જામનગર તા. ૨૬ઃ જામજોધપુરના જામવાડી ગામના એક યુવાને પોતાની માનસિક બીમારીથી કંટાળી ગઈકાલે આત્મહત્યા કરી લીધી છે. પોલીસે તેઓના માતાનું નિવેદન નોંધ્યું છે. જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં વણકર વાસમાં રહેતાં ભરતભાઈ નાનજીભાઈ ચાવડા નામના બાવીસ વર્ષના યુવાનને દસેક વર્ષથી માનસિક બીમારી લાગુ પડી હતી જેની સારવાર અપાવવામાં આવી રહી હતી. સારવાર લેવા છતાં સારૃ થતું ન હોય કંટાળી ગયેલા ભરતભાઈએ ગઈકાલે બપોરે પોતાના ઘરે સાડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની તેમના પરિવારને જાણ થતાં પોલીસને વાકેફ કરવામાં આવી હતી. દોડી ગયેલા જમાદાર એસ.આર. પરમારે ભરતભાઈને નીચે ઉતારી ચકાસતા આ યુવાન મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતાં. પોલીસે મૃતકના માતા જાનુબેન ચાવડાનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.