ખંભાળીયાના વાડીનારમાં પોલીસ પર ટોળાનો પથ્થરમારો

વાડીનાર તા. રપઃ ખંભાળીયાના વાડીનારમાં ગઈકાલે સાંજે રાજ્યભરમાં કરાયેલા લોકડાઉન તેમજ ૧૪૪ની કલમના અમલવારી સબબ પોલીસ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલીંગમાં અકબર ચોકમાં મચ્છી વેચતી મહિલાઓને પોલીસે સમજાવટ કરી વ્યવસાય બંધ રાખવા વિનંતી કરી હતી ત્યારે એકઠા થઈ ગયેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો શરૃ કરતા અફડાતફડી મચી ગઈ હતી. જેના પગલે વાડીનારમાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા હતાં. અંદાજે બે કલાકની જહેમત પછી પોલીસે મામલા પર કાબૂ મેળવી લીધો હતો. પોલીસે નવ શખ્સના નામ જોગ અને ટોળા સામે ગુન્હાઓ નોંધ્યા છે જેમાંથી પાંચની ધરપકડ કરાઈ છે. હાલમાં વાડીનારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના વાડીનારમાં ગઈકાલે રાજ્ય સરકારના સોમવારે જાહેર થયેલા તા. ૩૧ માર્ચ સુધીના લોકડાઉનના જાહેરનામાના અન્વયે પોલીસ દ્વારા પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે ઉપરાંત જિલ્લા સમાહર્તાના કલમ ૧૪૪ લાગુ કરવાના જાહેરનામાની પણ અમલવારી કરાવવામાં આવી રહી હતી ત્યારે વાડીનાર ગામમાં જાહેરમાં કેટલીક મહિલાઓ મચ્છી વેચતી જોવા મળતા પોલીસે તે મહિલાઓને ચારથી વધુ વ્યક્તિઓ એકઠી થશે તો જાહેરનામાનો ભંગ થઈ શકે છે તેમ સમજાવટ કરતા આ મહિલાઓ તેમજ તેમની સાથે રહેલા કેટલાક શખ્સોએ અત્યંત ઉશ્કેરાટમાં આવી પોલીસ પર હલ્લો કર્યો હતો.

પોલીસની જીપ પર આ ટોળાએ પથ્થરબાજી શરૃ કરતા વાડીનાર મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ ચાવડા તેમજ પોલીસ સ્ટાફ અને સાથે રહેલા એસઆરબીના જવાનોને પથ્થર વાગતા ઈજા થઈ હતી. તે ઉપરાંત પથ્થરમારાથી પોલીસ જીપના કાચ ફૂટતા અફડાતફડી મચી ગઈ હતી.

ઉપરોક્ત બનાવ સાંજે સાડા ચારેક વાગ્યે બનતા જ વાડીનાર પોલીસે જિલ્લા પોલીસવડા રોહન આનંદને વાકેફ કર્યા હતાં. જેના પગલે દેવભૂમિ દ્વારકા એલસીબી, એસઓજી તેમજ અન્ય પોલીસ સ્ટાફ અને મેઘપર પોલીસ સ્ટેશનનો સ્ટાફ બનાવના સ્થળે ધસી ગયો હતો. પોલીસના પહોંચવા પછી પણ વિખેરાવાનું નામ ન લેતા ટોળાએ પોલીસની ફરજમાં રૃકાવટ કરવાનું યથાવત રાખ્યુ હતું. પોલીસે મહામહેનતે ટોળા વિખેરવાનું કાર્ય કર્યુ હતું. કફોડી હાલતમાં મૂકાયેલી પોલીસે સ્થાનિક આગેવાનોને પણ મધ્યસ્થી કરવા વિનંતી કરી હતી તેમ છતાં કેટલાક શખ્સો પોલીસ જીપ પર ચડી દેખાવો કરતા હતાં.

વાડીનારના અકબરી ચોકમાં બનેલા આ બનાવમાં પોલીસની જીપને એક તબક્કે ટોળાએ ઘેરી લીધી હતી. તેમાંથી ઉતરેલા પોલીસ જવાનોને ધક્કે ચડાવવામાં આવ્યા હતાં. ગણતરીના પોલીસ સ્ટાફ સામે એકસોથી વધુ લોકોનું ટોળુ દેખાવો કરી રહ્યું હતું. જેની વિગત દેવભૂમિ દ્વારકાના એસપીને આપતા તેઓની સૂચનાથી પોલીસના ધાડેધાડા વાડીનારમાં ઉતારી દેવામાં આવ્યા હતાં. તે પછી પરિસ્થિતિ અંકુશમાં આવી હતી. આ બનાવ અંગે વાડીનાર મરીન પોલીસ સ્ટેશનના હેકો હસમુખભાઈ એચ. પારઘીએ ખુદ ફરિયાદી બની મોડી સાંજે વાડીનાર મરીન પોલીસ સ્ટેશનમાં જ ગુન્હો નોંધાવ્યો છે. પોલીસે વાડીનારના ઝુલેખા ગની ભગાડ, અનીસ લતીફ સંઘાર, હાસમ અબ્બાસ ભગાડ, અકબર મામદ ભગાડ, અસલમ અકબર ભગાડ, બીલાલ કાસમ સુંભણીયા, ગની મામદ ભગાડ, રજાક ઉમર સંઘાર, મુસ્તાક અનવર ગંઢાર સહિતના નવ શખ્સના નામજોગ અને અન્ય અજાણ્યા શખ્સોના ટોળા સામે આઈપીસી ૧૪૩, ૧૪૭, ૧૪૯, ૧૮૬, ૧૮૮, ૩૨૩, ૩૩૨, ૩૩૭, ૩૪૨, ૪૨૭, ૫૦૪ તથા જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધ્યો છે. જેમાંથી આજે સવારે ઝુલેખા, અનિસ, અકબર, હાસમ, અસલમની પોલીસે ધરપકડ કરી છે. બાકીના આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. ઉપરોક્ત બનાવ પછી પોલીસે વાડીનારમાં શેરી-ગલીઓમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.

close
Nobat Subscription