જામનગર તા. ૨૩ઃ જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર આવેલા ચેલા ગામ નજીકના પુલના ચાલતા કામના સ્થળેથી તગારા, પાવડા, ચોકા, મીલર ચોરાઈ ગયા છે. પોલીસે કડીયા કામનો ઉપરોકત સામાન ચોરી જનાર શખ્સો સામે ગુન્હો નોંધી તપાસ શરૃ કરી છે. જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર આવેલા ચેલા ગામ પાસે હાલમાં પુલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે ત્યાંથી ગયા ગુરૃવારે સવારથી શુક્રવારની સવાર સુધીમાં કેટલોક માલસામાન ચોરાઈ ગયો હતો.
આ બાબતની શુક્રવારે સવારે લાલપુરના આંબેડકર વાસમાં રહેતાં કાનજીભાઈ રાજાભાઈ ધોળકીયાને જાણ થતાં તેઓએ સાઈટ પર તપાસ કરતા ત્યાંથી એસર કંપનીનું એક મીલર, દસ તગારા, દસ પાવડા, લોખંડના બાવીસ ચોકા, પ્લાસ્ટીકનું બેરલ ન જોવા મળતા તેઓએ ઉપરોકત સામાન ચોરાયાની પંચકોશી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કુલ રૃા. ૩૦૭૦૦ ની મત્તા ચોરી ગયેલા અજાણ્યા તસ્કરો સામે આઈપીસી ૩૭૯ હેઠળ ગુન્હો નોંધ્યો છે.