| | |

સોનિયા ગાંધીને વિદેશી અને ફિરંગી કહીને કોણ વગોવે છે? ઃ રાજધાનીમાં જાગી ચર્ચા

નવી દિલ્હી તા. રઃ કોંગ્રેસ નેતા અધીરરંજન ચૌધરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને ઘૂસણખોર ગણાવતા રાજધાનીમાં આ નિવેદન ચર્ચાસ્પદ બન્યું છે, જ્યારે તેની સામે વિપક્ષના સભ્યો ભૂતકાળમાં સોનિયા ગાંધી વિષે કરાયેલા ઉચ્ચારણો યાદ કરાવી રહ્યા છે. આ ચર્ચા રાજધાનીમાં ગુંજી રહી છે.

કોંગ્રેસના સિનિયર નેતા અધીર રંજન ચૌધરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને દિલ્હીમાં ઘૂસણખોર ગણાવતા રાજકીય ક્ષેત્રે જબરો વિવાદ જાગ્યો છે.

એનઆરસીના મુદ્દે ચૌધરી મોદી સરકારની ટીકા કરી રહ્યા હતાં, અને મોદી-શાહ મુસલમાનોને દેશની બહાર કાઢવા માંગે છે, તેવું કહેતાં કહેતાં ચૌધરીએ મોદી-શાહ પણ ગુજરાતમાં રહે છે અને દિલ્હીમાં ઘૂસણખોરી કરી છે, તેવું કહેતા તેના તિવ્ર પ્રત્યાઘાતો પડ્યા છે.

ભાજપના પ્રવક્તા નરસિમ્હા રાવે ટ્વિટ કરીને પ્રત્યાઘાત આપ્યો કે 'આ નિવેદનથી સાબિત થાય છે કે અધીર રંજન ચૌધરીનું દિમાગ સડી ગયું છે, તેને ઈલાજની જ જરૃર છે, જેથી તે સારૃં માનસિક સ્વાથ્ય મેળવીને સંસદમાં આવે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વડાપ્રધાન અને ગૃહમંત્રીના થયેલા અપમાન બદલ માફી માંગવી જોઈએ.'

ભાજપના પ્રવક્તાઓ પણ અધીર રંજન ચૌધરીની ટીકા કરવા લાગ્યા હતાં અને ઘૂસણખોરની વ્યાખ્યા સમજાવવા લાગ્યા હતાં. દેશના એક રાજ્યોમાંથી બીજા રાજ્યમાં જનારને ઘૂસણખોર કહી શકાય નહીં, કારણ કે બંધારણે દેશમાં કોઈપણ સ્થળે આવવા-જવા કે રહેવા-જીવવાનો અધિકાર દેશના તમામ નાગરિકોને આપ્યો છે. દેશમાં ગેરકાયદેસર રીતે આવીને કે ઘૂસી જઈને રહેતા લોકોને ઘૂસણખોર કહેવાય, જેથી અધીર રંજન ચૌધરીનું નિવેદન આપત્તિજનક છે, અને અપમાન કરનારૃ છે, તેવી દલીલ સાથે અધીર રંજન ચૌધરી પર ભાજપના નેતાઓ તડાપીટ બોલાવી રહ્યા છે.

રાજધાનીમાં થતી ચર્ચા મુજબ દેશમાં નાગરિકોને કોઈપણ સ્થળે  આવવા-જવા અને રહેવાનો અને સ્વતંત્ર રીતે જીવવાનો અધિકાર છે, તેથી ગજરાતમાંથી રાજધાનીમાં ઘૂસણખોરી કરવાનો આક્ષેપ કરવો અયોગ્ય છે, પરંતુ આ પહેલા ભાજપ દ્વારા જ આ પ્રકારના કેટલાક આક્ષેપો કરાયા છે, તે ભાજપના નેતાઓ કદાચ ભૂલી ગયા હોવાની ચર્ચા પણ થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભૂતકાળમાં હાલના કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને વિદેશી મૂળના ગણાવીને હોબાળો કરનારા કોણ હતાં? સોનિયા ગાંધીને વિદેશી નાગરિક્તા ધરાવનારા ગણાવીને તેમને વડાપ્રધાન પદ માટે ગેરલાયક માનનારા કોણ હતાં? તેમના માટે ફિરંગી અને વિલાયતી મહિલા જેવા શબ્દપ્રયોગો કોણે કર્યા હતાં? તેનો જવાબ મળવો જોઈએ.

આ વિવાદ એનઆરસીના મુદ્દે જાગ્યો છે. કેન્દ્ર સરકારે આખા દેશમાં એનઆરસી લાગુ કરવાની વાત કરી છે. આ કારણે કોઈપણ ધર્મના લોકોએ ડરવાની જરૃર નથી અને ધર્મના આધારે એનઆરસી લાગુ કરવાની કોઈ જોગવાઈ નથી, તેવું નિવેદન ગૃહમંત્રીએ સંસદમાં આપ્યું હતું. આ મુદ્દે પ્રત્યાઘાતો દરમિયાન આ અધીર રંજને કરેલું નિવેદન વિવાદનું કારણ બન્યું છે. અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે, 'હિન્દુસ્તાન બધા માટે છે, કોઈની જાગીર નથી. બધાનો સમાન અધિકાર છે. અમિત શાહ અને નરેન્દ્ર મોદીનું ઘર ગુજરાતમાં છે, અને તેઓ દિલ્હીમાં આવી ગયા છે, તેઓ ખુદ પ્રવાસી છે. એનઆરસીને લઈને જે માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે, તેથી હિન્દુસ્તાનના જે અસલ નાગરિકો છે, તેઓ વિચારે છે કે અમારૃ શું થશે?'

આ આખા નિવેદનમાં અધીર રંજન એવું કહેવા માંગે છે કે એનઆરસીના કારણે દેશમાં ભયનો માહોલ છે, અને મૂળ ભારતીય નાગરિકોમાં દહેશત ફેલાઈ રહી છે. આ દરમિયાન તેમણે અમિત શાહ અને નરેન્દ્ર મોદી વિષે કરેલા શબ્દપ્રયોગો વિવાદાસ્પદ હોય તો પણ તેનો કહેવાનો મૂળ ભાવાર્થ એનઆરસીના સંદર્ભે જ હતો તેવા નિવેદનો પણ સાંભળવા મળી રહ્યા છે. વાસ્તવમાં આ પ્રકારના વિવાદસ્પદ નિવેદનો ભૂતકાળમાં કોંગ્રેસના ઉચ્ચ નેતાઓ સામે પણ થયા હોવાથી તમામ રાજકીય પક્ષો અને નેતાઓએ નિવેદનો કરતી વખતે સાવધાની રાખવી જરૃરી છે તેમ તટસ્થ વિશ્લેષકો માને છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit