નવી દિલ્હી તા. ર૬ઃ આજે પ્રજાસત્તાક પર્વે જ ખેડૂતોએ મોદી સરકાર વિરોધી ટ્રેક્ટર રેલીનું એલાન કર્યું હતું અને ખેડૂતો તથા પોલીસતંત્ર વચ્ચે કેટલાક રૃટ નક્કી કર્યા હતાં, પરંતુ કેટલાક ખેડૂત સંગઠનો પોલીસની મંજુરી મળી નથી, તેવા રૃટ પર પણ રેલી કાઢવાની યોજના બનાવી રહ્યા હોવાના સંકેતો મળતા પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી હતી. ઉત્તરપ્રદેશમાંથી દિલ્હી જવા માટે ખેડૂતોએ બેરિકેટીંગ તોડી નાંખી હતી, તો કેટલાક રાજ્યોમાં ખેડૂતોને અટકાવવામાં આવતા સંઘર્ષની સ્થિતિ ઊઘી થઈ છે. બીજી તરફ ખેડૂત સંગઠનો દ્વારા બજેટના દિવસે સંસદ ભવન સુધી પદયાત્રા (માર્ચ) કાઢવાનું એલાન કર્યું હોવાના પણ અહેવાલો વહેતા થયા છે. આગામી નાણાકીય બજેટ જ્યારે રજૂ થઈ રહ્યું હશે, ત્યારે પણ ખેડૂતોના આંદોલનની જાહેરાતના અહેવાલોએ નવી ચર્ચા જગાવી છે.