આમજનતા, સરકાર, વૈજ્ઞાનિકો, તબીબો દિશાશૂન્ય

કોરોનાની અકળ વક્રી ચાલ!

જામનગર તા. ર૧ઃ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી હાહાકાર મચાવી રહી છે. એક વર્ષથી ચાલી રહેલી આ અણધારી આફતે લાખો લોકોના જીવ હરી લીધા છે અને હજી પણ તેની ગતિ મંદ પડવાની કે નાબૂદ થશે તેવી કોઈ શક્યતા નજીકના ભવિષ્યમાં દેખાતી નથી.

ભારતમાં કોરોના સંદર્ભમાં કેન્દ્ર સરકાર અને ત્યારપછી રાજ્ય સરકારોએ લીધેલા પગલાંની શું અસર થઈ તેની ચર્ચા અસ્થાને છે, કારણ કે પ્રથમ તબક્કામાં કર્ફયુ સાથે લોકડાઉનના કડક નિયમો અને ત્યારપછી અનલોકના તબક્કાઓમાં છૂટછાટોનો દોર... આ સમયગાળામાં ન તો કોરોનાનું સંક્રમણ ઘટ્યું... ન તો મૃત્યુનો ભય ઓછો થયો... અલબત્ત મૃત્યુનો દર ઘણો ઓછો થતો ગયો છે તે એક જ બાબત રાહતરૃપ છે.

ભારત જેવા દેશમાં લાંબો સમય કર્ફયુ કે લોકડાઉનનો કડક અમલ શક્ય નથી તે સમજી શકાય તેવી બાબત છે, અને તેમ છતાં સરકારે લીધેલા તમામ પગલાં પણ સ્વાભાવિકપણે એટલા જ વ્યાજબી ગણીએ તો પણ કોરોનાને મહાત કરવામાં ધારી સફળતા નથી મળી તે ચિંતાજનક વાસ્તવિક્તા છે.

હાલના સંજોગોમાં કોરોનાએ ફરીથી જોરદાર ફૂંફાડો મારીને નવેસરથી આક્રમણ કર્યું છે અને તહેવારોની ઉજવણીમાં લોકોએ ધ્યાન ન રાખ્યું તેના કારણે સંક્રમણમાં ઉછાળો આવ્યો છે તેવો પ્રચાર થઈ રહ્યો છે. કદાચ લોકોની લાપરવાહી કારણભૂત હોય શકે છે, ત્યારે સવાલ એ થાય છે કે, બિહાર સહિતની ચૂંટણીઓ સમયે ચૂંટણી પ્રચારમાં, જ્યારે સભાઓમાં જે રીતે માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સીંગના નિયમોના ધજાગરા ઊડ્યા ત્યારે સરકારે આંખઆડા કાન કરી દીધા હતાં! મોટા ગજાના નેતાઓની સામે જ હજ્જારોની જનમેદની ખીચોખીચ ખડકાયેલી રહેતી હતી... છ ફૂટ તો ઠીક એક ફૂટનું અંતર પણ જળવાયું નહતું! બિહારની ચૂંટણીના વિજયને વધાવવા નવી દિલહીના ભાજપના અધ્યક્ષ કાર્યાલયમાં થયેલા કાર્યક્રમમાં પણ એકત્ર થયેલા ખુદ ભાજપના કાર્યકર્તાઓએ નિયમોનો અમલ કરવામાં લાપરવાહી દર્શાવી હતી. વડાપ્રધાન, ગૃહમંત્રી વગેરે સામેલ હતા.

આ બાબતોનો ઉલ્લેખ એટલા માટે જરૃરી છે કે આ તમામ મુદ્દાઓની ચર્ચા-ટીકા આમપ્રજામાં થઈ રહી છે. સુફિયાણી સલાહ-સૂચના આપ્યા પછી તેનો અમલ જ થતો નથી તે હકીકત છે અને જ્યા પ્રજાના લોકલાડીલા આદર ધરાવતા નેતાઓની સામે જ નિયમોનો ભંગ થતો હોય ત્યારે સામાન્ય જનતા હવે 'તમે કરો એનો વાંધો નહીં... તો અમે શું કામ માનીએ!' તેવા અભિગમ સાથે નિયમોનો ભંગ લોકો રોષ વ્યક્ત કરવા પણ કરી રહ્યા છે!

સરકાર અને સરકારી તંત્રો વારંવાર સમીક્ષા બેઠકો કરે છે, પરિસ્થિતિ પ્રમાણે નિયમોમાં બદલાવ કરે છે અને તે કરવું જ જોઈશે, પણ કોઈ તબીબ નિષ્ણાત કે વૈજ્ઞાનિક હજુ સુધી સરકારને સ્પષ્ટ સૂચના કે માહિતી આપી શક્યા નથી કે સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક, હાથ ધોવા, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જેવા ઉપાયો સો ટકા કારગત છે!

હવે અમદાવાદની જ વાત કરીએ તો સરકારને (ના છૂટકે) પ૭ કલાકનો કર્ફયુ લાદવાની ફરજ પડી છે. રાજકોટ, વડોદરા, સુરતમાં રાત્રિ કર્ફયુની જાહેરાત થઈ છે, પણ એક વાત સૌ જાણે છે કે હાલ ઠંડીની સીઝનમાં રાત્રે ૯-૧૦ વાગ્યા પછી બહાર નીકળનારા કેટલા? અને જામનગરમાં જ અનુભવ કરીએ તો રાત્રે ૧૦ વાગ્યા પછી જે કોઈ નીકળે છે તે કાં તો ટુ વ્હીલર કે ફોર વ્હીલર વાહનમાં નીકળે છે. મોટાભાગની બજારો-દુકાનો બંધ હોય છે, ખરીદીની ભીડનો સવાલ જ નથી. હોસ્પિટલ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન જેવા સ્થળોની આસપાસની હોટલ કે રેસ્ટોરન્ટોમાં થોડાઘણાં લોકો એકત્ર થાય છે, પણ ત્યાં ભારે ભીડ જામેલી રહેતી નથી. તેમાં ય કડકડતી ઠંડીમાં તો રાત્રે ૧ર વાગ્યા પછી સવાર સુધી સોપો પડી જાય છે ત્યારે રાત્રિ કર્ફયુનો કોઈ મતલબ જ રહેતો નથી. દિવસમાં જામતી ભીડ, કારણ વગર એકત્ર થતા લોકોના ટોળા સામે જ કડક કાર્યવાહીની જરૃર છે... અને દિવસના કર્ફયુના અમલ પછી પણ પ૭ કલાકના સમયગાળા પછી અમદાવાદમાં કોરોનાના કેસોની સંખ્યાની વધઘટ જ આવા પગલાંની વાસ્તવિક અસર શું થઈ છે તે પૂરવાર કરી શકશે!

નવા વર્ષના આગમન સાથે લોકોના આશાવાદ જાગ્યો છે કે હવે વેક્સિન આવશે અને કોરોનાની મહામારીમાં છૂટકારો આવશે. એક માત્ર વેક્સિન જ આ આફતમાંથી લોકોને ઉગારી શકે તેમ છે અને તેથી જ સૌ કોઈ હવે નિયમોની પરવાહ કર્યા વગર વેક્સિનની કાગડોળે રાહ જોઈ રહ્યા છે!

કેન્દ્ર સરકારે સમગ્ર ધ્યાન હવે વેક્સિન સંદર્ભમાં જ કેન્દ્રિત કરવાની જરૃર છે અને તેની સાચી સ્થિતિના રોજેરોજના અપડેટ્સ જાહેર કરવાની તાતિ જરૃર છે.

close
Ank Bandh
close
PPE Kit