જામનગર તા. ૬ઃ જામનગરની અદાલતોમાં ૨૧ એપ્રિલ સુધી અર્જન્ટ કેસ સિવાયની કામગીરી સ્થગિત રખાઈ છે. જામનગર બાર એસોસિએશનના પાંચથી વધુ એડવોકેટ કોરોનાગ્રસ્ત બની ગયા પછી નિર્ણય લેવાયો છે.
જામનગરની અદાલતમાં આગામી ૨૧ એપ્રિલ સુધી માત્ર અર્જન્ટ કેસોની સુનાવણી સિવાયની તમામ કામગીરી સ્થગિત કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાનું સંક્રમણ વધી જતાં બાર એસોસિએશનના પાંચથી વધુ એડવોકેટ કોરોનાગ્રસ્ત બની ગયા હોવાથી જામનગર બાર એસોસિએશન લેબર લોઝ પ્રેકિટસનર્સ એસોસિએશન દ્વારા સંયુકત રીતે નિર્ણય લેવામાં આવ્યો છે.
જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ ખુબજ વધી ગયું છે. જેમાં જામનગર વકીલ મંડળના પાંચ વકીલો કોરોના ગ્રસ્ત બન્યા છે. જેમાં ૩ જી.જી. હોસ્પિટલમાં દાખલ છે, જયારે બે હોમ આઈસોલેશનમાં છે. કોરોનાના વધતા જતા સંક્રમણને લઈને જામનગર બાર એસોસિએશન દ્વારા તાત્કાલિક અસરથી ૨૧ એપ્રિલ સુધી અગત્યના કેસોની સુનાવણી સિવાયની તમામ કામગીરી સ્થગિત રાખવાનો ઠરાવ કર્યો છે, તે જ રીતે લેબર લોઝ પ્રેક્ટિસનર્સ એસોસિએશન દ્વારા પણ ૨૧ તારીખ સુધીની અર્જન્ટ સિવાયની અન્ય કામગીરી સ્થગિત રાખવા નિર્ણય લેવાયો છે.