ્રણી વેપારીઓ, ઉદ્યોગપતિઓ પ્રમુખપદે રહ્યાં અને ઉત્તરોત્તર આ સંસ્થાની પ્રગતિ થતી રહી છે.

જામનગર-જિલ્લાના વેપાર-ઉદ્યોગને સ્પર્શતા પ્રશ્નો અંગે ચેમ્બરે સતત કાર્યરત રહી જામનગરના વેપાર-ઉદ્યોગના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. વેપારીઓ - ઉદ્યોગકારો માટે આ સંસ્થા હંમેશાં ચિંતિત રહીને સ્થાનીક, રાજય તથા કેન્દ્ર સ્તરે સંપર્કમાં રહીને રજૂઆતો - સૂચનો કરીને સમસ્યાઓનું નિરાકરણ કરવામાં સફળ રહી છે. એટલું જ નહીં ચેમ્બરે કુદરતી આપત્તિના સમયે જામનગર શહેર જિલ્લામાં સેવાકાર્યો કરીને સામાજિક સેવાભાવી સંસ્થાની પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત કરી છે.

ગ્રેઈન માર્કેટમાં ચેમ્બરનું કાર્યાલય અને મિટિંગ હોલ વરસોથી કાર્યરત હતાં. દસેક વર્ષ પહેલાં રિલાયન્સ ગ્રુપ પ્રેસિડેન્ટ પરિમલભાઈ નથવાણીના સહકારથી ગુલાબનગર રોડ પર અદ્યત્તન સુવિધાઓ સાથેના ધીરૃભાઈ અંબાણી વાણિજય ભવનના નામે હાલ જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી કાર્યરત છે.

હાલ આ સંસ્થામાં ૧૩૦૦ સભ્યો છે અને વેપાર-ઉદ્યોગ સાથે સંકળાયેલ ર૮ સંસ્થાઓ પણ ચેમ્બર સાથે સંલગ્નતા ધરાવે છે.

ચેમ્બરની આ અવિરત સફળ યાત્રામાં સહયોગ આપનારા તમામ ક્ષેત્રના નામી-અનામી સૌ પ્રત્યે ચેમ્બર પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજાએ આભારની લાગણી વ્યક્ત કરી તમામ સભ્યો અને સંલગ્ન સંસ્થાઓને ચેમ્બરના સ્થાના દિનની શુભેચ્છા પાઠવી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit