આવતીકાલે અનલોક-૧નો છેલ્લો દિવસઃ ગુજરાત સહિતના રાજ્યો કેન્દ્રને અનુસરશે

કેટલાક રાજ્યોએ લોકડાઉન વધાર્યું

નવી દિલ્હી તા. ૨૯ઃ આવતીકાલે અનલોક-૧ નો છેલ્લો દિવસ છે, ત્યારે કોરોનાથી વધુ પ્રભાવિત રાજ્યોએ ૩૧મી જુલાઈ સુધી લોકડાઉન લંબાવ્યું છે, જ્યારે ગુજરાત સહિતના કેટલાક રાજ્યો કેન્દ્રની ગાઈડલાઈન્સની રાહ જોઈ રહ્યા છે. દેશમાં અનલોક-૧ની મુદ્દત આવતીકાલે સમાપ્ત થઈ રહી છે ત્યારે દરેક લોકોના મનમાં એવો સવાલ છે કે ૧લી જુલાઈથી ક્યા પ્રકારના નિયમો લાગુ પડશે. શું રાહત મળશે કે પછી પ્રતિબંધો ચાલુ રહેશે? રાજ્યોએ આ બાબતે મંથન શરૃ કરી દીધું છે. કેન્દ્ર સરકાર પણ પ્લાનીંગમાં લાગી ગઈ છે. વિવિધ રાજ્યો તરફથી સંકેતો મળવા શરૃ થયા છે. પ.બંગાળ અને ઝારખંડ જેવા રાજ્યોએ ૩૧ જુલાઈ સુધી લોકડાઉન લંબાવવાનો નિર્ણય લીધો છે તો તામિલનાડુએ અસરગ્રસ્ત વિસ્તારોને બાદ કરતા બાકીની જગ્યાએ છૂટછાટ આપવાનો નિર્ણય લીધો છે. એક વાત સ્પષ્ટ છે ક્યાં કોરોના વાયરસના નવા કેસ ઓછા થયા છે ત્યાં છૂટછાટ મળશે બાકી બધે પ્રતિબંધો ચાલુ રહેશે. કોરોના વાયરસના વધતા મામલાઓ જોતા ગુરૃગ્રામ વહીવટી તંત્રએ જિલ્લામાં બે સપ્તાહ માટે સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવા નિર્ણય લીધો છે. ૩૦ જૂનથી ૧૪ જુલાઈ સુધી બે  સપ્તાહની અંદર લોકોની ગતિવિધિ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવી દેવાશે.

મણીપુર સરકારે પણ ૧લી જુલાઈથી ૧૫ જુલાઈ સુધી લોકડાઉનને આગળ વધાર્યું છે તો આસામ સરકારે પણ ૧૪ દિવસ માટે લોકડાઉન વધાર્યું છે. ગુવાહાટીમાં ૧૪મી સુધી લોકડાઉનનું કડક પાલન થશે. તામિલનાડુના ચેન્નઈમાં વિક એન્ડ દરમિયાન સંપૂર્ણ લોકડાઉનનું પાલન કરવામાં આવશે. કર્ણાટક સરકારે રાજ્યમાં નાઈટ કર્ફ્યુને એક કલાક વધાર્યું છે હવે રાત્રે ૮ થી સવારે ૫ સુધી કર્ફયુ રહેશે.

કેટલાક રાજ્યોએ કેન્દ્રને અનુસરવાનું નક્કી કર્યું છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, તેલંગાણા, ગુજરાત સહિતના રાજ્યો કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન્સની રાહ જોઈ રહ્યા છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit