પ્રથમ બે દિવસમાં નગરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા ૯૬ વાહન ચાલકો સીસી ટીવીમાં કેદ

જામનગર તા. ૧૭ઃ જામનગરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને ઈ-મેમો આપવાની કામગીરી શનિવારથી શરૃ કરવામાં આવ્યા પછી બે દિવસમાં કુલ ૯૬ વાહન ચાલકો કાયદાનો ભંગ કરતા કેમેરાની આંખમાં ઝડપાઈ જતા તેઓને મેમો મોકલવાની કામગીરી કરવામાં આવી છે.

જામનગર શહેરના પી.એન. માર્ગ , ગુરૃદ્વારા , સાત રસ્તા,બેડી નાકા સહિતના મુખ્ય વિસ્તારોમાં મુકવામાં આવેલા સીસી ટીવી કેમેરામાં કેદ થતા ફૂટેજ નિહાળી તેના પરથી ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને ઈ-મેમો આપવાની કામગીરી શનિવારથી શરૃ કરવામાં આવી છે. સીસી ટીવીના મોનટરીંગ માટે ખાસ ઊભા કરવામાં આવેલા કમાન્ડ કંટ્રોલીંગ સેન્ટરમાં ચોવીસેય કલાક માટે કુલ ૧૪ પોલીસ કર્મચારીની નિમણૂક કરવામાં આવી છે.

એસપી કચેરીના વાયરલેસ વિભાગના પીએસઆઈ એન.એચ. નિમાવતના સીધા વડપણ હેઠળ શનિવારથી શરૃ થયેલી કામગીરીમાં સાંજ સુધીમાં નગરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરતાં ૪૭ વાહન ચાલકો ફૂટેજમાં કેદ થઈ જતા તેઓને ઈ-મેમો આપવાની કામગીરી શરૃ કરાઈ હતી. તે પછી ગઈકાલે રવિવારે સાંજ સુધીમાં આવી જ રીતે નિયમ ભંગ કરનાર ૪૯ વાહન ચાલકો ફૂટેજમાં જોવા મળ્યા હતાં. તેઓને પણ તેમના સરનામે દંડની પહોંચ મોકલવાની કામગીરી હાથ ધરાઈ છે. મોટા ભાગે ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા ચાલકો, ત્રીપલ સવારી, સીટ બેલ્ટ બાંધ્યા વગર મોટર ચલાવતા વાહન ચાલકો સામે કામગીરીનો પ્રારંભ થયો છે. આગામી દિવસોમાં રોંગ સાઈડમાં પૂરપાટ જતાં વાહનચાલકો સામે કાયદાનો દંડો ઉગામાશે.

close
Nobat Subscription