હાલારના પીરોટન-અજાડ સહિત રાજ્યના ૧૩ ટાપુઓનો થશે વિકાસ

જામનગર તા. ૧રઃ અડધા લાખ હેક્ટરથી વધુ વિસ્તાર ધરાવતા રાજ્યના ટાપુઓને પ્રવાસન ધામ તરીકે વિક્સાવવાનો નિર્ણય સરકારે લીધો છે. હાલારના પીરોટન અને અજાડ ટાપુનો પણ તેમાં સમાવેશ થાય છે. આમ હાલારમાં પ્રવાસન સ્થળમાં વધારો થશે અને લોકોને હરવા ફરવાલાયક વધુ એક નજરાણું ઉપલબ્ધ થશે.

ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૃપાણીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં આઈલેન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટીની દ્વિતીય બેઠક મળી હતી જેમાં રાજ્યના અનેક ટાપુઓના વિકાસ માટે ચર્ચા કરવામાં આવી હતી.

આ ટાપુઓમાં જામનગરના પીરોટન ઉપરાંત અન્ય ટાપુઓમાં ગળુભાર, ગાંધીયાકડો, પાર્નરો, રોજી, અજાડ (દેવભૂમિ દ્વારકા જિલ્લો), ભાઈદર, શિયાળ, નોરા પીરમ, વાલવોડ અને અલિયા બેટ તથા કેડિયા બેટનો સમાવેશ થાય છે. આ તમામ ટાપુઓનો ડ્રોન ટેકનોલોજી દ્વારા મરીન પોલીસ અને કોસ્ટગાર્ડની સહાયથી સર્વે હાથ ધરવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્ય ૧૬૦૦ કિ.મી.નો દરિયા કાંઠો ધરાવે છે અને ૧૪૪ થી વધુ બેટ ધરાવે છે. આ તમામ ૧૩ ટાપુની વિશેષતા તથા ભરતી વેળાએ સ્થિતિ વિષયક બાબત વિસ્તૃત ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી.

જામનગરના પીરોટન ટાપુની ખાસ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પીરોટન ટાપુ નજીકના બેડીબંદરથી ત્યાં પહોંચી શકાય છે. આ ટાપુ ઉપર લીમડો, કાથી આંબળા, બાવળ જેવા વૃક્ષો, ચેરના વૃક્ષો પરવાળા, લાઈટ હાઉસ, દિવાદાંડી વગેરેના કારણે પીરોટન ટાપુના વિકાસની પૂરી શક્યતા છે.

આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મહેસુલ મંત્રી કૌશિક પટેલ, મુખ્ય સચિવ ડો. જે.એન. સિંહ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit