૧૦ જૂનઃ વિશ્વ દૃષ્ટિદાન દિવસ

ગુજરાતમાં રકતદાન અને ચક્ષુદાન ઉપરાંત દેહદાનની પ્રવૃત્તિ વિસ્તરી રહી છે. માનવીના મૃત્યુ પછી તેના અંગોથી અન્ય લોકોની જિંદગી બચાવવા અને સાયન્સના સ્ટડી માટે દેહદાન એ ઉમદા કાર્ય છે. તેવી જ રીતે મૃત્યુ પછી પણ આંખોનું દાન કરીને કોઈ દૃષ્ટિહીન વ્યક્તિને દૃષ્ટિ આપી શકાય છે, જેથી તેના જીવનમાં પ્રકાશ આવે છે, અને મૃતકની આંખો તેમના દેહાંત પછી પણ અન્ય વ્યક્તિના શરીરમાં જીવંત રહે છે. રકતદાન જીવિત વ્યક્તિ દ્વારા અન્ય વ્યક્તિનો જીવ બચાવવા કે તેમને નવજીવન આપવા માટેની શ્રેષ્ઠ પ્રવૃત્તિ છે. જીવતા જીવતા રકતદાન... મૃત્યુ પછી ચક્ષુદાન અને દેહદાનને શ્રેષ્ઠ માની શકાય. આ પ્રકારની પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવા વિશેષ કાર્યક્રમો યોજાતા હોય છે.

પ્રતિવર્ષ તા. ૧૦ મી જૂને વિશ્વ દૃષ્ટિદાન દિવસ મનાવાય છે. આ દિવસે દૃષ્ટિનું મહત્ત્વ, આંખોની સારસંભાળ અને દૃષ્ટિહીનોને દૃષ્ટિ આપીને તેમના જીવનમાં પ્રકાશ પાથરવા માટે નેત્રદાન અથવા ચક્ષુદાનની પ્રવૃત્તિને વેગ આપવા વિવિધ પ્રચારાત્મક, પ્રાદર્શિનક અને એકેડેમિક પ્રોગ્રામો યોજાતા હોય છે.

વિશ્વ દૃષ્ટિદાન દિવસ ઉજવવાનો મુખ્ય ઉદેશ્ય ચક્ષુદાનની પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવાનો અને આ શ્રેષ્ઠદાન માટે લોકોમાં જાગૃતિ વધારવાનો છે. આ ઝુંબેશ હેઠળ લોકોને તેમના મૃત્યુ પછી આંખોનું દાન કરવાનો સંકલ્પપત્ર અથવા શપથપત્ર ભરાવવાનો અભિગમ પણ રાખવામાં આવે છે.

વિકાસશીલ દેશોમાં અંધાપાની સમસ્યા એક મોટો અવરોધ છે, જે માનવીને પરાવલંબી અને પાંગળો બનાવી દે છે જો કે, હવે દૃષ્ટિહીનો પણ વાંચી, લખી શકે છે, એટલું જ નહીં, ઉચ્ચ અભ્યાસ કરીને મોટા હોદ્દાઓ તથા ઉચ્ચ કારકિર્દી પણ હાંસ કરી શકે છે. જો કે, તેમને આ માટે પ્રચંડ પુરૃષાર્થ કરવો પડે છે અને તેઓ આ દુનિયાને જોઈ શકતા નથી. માત્ર અનુભવી જ શકે છે. આવા લોકોને ચક્ષુદાનના માધ્યમથી નવી દૃષ્ટિ મળી જતી હોય છે. તાજેતરમાં માયકર માયકોસિસ, બ્લેક,વ્હાઈટ, યેલો ફંગસ જેવી બીમારીઓના કારણે લોકોને આંખ ગુમાવવી પડી રહી છે. તેવી જ રીતે ઘણાં લોકોને જન્મથી જ અંધાપો મળ્યો હોય છે, તો ઘણાં લોકોને જીવન દરમિયાન કોઈ બીમારી, અકસ્માત કે અન્ય કારણોસર આંખો ગુમાવવી પડતી હોય છે. ઘણાં લોકોને સંપૂર્ણ દૃષ્ટિહીનતા હોતી નથી, પરંતુ થોડી ઘણી જ દૃષ્ટિ હોવાથી પૂરેપૂરુ નિહાળી શકતા હોતા નથી.

વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ કોર્નિયાની બીમારીઓ, આંખોની પ્રથમ સપાટીની ખામીઓ, કીકીની તકલીફો, મોતિયાબિંદ, ગ્લુકોમાના કારણે દૃષ્ટિને થતું નુકસાન અને અંધાપો દૃષ્ટિહીનતાના મુખ્ય કારણો છે. જયરે ઘણાં વ્યક્તિઓને વારસાગત આંખોની બીમારીઓ થતી હોય છે, તો કેટલાક બાળકો અંધાપા સાથે જ જન્મ લેતા હોય છે.

આંખોની દેખભાળ રાખવી અને દૃષ્ટિહીનતાથી બચવા માટેની કેટલીક ગાઈડલાઈન્સ પણ અપાતી હોય છે. સંતુલિત આહાર, લીલા શાકભાજી, પાંદડાવાળી ભાજી, ફળો, ગાજર, ઈંડા વગેરેનું સેવન, ધૂમ્રપાનનો ત્યાગ, તમાકૂના સેવનથી બચવું, સૂર્યની પ્રચંડ રોશનીની વિપરીત અસરોથી બચવા ઠંડા ચશ્મા પહેરવા, નંબરવાળા ચશ્મા હોય તો તેનો પૂરેપૂરો ઉપયોગ કરવો. કોમ્પ્યુટર, લેપટોપ કે મોબાઈલનો વધુ ઉપયોગ કરનારાઓએ વચ્ચે વચ્ચે બ્રેક લેવો અને આંખો વારંવાર પટપટાવી, એન્ટી ગ્લેયર ચશ્માનો ઉપયોગ, ઓછા પ્રકાશમાં વાંચન ન કરવું, એન્ટીગ્લેયર સ્ક્રીનવાળા સાધનોનો ઉપયોગ વધારવો અને ઝળહળતી લાઈટ કે વીજળીનો વધુ પડતો પ્રકાશથી કોમ્પ્યુટર વગેરેને દૂર રાખવા તેમજ કોન્ટેકટ લેન્સ પહેરીને  તરવા, સુવા કે લાંબો સમય સુધી આ લેન્સ પહેરી રાખવાથી બચવા સામાન્ય રીતે સલાહ આપતી હોય છે. વિવિધ માધ્યમોથી મળતી આ પ્રકાશની કેટલીક એવી સલાહો અને સૂચનોનો પ્રયોગ પણ આંખોના નિષ્ણાંતો કે તબીબના માર્ગદર્શન પછી જ કરવાનો આગ્રહ રાખવો જોઈએ, જેથી આપણને સ્વયં હિચકિચાટ થતો હોય, તે ઉપરાંત આંખોની નિયમિત તબીબી તપાસ પણ કરાવતા રહેવું જોઈએ.

ચક્ષુદાન અથવા નેત્રદાન કરનારા પરિવારોને ધન્યવાદ આપવા જોઈએ, પરંતુ આંકડાઓની દૃષ્ટિએ ભારતમાં હજુ વધુ જનજાગૃતિની જરૃર જણાય છે, દર વર્ષે દેશમાં લાખો લોકોના નિદાન થાય છે પરંતુ વાસ્તવિક ચક્ષુદાન કરનારાઓને આંકડો એક લાખ સુધી પણ પહોંચી રહ્યો નથી. જો કે ચક્ષુદાનને પ્રોત્સાહિત કરવા સિસ્ટમ અને રિસ્પોન્સ મિકેનિઝમમાં પણ સુધારા-વધારા કરવાની જરૃર આ ક્ષેત્રે કાર્યરત સેવાભાવી સંસ્થાઓ તથા જાગૃત નાગરિકો તરફથી જણાવાતી રહે છે. ગત વર્ષે અને આ વર્ષે કોરોનાના કારણે વિશ્વ દૃષ્ટિદાન દિવસની ઉજવણીની પદ્ધતિ થોડી બદલી ગઈ છે.

એક અંદાજ મુજબ દેશમાં અત્યારે પણ ૨૫ લાખથી વધુ લોકો સંપૂર્ણ અંધાપો ભોગવી રહ્યા છે. પહેલી વખત આંતરરાષ્ટ્રીય દૃષ્ટિ દિવસ વર્ષ-૨૦૦૦ માં આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા ઉજવાયો હતો. તેમણે દર વર્ષે ૧૦ મી જૂને આંતરરાષ્ટ્રીય દૃષ્ટિ દિવસ ઉજવાતો રહ્યો છે.

વિનોદ કોટેચાઅન્ય સમાચારો

close
Ank Bandh 29 March
close
PPE Kit