શાપર પાસેથી બેભાન હાલતમાં મળેલા અજાણ્યા યુવાનનું સારવારમાં મૃત્યુ

જામનગર તા. ૧૭ઃ જામનગર-ખંભાળીયા ધોરીમાર્ગ પર શાપર ગામના પાટીયા પાસેથી એક અજાણ્યા યુવાન બેભાન હાલતમાં મળ્યા પછી સારવારમાં મૃત્યુ પામ્યા છે. પોલીસે તેઓની ઓળખ મેળવવા તપાસ શરૃ કરી છે ઉપરાંત જામજોધપુરના માંડાસણ ગામમાંથી પાંસઠેક વર્ષની વયના અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ સાંપડ્યો છે.

જામનગર-ખંભાળીયા ધોરીમાર્ગ પર આવેલા શાપર પાટીયા પાસેથી ગયા શુક્રવારે રાત્રે અજાણ્યા લાગતા ચાલીસેક વર્ષની વયના અજાણ્યા યુવાન બેભાન હાલતમાં જોવા મળતા નરેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાએ પોલીસને જાણ કરી તેઓને ૧૦૮માં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. આ યુવાનનું શનિવારે બપોરે મૃત્યુ નિપજ્યું છે.

મૃતદેહને પોલીસે પીએમમાં ખસેડી તેની ઓળખ મેળવવા તપાસ શરૃ કરી છે. આ યુવાન પાતળો બાંધો, શ્યામવર્ણ ધરાવતા હતાં. તેઓના શરીર પર સફેદ અને દુધિયા ચોકડીવાળો શર્ટ અને જીન્સ પેન્ટ ધારણ કરેલું હતું. ડાબા હાથના કાંડામાં કાળા તથા લીલા રંગનો દોરો બાંધેલો છે. ભિક્ષુક જેવા લાગતા આ યુવાનના મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં ખસેડ્યો છે. મૃતકની કોઈને જાણકારી હોય તો તેઓએ સિક્કા પોલીસના ફોન ૦૨૮૮ ૨૩૪૪૨૪૯ અથવા મો. ૮૨૦૦૩ ૦૨૮૯૮નો સંપર્ક કરવો. જામજોધપુર તાલુકાના ધ્રાફા નજીકના માંડાસણ ગામની સીમમાંથી શનિવારે બપોરે એક અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને માંડાસણના કેતનભાઈ છગનભાઈ પટેલે નીહાળ્યા પછી પોલીસને જાણ કરતા શેઠવડાળા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમમાં ખસેડ્યો છે. આ વૃદ્ધ અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ શેઠવડાળા પોલીસ સ્ટેશનના ફોન ૦૨૮૯૮ ૨૨૦૦૬૯ અથવા મો. ૯૭૧૨૪ ૭૬૨૭૭નો સંપર્ક કરવો.

close
Nobat Subscription