જામનગરની પરિણીતાને કસુવાવડ થઈ જતા પતિ, સાસુએ માર્યા મેણાટોણા

જામનગર તા. ૧૨ઃ જામનગરના ગોકુલનગર વિસ્તારની એક મહિલાએ ગળાફાંસો ખાઈ બે દિવસ પહેલાં આત્મહત્યા કર્યા પછી તેણીના પિતાએ પોતાની પુત્રીને કસુવાવડ થયા પછી પતિ, સાસુએ મેણાટોણા મારી આત્મહત્યાની દુષ્પ્રેરણા આપ્યાની મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા માધવબાગ-૧ નજીકની દ્વારકેશ-૩ સોસાયટીમાં રહેતા કાજલબેન ધવલભાઈ બારૈયા (ઉ.વ. ૨૨) નામના પરિણીતાએ શનિવારે પોતાના ઘરે પંખામાં સાડી વડે ગાળીયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની તેણીના સસરા દિનેશભાઈ બારૈયાએ પોલીસને જાણ કરી હતી. આ પરિણીતાની આત્મહત્યાનું કારણ જાણવા પોલીસે તપાસ શરૃ કરી હતી. તે દરમ્યાન ગઈકાલે લાલપુર તાલુકાના ડબાસંગ ગામમાં રહેતા નીતેશભાઈ લીંબાભાઈ સનુરા રાઠોડ નામના કોળી પ્રૌઢે મહિલા પોલીસ સ્ટેશનમાં જમાઈ ધવલ તથા વેવાણ જસુબેન દિનેશભાઈ બારૈયા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ મૃતક કાજલબેનના લગ્ન ધવલભાઈ બારૈયા સાથે થયા પછી તેણી ગર્ભવતી બન્યા હતાં. ત્યારપછી પાંચેક મહિના પૂર્વે કોઈ રીતે કાજલબેનને કસુવાવડ થઈ જતા પતિ તથા સાસુ ઉશ્કેરાયા હતાં. તેઓએ તારે સંતાનને જન્મ આપવો નથી અને બીજાના સંતાનને ખોળે બેસાડવા છે, ધ્યાન રાખતી નથી એટલે કસુવાવડ થઈ ગઈ છે તેમ કહી મેણાટોણા મારવાનું શરૃ કર્યું હતું. આ પરિણીતાને સગા સંબંધીના ઘેર પણ જવા દેવામાં આવતી ન હતી તેથી માનસિક રીતે પડી ભાંગેલા કાજલબેને ગળાફાંસો ખાઈ જીવાદોરી ટુંકાવી છે. પોલીસે આ ફરિયાદ આઈપીસી ૩૦૬, ૪૯૮ (ક), ૧૧૪ હેઠળ નોંધી છે. પીઆઈ યુ.એચ. વસાવાએ તપાસ શરૃ કરી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit