| | |

યુવતી બાબતના ઝઘડાના કારણે ૨૦ વર્ષીય યુવાનની હત્યા: ચાર શખ્સ છરી સહિતના હથિયારોથી તૂટી પડ્યા

ખંભાળીયા તા. ૨૨ઃ દ્વારકા જિલ્લાના મુળવાસર ગામમાં ગઈકાલે અગાઉની યુવતી બાબતની માથાકૂટના કારણે ચાર શખ્સે છરી, પાઈપ, ધોકા સાથે હુમલો કરી તે યુવાનની કરપીણ હત્યા નિપજાવી હતી. તેને બચાવવા વચ્ચે પડેલા મૃતકના માસી-માસાને માર મારી ફ્રેક્ચર કરી નખાયા હતાં. પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આરોપીઓના સગડ દબાવ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના મુળવાસર ગામમાં રહેતા દિનેશભા નાગસીભાઈ સુમણીયા (ઉ.વ. ૨૦) નામના હિન્દુ વાઘેર યુવાનને બેએક મહિના પહેલાં મુળવાસર ગામમાં જ વસવાટ કરતા કરશનભા જેશાભા ભઠડ અને તેમના પુત્ર અર્જુનભા તથા વેજાભાઈ ખેંગારભા ભઠડ, કાયાભા ઘોઘાભા માણેક સાથે કોઈ યુવતી બાબતે ઝઘડો થયો હતો.

ત્યારપછી ચાલી રહેલા મનદુઃખ વચ્ચે ગઈકાલે સાંજે સાતેક વાગ્યે દિનેશભા નાગશીભા મુળવાસરમાં માસી દેવળબેન વેજાભા માણેકના ઘેર હતાં ત્યારે ત્યાં લાકડી, પાઈપ, છરી સાથે ધસી આવેલા કરશનભા, અર્જુનભા, વેજાભા, કાયાભાએ હુમલો કરી દિનેશભાને આડેધડ ઘા ઝીંક્યા હતાં. વારાફરથી બારેક જેટલા ઘા ઝીંકી દેવાતા દિનેશભા લોહીલુહાણ બની ઢળી પડ્યા હતાં. તેમના પેટમાંથી આંતરડા બહાર આવી ગયા હતાં.

હુમલાના બનાવ વખતે દિનેશભાના માસી દેવલબેન તેમજ તેમના સાસુ સુંદરબેન તથા સસરા લખુભા માણેક વચ્ચે પડતા હુમલાખોરોએ તેમને પણ માર માર્યો હતો અને ફ્રેક્ચર કરી નાખ્યા હતાં. તે પછી હુમલાખોરો પલાયન થઈ ગયા હતાં. બનાવની પોલીસને જાણ કરાતા દ્વારકાથી પીઆઈ વિશાલ વાગડીયા સહિતનો સ્ટાફ ધસી આવ્યો હતો. પોલીસે ઈજાગ્રસ્ત દિનેશભાને સારવારમાં ખસેડવાની તજવીજ કરી હતી પરંતુ તે પહેલાં આ યુવાનનું મૃત્યુ નિપજ્યું હોય આ બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે મૃતકના માસીની ફરિયાદ પરથી આઈપીસી ૩૦૨ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે. વિભાગીય પોલીસવડા હરેન્દ્ર ચૌધરી પણ પહોંચ્યા હતાં. તેઓના માર્ગદર્શન હેઠળ પોલીસે તપાસ હાથ ધરી આરોપીના સગડ દબાવ્યા છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit