સંક્રમણ અને મૃત્યુ દર-બન્નેમાં ઘટાડોઃ
જામનગર તા. ર૩ઃ જામનગરમાં કોરોના મૃત્યુદર અને નવા સંક્રમિત દરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા ર૪ કલાકમાં જામનગરની કોવિડ હોસ્પિટલમાં એક દર્દીના મૃત્યુ થયું છે, જ્યારે નવા નવ કેસ નોંધાયા છે.
દસેક મહિના સુધી જામનગર જિલ્લામાં લોકોને હેરાન-પરેશાન કરી મૂકનાર કોરોના આખરે કૂણો પડ્યો છે. છેલ્લા ર૪ કલાકમાં જામનગરની કોવિડ હોસ્પિટલમાં એક દર્દીનું મૃત્યુ થયું છે, જ્યારે નવા નવ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં જામનગર શહેર વિસ્તારના આઠ અને ગ્રામ્ય વિસ્તારના એક કેસનો સમાવેશ થાય છે.
જ્યારે કુલ ૧૬ દર્દીઓ ગઈકાલે કોરોના મુક્ત બન્યા હતાં. એટલે કે તેમને રજા આપવામાં આવી હતી. જેમાં મહાનગરપાલિકા વિસ્તારના ૧૧ અને ગ્રામ્ય વિસ્તારના પાંચ કેસનો સમાવેશ થાય છે. ગઈકાલ સુધીમાં શહેરી વિસ્તારમાં ૭૬૮૭ અને ગ્રામ્ય વિસ્તારના રર૯પ મળી કુલ ૯૯૮ર કેસ પોઝિટિવ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે ર૪ કલાકમાં વધુ એક દર્દીનું મૃતયુ થયું હોવાથી કોવિડ-નોકોવિડ મળી કુલ ૧૦૦૯ દર્દીના મૃત્યુ થઈ ચૂક્યા છે. ગઈકાલ સુધીમાં જામનગર શહેર જિલ્લાના ૧,૯૭,પ૦૧ અને ગ્રામ્ય વિસ્તારના ૧,૬૦,પ૦ર મળી કુલ ૩,પ૮,૦૦૩ લોકોના કોરોનાલક્ષી પરીક્ષણ કરવામાં આવ્યા છે.