ડ્રગ્સ સેવનના મામલે કોમેડિયન ભારતીસિંહના ઘરે એનસીબીની રેડ

મુંબઈમાં અંધેરી, વર્સોવા, લોખંડવાલામાં દરોડાઃ

મુંબઈ તા. ર૧ઃ ડ્રગ્સ સેવનના આરોપમાં કોમેડિયન ભારતીસિંહ અને તેના પતિના ઘરે એનસીબીની રેડ પડી છે. મુંબઈમાં અંધેરી, વર્સોવા અને લોખંડવાલા વિસ્તારોમાં એનસીબીના દરોડાની કાર્યવાહી ચાલી રહી હોવાનું જાણવા મળે છે.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો એટલે કે એનસીબી એ જાણીતી કોમેડિયન ભારતીસિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાના મુંબઈ સ્થિત ઘરે દરોડા પાડ્યા છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના સમાચાર પ્રમાણે એનસીબી એ શનિવારે સવારે અંધેરી, લોખંડવાલા અને વર્સોવાના ત્રણ અલગ અલગ સ્થળોએ દરોડા પાડ્યા છે.

આ દંપતી પર ડ્રગ્સનું સેવન કરવાનો આરોપ છે. અત્યારે આ લખાઈ રહ્યું છે ત્યારે દરોડાની કાર્યવાહી ચાલુ છે. આ માહિતીની પુષ્ટિ એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ કરી છે, જેમના માર્ગદર્શન હેઠળ જ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે, સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુ પછી બહાર આવેલા બોલિવૂડ અને ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં છાનેખૂણે ચાલતા ડ્રગ્સના સેવનના આંકડા મેળવવા માટે એનસીબી સતત સેલિબ્રિટિઓના ઘરે દરોડા પાડી રહી છે. દિવાળી પહેલા જ એક્ટર અર્જુન રામપાલને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો.

ભારતીસિંહ 'ધ કપિલ શર્મા શો', 'કોમેડી સર્કસ', 'ઝલક દિખલા જા', 'નચ બલિયે' જેવા શોમાં એક્ટિંગ પ્લસ એન્કરીંગ કર્યું છે. ભારતીસિંહે ૩ ડિસેમ્બર ર૦૧૭ ના ટેલિવિઝન રાઈટર હર્ષ લિંબાચિયા સાથે લગ્ન કર્યા હતાં અને આ દંપતી અત્યારે સોની ટીવી પર 'ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર' નામનો શો હોસ્ટ કરી રહ્યું છે. ભારતીસિંહના ઘેરથી કોઈ શંકાસ્પદ સામાન બરામદ થયો કે કેમ અને અન્ય ક્યાં સ્થળોએ એનસીબીની રેડ પડી છે તે વિશે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

close
Ank Bandh
close
PPE Kit