Advertisement
Author: નોબત સમાચાર

વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને આત્મહત્યા રોકવા ગુજરાત સરકાર દ્વારા લેવાયા મહત્ત્વના નિર્ણય

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: ગુજરાત સરકારે ધો. ૯ થી ૧ર મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને આત્મહત્યા રોકવા માટે મહત્ત્વના નિણર્ય કર્યા છે, જેમાં ગુણના આધારે વિદ્યાર્થીઓને અલગ બેસાડી નહીં શકાય તેમજ દરેક શાળામાં 'સ્કૂલ વેલનેસ ટીમ'ની રચના ફરજિયાત કરવી પડશે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાના માર્ગદર્શનમાં રાજ્યના શિક્ષણ વિભાગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો ૧૯૭૪ માં નવી જોગવાઈ તરીકે વિનિયમ-૧૬ (અ) ઉમેર્યો છે.

પરિશિષ્ટ-૮ માં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય કલ્યાણ તથા આત્મહત્યા નિવારણ માટે વિગતવાર વ્યવસ્થા નક્કી કરવામાં આવી છે. આ જોગવાઈ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે સંલગ્ન ધો. ૯ થી ૧૦ ની પ્રાથમિક તથા ધો. ૧૧-૧ર ની ઉચ્ચત્ત્ર માધ્યમિક શાળાઓને લાગુ પડશે.

જેમાં શાળાઓ હવેથી ઓછા ગુણ લાવનાર વિદ્યાર્થીઓનું અપમાન કરી શકાશે નહીં તેમજ વધુ માર્કસ લાવનાર વિદ્યાર્થીઓ સાથે તુલના કે ભેદભાવ કરી શકાશે નહીં. પરિણામને આધારે વિદ્યાર્થીઓને વર્ગખંડમાં અલગ બેસાડવા પર પણ કડક પ્રતિબંધ રહેશે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર વધુ ભાર આપવા શાળઓને જણાવાયું છે.

નવી જોગવાઈ મુજબ વિદ્યાર્થીઓ તણાવમુક્ત વાતાવરણમાં અભ્યાસ કરી શકે તે માટે વિદ્યાર્થીઓની વહેલી ઓળખ કરી તેમને ત્વરિત અને સંવેદનશીલ સંસ્થાકીય મદદ પૂરી પાડી શકાય.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં નોંધાયેલી ધો. ૯ થી ૧ર ની દરેક શાળામાં ફરજિયાત 'સ્કૂલ વેલનેસ ટીમ'ની રચના કરવાની રહેશે. વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને ભાવનાત્મક સુખાકારીની જાળવણી ઉપરાંત આત્મહત્યા અથવા અન્ય ગંભીર જોખમી પરિસ્થિતિમાં ત્વરિત અને અસરકારક કાર્યવાહી થઈ શકે તે માટે ટીમને તાલીમબદ્ધ કરવાની રહેશે. સ્કૂલ વેલનેસ ટીમમાં આચાર્ય ટીમ લીડર અને શાળા કાઉન્સેલર અથવા નિયત કરેલ શિક્ષક ટીમ કો-ઓર્ડિનેટર તરીકે રહેશે, જ્યારે સભ્ય તરીકે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાંથી એક-એક શિક્ષક, શાળા વ્યવસ્થાપન સમિતિના એક પ્રતિનિધિ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાંથી એક-એક ટીચર મોનીટર, અથવા લીડર અને એક બિનશૈક્ષણિક કર્મચારીનો સમાવેશ થશે. દર વર્ષે શૈક્ષણિક સત્રના પ્રારંભે સ્કૂલ વેલનેસ ટીમની રચના કરવાની રહેશે અને તેની વાર્ષિક સમીક્ષા ફરજિયાતપણે કરવાની રહેશે. ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓ હોય તો કાઉન્સેલર, મનોવૈજ્ઞાનિક અથવા સામાજિક કાર્યકર્તાની નિયુક્તિ કરવી ફરજિયાત રહેશે, જ્યારે ૧૦૦ થી ઓછી સંખ્યા ધરાવતી શાળાઓએ બ્રાહ્ય માનસિક સ્વાસ્થ્ય વ્યાવસાયિક, નજીકના સામુદાયિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, જિલ્લા માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ તેમજ ટેલી-માનસ સેવાઓ સાથે ઔપચારિક રેફરલ જોડાણ પ્રસ્થાપિત કરવાનું રહેશે.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh