કાલાવડના નિકાવા પાસે શ્રમિક પરિવારના પુત્ર-પુત્રી ખાડામાં ડૂબ્યાઃ સર્જાઈ વધુ એક કરૃણાંતિકા

રમતા-રમતા ખાડામાં પડી ગયાઃ ત્રણ દિવસમાં સાત બાળકોના ડૂબવાથી મૃત્યુઃ

જામનગર તા. ૧૫ઃ કાલાવડના કાલમેઘડામાં બે દિવસોમાં ત્રણ શ્રમિક પરિવારના પાંચ બાળકો જળ અકસ્માતમાં મૃત્યુ પામ્યા પછી ગઈકાલે નિકાવામાં અન્ય બે શ્રમિક પરિવારના બે ભુલકા પાણી ભરેલા ખાડામાં ડૂબી ગયા છે. દોડી આવેલા બાળક તથા બાળકીના માતા-પિતા અને તેમનો પરિવાર શોકમગ્ન બન્યા છે. પાંચ બાળકોમાં બે સગા ભાઈ-બહેનના મૃત્યુની કાલીમા હજુ વિખેરાઈ નથી ત્યાં જ વધુ બે બાળકોનો ભોગ લઈ લીધો છે.

કાલાવડ તાલુકાના કાળમેઘડા ગામમાં શનિવારે ત્રણ ફૂલ જેવા ભુલકાઓ રમતા રમતા ખાડામાં પડી ગયા પછી મોતને શરણ થયા હતાં. તે પછી શનિવારે જ એક બાળક-બાળકી પોતાના પિતરાઈ ભાઈ સાથે મોટર સાયકલમાં કાલમેઘડા તરફ જતા હતાં ત્યારે પુલીયા પરથી મોટરસાયકલ પાણીના વહેણમાં તણાતા તે બન્ને બાળકો પણ તણાયા હતાં અને તેઓના રવિવારે મૃતદેહ મળી આવ્યા હતાં. આમ બે દિવસમાં ત્રણ શ્રમિક પરિવારના કુલ પાંચ બાળકોનો જળપ્રલયે ભોગ લીધા પછી ગઈકાલે વધુ બે બાળકો કાલાવડ તાલુકામાં જ પાણીનો ભોગ બન્યા છે.

આ બનાવની વધુ વિગત મુજબ કાલાવડ તાલુકાના નિકાવા ગામથી નાનાવડાળા ગામ તરફ જવાના માર્ગ પર આવેલા એક ખેતરમાં મજુરીકામ કરવા માટે આવીને રહેતા તરસીભાઈ બાઘુભાઈ મદારીયા તેમજ દેવાભાઈ બચુભાઈ ચારોલીયા નામના દેવીપુજક શ્રમિકોના બાળકો અનુક્રમે રાધાબેન (ઉ.વ. ૧૦) તથા સન્ની (ઉ.વ. ૪) ગઈકાલે સાંજે સવા ચારેક વાગ્યે જ્યારે તેમના માતા-પિતા કામ કરતા હતાં ત્યારે રહેણાકની પાછળના ભાગમાં રમતા હતાં.

રમતા રમતા રાધાબેન તથા સન્ની ઘરની નજીક આવેલા પાણીના એક ખાડા નજીક પહોંચી ગયા પછી અકસ્માતે ખાડામાં લપસી પડતા આ બાળકોએ ચીસ પાડી હતી. તે સાંભળી રાધાબેન તથા દેવાભાઈ સહિતના વ્યક્તિઓ દોડી આવ્યા હતાં. તેઓએ બન્ને ભુલકાઓને બહાર કાઢવાના પ્રયાસો શરૃ કર્યા પછી થોડી જ મિનિટોમાં રાધા તથા સન્નીને બહાર કાઢવામાં આવ્યા હતાં પરંતુ બન્ને બાળકો વધુ પડતું પાણી પી ગયા હોય બેશુદ્ધ હતાં. તેઓને સારવારમાં ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી પરંતુ તે બન્નેને બચાવી શકાયા ન હતાં.

ઉપરોક્ત બાબતની પોલીસને જાણ કરાતા કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો. જમાદાર આર.વી. ગોહિલે તળસીભાઈ બાઘુભાઈ મદારીયાનું નિવેદન નોંધી સીઆરપીસી ૧૭૪ હેઠળ અપમૃત્યુની નોંધ કરી છે. શનિ, રવિ તથા સોમવાર એમ ત્રણ દિવસોમાં કાલાવડ પંથકના કાલમેઘડામાં પાંચ અને નિકાવા ગામમાં શ્રમિક પરિવારોના જ સાત બાળકો પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યાના આ અહેવાલે ભારે શોક પ્રસરાવ્યો છે.

close
Ank Bandh
close
PPE Kit